તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હિમાંશુ પટેલ

હિમાંશુ પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ચિત્ર – શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ) અનુ. હિમાંશુ પટેલ

ચાર બાળકો
તૂર્ક, પર્શિયન
એક આરબ અને કૂર્દ
ભેગાં મળી માણસનું ચિત્ર દોરતાં હતાં.
પહેલાએ એનું માથું દોર્યું
બીજાએ એના હાથ અને ઉપલાં અંગો દોર્યાં
ત્રીજાએ દોર્યા એના પગ અને ધડ
ચોથાએ એના ખભા પર બંદૂક દોરી.

– શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ)
(અનુ. હિમાંશુ પટેલ)

ક્યારેક કોઈ એક જ કવિતા આખા અસ્તિત્વ માટે પણ પર્યાપ્ત હોય છે. આ કવિતા તરફ જુઓ. કેટલી નાનકડી અને કેટલી સરળ ! પણ વાંચો અને ભીતરથી ચીસ ન ઊઠે તો આપણા માણસપણા અંગે શંકા જરૂર કરવી. આપણી ‘સંસ્કૃતિ’ હવે કેટલી હદે વણસી છે એનું આ તાદૃશ ઉદાહરણ છે. આપણું સર્જન પણ વિનાશ સથે જ જોડાયેલું છે અને આ વાત આપણી ગળથૂથીમાં જ પચી ગઈ છે કદાચ.

Comments (12)

જુદાઈ – શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ) (અનુ.:હિમાંશુ પટેલ)

જો તેઓ મારી કવિતામાંથી
ફૂલ લઈ લે
તો મારી એક ઋતુ મરી જાય.
જો તેઓ મારી પ્રિયતમા લઈ લે
તો બે મરી જાય
જો તેઓ પાંઉ લઈ લે
તો ત્રણ મરી જાય
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
તો આખું વર્ષ મરી જાય
અને હું પોતે પણ મરી જાઉં.

– શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ)
(અનુ.:હિમાંશુ પટેલ, અમેરિકા)

વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં લખાતી કવિતા જે તે સંસ્કૃતિનો આયનો છે. ઇરાકી કવિની આ કવિતા વાંચીએ ત્યારે પહેલી નજરે છેતરામણી સરળ અને સહજ લાગે પણ છેલ્લી બે લીટી વાંચીએ ત્યારે સૉનેટ જેવી ચોટ અનુભવાય. કવિતામાંથી કુદરત અને સૌંદર્ય છિનવી લેવાય તો કદાચ કવિતાનો એક ભાગ મરી જાય પણ આખી કવિતા નહીં. પ્રેમ અને પ્રેમોક્તિ પણ કાઢી લેવાય તોપણ અડધી કવિતા તો જીવશે જ. ગરીબી, આજીવિકા કે મનુષ્યના અસ્તિત્વની વાતો પણ કાઢી લેવાય તોય કદાચ કવિતા સમૂચી મરી નહીં પરવારે. પણ જો અભિવ્યક્તિની સ્વતંત્રતા છિનવી લેવાય તો કવિ જાણે છે કે આ ‘જુદાઈ’ મરણતોલ છે… સ્વતંત્ર અભિવ્યક્તિ વિના કવિતા પણ શક્ય નથી અને કવિ પોતે પણ શક્ય નથી… કવિતા પૂરી થાય ત્યારે કવિતાનું શીર્ષક સાચા અર્થમાં સમજાય છે..

સાભાર સ્વીકાર:  અમેરિકા સ્થિત કવિ શ્રી હિમાંશુ પટેલના સંગ્રહો: ‘એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે’ (દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ), ‘કવિતા : જીવનચિત્રોનું અક્ષયપાત્ર’ (દીર્ઘ અને ટૂંકા કાવ્યો),’ બધા રંગોમાં વેદના ભરેલી છે’ (દીર્ઘકાવ્ય).

Comments (7)