પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !
મુકુલ ચોકસી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વ્રજેશ મિસ્ત્રી

વ્રજેશ મિસ્ત્રી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - વ્રજેશ મિસ્ત્રી
લાગણીના રંગથી - વ્રજેશ મિસ્ત્રીલાગણીના રંગથી – વ્રજેશ મિસ્ત્રી

લાગણીના રંગથી દોરી હતી,
એક સગપણ, જેમ રંગોળી હતી.

પ્રેમભીનો એક છાંયો પામવા,
એષણાઓ કેટલું દોડી હતી !

ના હલેસાં, ના કિનારો, ના દિશા,
ને ‘હયાતી’ નામની હોડી હતી.

વાસ્તવિક્તા ત્યારથી સમજાઈ ગઈ,
આંખ મારી જ્યારથી ચોળી હતી.

તું ગઝલરૂપે મળે એ ભાવથી
મેં કલમને જીવમાં બોળી હતી.

– વ્રજેશ મિસ્ત્રી

જિંદગીની નૌકાને કઈ રીતે હાંકવી એ પ્રશ્નનો ઉત્તર શોધવામાં જ મોટાભાગે જિંદગી પૂરી થઈ જતી હોય છે. આ હોડીને હાંકવા વળી નથી કોઈ હલેસાં કે નથી સામે કોઈ દિશા નજરે ચડતી કે નથી જડતો ક્યાંય કોઈ કિનારો… ઈશ્વરના નામનો સઢ અને શ્રદ્ધાનો પવન જ કદાચ એને પાર લગાવી શકે. ‘મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા (સુન્દરમ્)’ કહીને સુકાન એના હાથમાં સોંપી દઈએ એમાં જ કદાચ સાચું શાણપણ રહેલું છે…

Comments (11)

ગઝલ – વ્રજેશ મિસ્ત્રી

તપ્ત યાદોથી સભર સહવાસનું
આંખ સામે છે નગર આભાસનું

ભીતરે પોલાણ વાગ્યે જાય છે
આયખું હો સાવ જાણે વાંસનું

કલ્પના કર મન પછી કેવું હશે ?
સ્વપ્ન ઝાકળમાં પડ્યું છે ઘાસનું

આંખમાં કણ જેમ ખૂંચે છે હવે
ક્ષુબ્ધ કાંટાળાપણું આ શ્વાસનું

– વ્રજેશ જયંતિલાલ મિસ્ત્રી

ધોમધખતા તાપથી તપી ઊઠેલું રણ એટલે મૃગજળની વસંતઋતુ. જીવતરનું રણ જ્યારે ખેદ અને વિચ્છેદના તાપથી તપે છે ત્યારે આવા ઉષ્ણ સહવાસની તપ્ત યાદો દૃષ્ટિપટ પર આભાસનું આખું નગર સર્જી દે છે. આંખના ખૂણાંઓ આ ઝાંઝવાથી ભીનાં થતા રહે છે. જીવતર આખું પોલું હોય એમ વાગતું રહે છે અને ક્ષોભિત શ્વાસ કાંટાની જેમ આંખમાં ખૂંચતા રહે છે….

Comments (9)