રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.
મેગી આસનાની

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિનોદ ગાંધી

વિનોદ ગાંધી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કોને ખબર - વિનોદ ગાંધી
ક્યાં ક્યાં છે વનમાળી - વિનોદ ગાંધી
ગઝલ - વિનોદ ગાંધી
ગીત - વિનોદ ગાંધી
મુક્તક - વિનોદ ગાંધી
યુદ્ધ છું - વિનોદ ગાંધીક્યાં ક્યાં છે વનમાળી – વિનોદ ગાંધી

ક્યાંક વાંસળી, ક્યાંક મયૂરપિચ્છ, ક્યાંક કામળી કાળી
ક્યાંક મથુરા, ક્યાંક દ્વારિકા, ક્યાં ક્યાં છે વનમાળી !

કો’ક ગોપીની મટુકીમાંથી
મહીડાં માફક છલકે
વનરાવનની વિકટ વાટમાં
પવન બનીને મલકે
ક્યાંક ધૂળ તો ક્યાંક મૂળ તો ક્યાંક કદંબની ડાળી

કાલિન્દીના જળ માંહીથી
દડો બનીને નીકળે
ક્યાંક કંસની છાતીમાંથી
રુધિર બનીને નીંગળે
ક્યાંક બહાવરી પૂનમ રાતની ગોપિકાની તાળી

-વિનોદ ગાંધી

અનવરત લયથી મઢેલું એક મજાનું ગોપીગીત…

Comments (5)

ગીત – વિનોદ ગાંધી

તોળ્યું તો તરણાંના જેવું માપ્યું તો છે માટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?

તાણીતોસી તારણ કાઢ્યું
.               એનો શો વિશ્વાસ ?
માખણ નીચે ઠરી રહ્યું ને
.             ઉપર તરતી છાશ,
પાંદડીઓને ઉપર મૂકી નીચે સુગંધ દાટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?

ઉપર પાકું ભીતર કાચું
.                એમાં શું ટકવાનું?
સ્વયમ્ ન પગટે એ જ્યોતે
.             ના અંધારું ઘટવાનું,
ઊંડા પર્વત, ઊંચી ખીણો, વચ્ચે સીધી ઘાટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?

– વિનોદ ગાંધી

તોલમાપ કરવાની આપણી પ્રકૃતિ અને પાયો પાકો કર્યા વિના જ બાંધકામ કરી દેવાનો આપણો સ્વભાવ અહીં ગીતના લયમાં સરસ રીતે ઉપસી આવ્યા છે. વસ્તુને માપી શકાય પણ એના તત્ત્વને નહીં એ આપણે જાણવા છતાં જાણતા નથી. તરણાંને આપણે જોઈએ છીએ ત્યારે માટીમાં રહેલા મૂળને ઉવેખીએ છીએ. દરિયાની સપાટીને જોઈએ છીએ ત્યારે એનું ઊંડાણ અનુભવતા નથી. જ્યાં સુધી આપણે આપણા માંહ્યલાને પાકો નહીં કરીએ ત્યાં સુધી આ અંધારું ઘટવાનું નથી.

Comments (1)

મુક્તક – વિનોદ ગાંધી

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા

– વિનોદ ગાંધી

Comments (9)

ગઝલ – વિનોદ ગાંધી

આમ તો નાચીજ છે આખું જગત,
લોભવે એ ચીજ છે આખું જગત.

ચૌદ આની હોય છે ઢંકાયલું,
આભમાંની બીજ છે આખું જગત.

છોડવું ગમતું નથી હર કોઈને,
આ કયું તાવીજ છે આખું જગત ?

નામ લેતાં એક જણ ગિન્નાય છે,
એક જણની ખીજ છે આખું જગત.

ચોતરફ કાદવ રહે છે હરઘડી,
એટલે સરસિજ છે આખું જગત !

-વિનોદ ગાંધી

(સરસિજ=કમળ)

Comments (11)

કોને ખબર – વિનોદ ગાંધી

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?
ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ?
આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી
માણસના નખ વધીને ખીલા થતા જશે ?

– વિનોદ ગાંધી

Comments (3)

યુદ્ધ છું – વિનોદ ગાંધી

બંધ આંખોથી હતો સિદ્ધાર્થ હું,
આંખ ખોલી તો હવે બુદ્ધ છું.

હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું.

મોતની વિકરાળ હરદમ બીકથી,
જિંદગીથી કેટલો હું  કૃદ્ધ છું.

આ અણુયુગમાં જૂનાનું શું ગજું?
એ જ આદમ છું,  હવે હું  વૃદ્ધ  છું.

– વિનોદ ગાંધી

અલગ જાતના વિચાર લઈને આવેલી ગઝલ. બીજો શેર ખાસ સરસ થયો છે. કવિને કહે છે કે હું અર્જુન (એટલે કે યુદ્ધ કરવાથી કચવાતો = કર્મી ) કે કૃષ્ણ ( યુદ્ધની અનિવાર્યતા જાણનારો = જ્ઞાની)  નથી, હું તો સ્વયં યુદ્ધ જ છું. હું જ પોતે સકળ ઘટના છું, હું કાંઈ પ્રેક્ષક નથી. આ વાત બહુ બખૂબી પકડાઈ છે.

Comments (7)