ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શ્રીકાંત વર્મા

શ્રીકાંત વર્મા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પુનરાગમન – શ્રીકાન્ત વર્મા

મેં તેને આ જ રસ્તે
જતાં જોયો:

એકલો નહોતો તે,
સૈન્ય હતું,
હાથી હતા,
ઘોડા હતા,
રથ હતા,
વાજિંત્રો હતાં –
જાહોજલાલી હતી.

એ બધાંની વચ્ચે
એક ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે જઈ રહ્યો હતો,
જેમ કે લગામ
તેના હાથમાં હોય
બધાં
માત્ર અનુગમન
કરી રહ્યાં હોય.

વીસ વર્ષ પછી
હું તેને એ જ રસ્તે
આવતાં
જોઈ રહ્યો છું:

એકલો નથી તે,
સૈન્ય છે,
હાથી છે,
ઘોડા છે,
રથ છે,
વાજિંત્રો છે –
જાહોજલાલી છે.

એ બધાંની વચ્ચે 
ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે પસાર થઈ રહ્યો છે
જેમ કે લગામ 
કોઈ બીજાના
હાથમાં હોય,
તે
માત્ર અનુગમન
કરી રહ્યો હોય.

– શ્રીકાન્ત વર્મા
(અનુવાદ : જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

શ્રીકાંત વર્માના સંગ્રહ ‘મગધ’માંથી આ કાવ્ય છે. ‘મગધ’ સંગ્રહમાં કવિ સમયનું સંમોહન કરીને, પોતાની સાથે આપણને પણ, મગધના સુવર્ણયુગમાં લઈ જાય છે.

આ સંદર્ભ વિના પણ આમ તો કાવ્ય માણી શકાય એમ છે. પણ આટલી વાત કરો એટલે તરત ખ્યાલ આવે કે વાત સમ્રાટ અશોકની છે. દુનિયાને દોરવાનું ગુમાન રાખતો અશોક, પાછા વળતી વખતે વિચારમાં લીન, હતહ્રદય, ને જાણે દુનિયામાં પોતાનું સ્થાન શોધવા મથતો હોય એવી સ્થિતિમાં દેખાય છે. કવિના વર્ણનથી શરુઆતમાં લાગે છે કે જાણે કાંઈ પણ બદલાયું નથી. પણ, પછી ખ્યાલ આવે છે કે કશું ય બદલાયા વિનાનું રહયું નથી… ને એક ટીસ નીકળી જાય છે.

સાથે જુઓ, આ જ કવિનું કાવ્ય કલિંગ. એમાં આ જ વાત, તદ્દન અલગ રીતે કરી છે. ને વળી, આ જ સંગ્રહમાંનું અદભૂત કાવ્ય, મિત્રોના સવાલ પણ જોજો. 

Comments (3)

મિત્રોના સવાલ – શ્રીકાંત વર્મા (અનુ. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી
કે હું પાછો ફરી રહ્યો છું.

સવાલ એ છે કે તમે ક્યાં જઈ રહ્યા છો ?

મિત્રો,
આ કહેવાનો કોઈ મતલબ નથી
કે હું સમયની સાથે ચાલી રહ્યો છું.

સવાલ એ છે કે સમય તમને બદલી રહ્યો છે
કે તમે
સમયને બદલી રહ્યા છો ?

મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી,
કે હું ઘેર આવી પહોંચ્યો.

સવાલ આ છે
હવે પછી કયાં જશો ?

– શ્રીકાંત વર્મા
(અનુ. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

જવાબો શોધવા કરતા પણ સવાલો શોધવા વધારે અઘરા છે.  એક મુદ્દાનો સવાલ એક આખી જીંદગી બદલવા માટે પર્યાપ્ત હોય છે.

આજે બધા કામ પૂરા થઈ જાય પછી નિરાંતે સૂતા પહેલા પોતાની જાતને પૂછી જોજો, ‘સમય તમને બદલી રહ્યો છે કે તમે સમયને બદલી રહ્યા છો?’ – એકાદ અઠવાડિયું ચાલે એટલો વિચારવાનો સામાન મળી રહેશે 🙂

Comments (10)

કલિંગ – શ્રીકાંત વર્મા

અશોક એકલો જ પાછો વળે છે
અને બધાંય
કલિંગ ક્યાં છે એમ પૂછી રહ્યાં છે.

બધાંય વિજેતાની અદાથી ચાલી રહ્યાં છે
અને
એકલો અશોક નતમસ્તક

કેવળ અશોકના કાનમાં કિકિયારી
અને બધાંય
હસીહસીને બેવડ વળી રહ્યાં છે.

કેવળ અશોકે શસ્ત્રો છોડી દીધાં છે.

કેવળ અશોક
લડી રહ્યો હતો.

-શ્રીકાંત વર્મા (અનુ. કુમુદ પટવા)

Comments (15)