દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વજ્ર માતરી

વજ્ર માતરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કોણ માનશે ? – વજ્ર માતરી

દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે ?
મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે ?

ગમની છે રામબાણ દવા ઘુંટ મદિરા,
એ સંતનું વિધાન હતું કોણ માનશે ?

જીવન ગણીને જેની અમે માવજત કરી,
મૃત્યુનું એ નિદાન હતું કોણ માનશે ?

જે બારણે હું ઊભો હતો અજનબી સમો,
મારું જ એ મકાન હતું કોણ માનશે ?

ડૂબી ગયો તો સઘળા કિનારા મળી ગયા,
મારામાં એનું ધ્યાન હતું કોણ માનશે ?

બદનામીઓ મળી જે મને પ્રેમ કારણે,
વાસ્તવમાં એ જ માન હતું કોણ માનશે ?

કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે !
તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?

લૂંટાઈ બેઠા ‘વજ્ર’ અમે ભરબજારમાં,
મન ખૂબ સાવધાન હતું કોણ માનશે ?

– વજ્ર માતરી

તરહી મુશાયરાના જમાનામાં આપેલી પંક્તિ ઉપર બધા ગઝલકારો ગઝલ લખીને લાવતા. એવા જ કોઈ તરહી મુશાયરામાં કદાચ આ ગઝલ સર્જાઈ હોય… ત્રણેક ગઝલ મને જડી છે… બીજી આપને જડે તો અમને જણાવજો…

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે? – રૂસ્વા  https://layastaro.com/?p=432
દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે? -શૂન્ય પાલનપુરી https://layastaro.com/?p=466
તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે – મરીઝ http://maagurjari.com/2012/07/25

 

Comments (10)