નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.
કોટક ધાર્મિક ‘ગોપાલ’

ઝીણા ઝીણા મેહ – ન્હાનાલાલ

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચુંદડલી.

આજ ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મ્હારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા !
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

-ન્હાનાલાલ

મુગ્ધાના હૃદયમાં થતા પ્રથમ પ્રેમોદયની સુકુમાર ભાવોર્મિનું મનભાવન ચિત્ર એટલે આ કાવ્ય. પ્રથમ વરસાદના ઝીણા-ઝીણા ફોરાં આખી સૃષ્ટિને ભીંજવે છે. પપીહા, મોર, વાદળ, મુગ્ધાની માળાથી માંડીને કાચા કુંવારા કૌમારની ચુંદડી અને પ્રિયજનના નેણ અને આખ્ખેઆખ્ખી શરદ ઋતુ પણ ભીંજાઈ જાય છે. બીજા અર્થમાં અહીં પ્રેમવર્ષાની વાત છે… વ્યક્તિથી લઈને સમષ્ટિના સમૂચાં ભીંજાઈ જવાનું ચિત્ર આખું એવું મનહર થયું છે કે એમ થાય બસ, ન્હાયા જ કરીએ…ન્હાયા જ કરીએ…

(વેણાં=વાંસળી, આનંદકન્દ= આનંદના મૂળરૂપ પરમાત્મા, પડછંદા= પડઘા, હેરે=નીરખે, મધુરસચંદા= મધુર રસથી ભરપૂર ચંદ્ર, પ્રિયતમ.)

4 Comments »

  1. pragnaju said,

    January 10, 2008 @ 10:26 AM

    લગભગ ૬૦ વર્ષ પહેલાં નાન્હાલાલ માટે કહેવાતું-
    ‘ડાહ્યો ડાહ્યાલાલનો ડાહ્યો દલપતરામ
    નફ્ફટ પાક્યો નાનાકો બોળ્યું બાપનું નામ!’
    ત્યારે બીજી બાજુ અમારા આદર્શ નર્મદની શૂરવાણી
    આગળ દલપતનું ગુલામ જેવું માનસ લાગતું!
    … ત્યારથી અત્યારે અહી પણ નાન્હાલાલની
    ‘પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
    પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
    પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
    નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના….’
    રોજ પ્રાર્થના કરીએ તે તો વેદવાણી લાગે.
    ગુજરાતી બોલવાનું ટાળતી અમારી ત્રીજી પેઢી પણ ગાય.
    આ ગીત બેઠા બેઠા વાંચવાનું નથી પણ નાચતા નાચતા
    તાલ દઈ ગાવાનું-ચુંદડલી પ્રેમમાં ભીંજવવાનું છે.
    આનંદકન્દ ડોલે સુન્દરીનાં વૃંદને
    મીઠા મૃદંગ પડછંદા રે :
    મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
    હેરો મારા મધુરસચંદા !
    હો ! ભીંજે મારી ચુંદડલી.

  2. ભાવના શુક્લ said,

    January 10, 2008 @ 11:53 AM

    પ્રણયને કાવ્યથી સજાવ્યુ કે કાવ્યને પ્રણયથી…..
    બસ અખિલમ મધુરમ્………….

  3. shriya said,

    January 10, 2008 @ 5:38 PM

    એકદમ અનુરુપ કાવ્ય… આજના વાતાવરણને! અહી પણ ઝીણા ઝરમર વરસે છે મેહ.. 🙂

    -શ્રિયા

  4. લયસ્તરો » ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ) said,

    July 13, 2008 @ 6:22 AM

    […] ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment