પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કાયમ હજારી

કાયમ હજારી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - 'કાયમ' હઝારી
ના ખપે - 'કાયમ' હજારીગઝલ – ‘કાયમ’ હઝારી

ખુદા જાણે તમે કેવી જગા પર જઈને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા !

તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.

સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી
હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !

જિગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તાં કંઈ નથી આ રાહમાં અજવાળાં પથરાયાં.

કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઈને રોકાયા !

તમે આવ્યાં હતાં હસતાં, ગયાં ત્યારે હસતાં’તાં,
ભરમ એ હાસ્યના અમને, હજી સુધી ન સમજાયા !

હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
યુગો વીતી ગયા કિન્તુ આ ઇંસાનો ન બદલાયા !

ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.

– ‘કાયમ’ હઝારી

પરંપરાના રંગે રંગાયેલી આ ગઝલમાં મોટા ભાગના શેર અર્થગંભીર થયા છે અને આજે પણ પ્રાણવાન લાગે છે… પણ મને તો ‘ગજું’ શબ્દની ભાવકની ક્ષમતા મુજબ નાનાવિધ અર્થછટાઓ ઉપસાવતો અને તખલ્લુસને બખૂબી નિભાવતો મક્તાનો શેર ખૂબ ગમી ગયો…

Comments (21)

ના ખપે – ‘કાયમ’ હજારી

પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે  વેતરે !

ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?

જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?

હોય આનાથી વધુ સંતાનનું બીજું પતન ?
ભરબજારે માતનાં વસ્ત્રો હરી ગૌરવ કરે !

માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને
મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !

ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !

– ‘કાયમ’ હજારી

આકરા આક્રોશથી અવતરેલી આ ગઝલના સંદેશને મારે કેવી રીતે સમજાવવો ? જે સમય નથી સમજાવી શક્યો, એ સમજાવવાનું મારું શું ગજુ ?

Comments (16)