જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બાપુભાઈ ગઢવી

બાપુભાઈ ગઢવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - બાપુભાઈ ગઢવી
ગઝલ - બાપુભાઈ ગઢવીગઝલ – બાપુભાઈ ગઢવી

ફરી ચાલ, નખને અણી કાઢીએ;
ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ !

શરત આવવાની હો તારી અગર;
બધાં પાન વનનાં ગણી કાઢીએ !

બધી કોર તારી પ્રતીક્ષા કરી;
હવે દોટ કોના ભણી કાઢીએ ?

તને કેવી રીતે ભૂલી જાઈએં ?
કઈ પેર પગની કણી કાઢીએ ?

ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ ?

– બાપુભાઈ ગઢવી

પ્રશિસ્ત ગુજરાતીમાં શરૂ થઈ અચાનક તળપદી ગઢવી ભાષામાં ડૂબકી મારતી હોવા છતાં નખશિખ આસ્વાદ્ય ગઝલ… પ્રતીક્ષા વિશે આવી મજાની ગઝલો બહુ જૂજ લખાઈ હશે… સલામ, કવિ !

Comments (14)

ગઝલ – બાપુભાઈ ગઢવી

કંઈ સ્થિરતાની લાગણી અસ્થિરતાનો વ્હેમ
પૂરપાટ નદી વચ્ચે તરાપામાં હેમખેમ

તારા સ્મરણની સીમમાં પાણી-શો ખળખળું
દૃષ્ટિનું નામ ધોરિયા આંખોનું નામ ડેમ

કરચોની જેમ વાગતી રૂંવે રૂંવે ક્ષણો
જાણે ફૂટી ગયો હો સમય કાચઘરની જેમ

જ્યાં-ત્યાં બધે હવાઓ મને વીંઝતી રહે
ચકરાય શ્વાસશ્વાસ કો’ ગોફણમાં હોય એમ

દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનું કરવું કેમ ?

– બાપુભાઈ ગઢવી

ફેસબુક પરથી આ ગઝલ જડી આવી. કવિમિત્ર મિલિન્દ ગઢવીએ આ ગઝલ રજૂ કરતી વખતે સાથે જે પ્રતિભાવ મૂક્યો હતો એ જ અહીં મૂકવાની લાલચ રોકી નથી શકતો: “હૃદયની આરપાર નીકળી જાય એવી વાતોમાં મને પહેલેથી જ ઓછો રસ પડ્યો છે. હૃદયમાં રોકાય જાય એવું મને ગમે. અને આ ગઝલ વર્ષોથી હૃદયમાં રોકાયેલી છે.” (ગ.મિ.)

Comments (13)