ક્યાં ફૂલો પધરાવશો ‘ઈર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અનિલા જોશી

અનિલા જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સૈંયર, શું કરિયેં? – અનિલા જોષી

કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈંયર, શું કરિયેં?

આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈંયર, શું કરિયે?

ઊંઘમાં જાગે ઊજાગરો
ને સમણાંની સોગાદ
સૈંયર, શું કરિયેં?

મૂગામંતર હોઠ મારા
ને હૈયું પાડે સાદ
સૈંયર, શું કરિયેં?

પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈંયર, શું કરિયેં?

પગમાં હીરનો દોર વીંઝાયો
ને ઝરણાનો કદનાદ
સૈંયર, શું કરિયેં?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈંયર, શું કરિયેં?

– અનિલા જોષી

જ્યારે કોઈ ગીત વાંચીને લાગે કે આ તો લોકગીત હશે અને પછી એ ન લોકગીત ન નીકળે ત્યારે માનવું કે એ સો ટચનું ગીત છે. વાત તો એ ની એ જ છે – પ્રેમ રંગે રંગાતી જતી નાયિકા સખીને પોતાના મનની મૂંઝવણ કહે છે. પણ ગીત તરત જ મહેકી ઊઠે એવું થયું છે.

Comments (10)

મને મળવાનો તારી પાસે સમય નથી – અનિલા જોશી

તને મળવા હું એટલો બધો આતુર
કે મેં મારા અસ્તિત્વના એંધાણ
ચારે તરફ મૂકી દીધાં.
મારા સ્પર્શથી તને શાતા થાય
એટલે હું હવાની લહેરખી બની આવ્યો,
પણ તું તો સુઈ ગયો એરકન્ડિશન્ડ રૂમમાં.
પુષ્પ બની હું રોજ ને રોજ ખીલું
પણ તારા પાસે મારી સુગંધ સુધી
પહોંચવાનો સમય પણ ક્યાં છે ?
તારા મનને મધુરપથી તરબતર કરવા
પંખીનો સૂર બનીને આવું,
પણ તું તો મશગૂલ
તારા પોપ મ્યુઝિકમાં…
નિદ્રામાં તારું રક્ષણ કરી
સવારે ઉઠાડું એક જ આશાએ
કે કદાચ આજે તું મારી સાથે વાત કરીશ
પણ તું તો મોબાઇલમાં મસ્ત.

-અનિલા જોશી

આમ તો આ મનુષ્યમાત્રને મળવા આતુર ઈશ્વરની ઉક્તિ છે પણ આપણા આજના તમામ સંબંધોમાં સમાનરીતે લાગુ નથી પડતી? જાવેદ અખ્તરનો એક શેર યાદ આવે છે: तब हम दोनों वक्त चुराकर लाते थे, अब मिलते है जब फुरसत होती है |

Comments (7)