જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.
મેગી આસનાની

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દત્તાત્રય ભટ્ટ

દત્તાત્રય ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ – દત્તાત્રય ભટ્ટ
ગઝલ- દત્તાત્રય ભટ્ટગઝલ- દત્તાત્રય ભટ્ટ

જે જુઓ તે સ્વપ્નવત્ ,
રિક્તતા પણ રક્તવત્ .

ઝૂકશે જગ દંડવત્ ,
તું રહે જો પંડવત્ .

ગાલગે બંધાય ક્યાં ?
લાગણીઓ છંદવત્.

કોણ બેસે ? શું ખબર !
હું સજાયો તખ્તવત્.

કોઈ તો વીંધે મને,
હું ફરું છું મચ્છવત્.

ના કશું સ્પર્શે મને,
હું પડ્યો છું ગ્રંથવત્.

રોકવાનો થાક છે,
હું તૂટું છું બંધવત્.

દોડશે તું ભેટવા,
જો, મને તું અંતવત્.

દોડ, મારા શ્વાસમાં,
સ્થિર થૈ ગૈ અશ્વવત્.

દત્તાત્રય ભટ્ટ

ટૂંકી બહેરની ગઝલ એ કોઈ પણ કવિની કસોટી સમાન હોય છે. અને આ ગઝલ જો ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે મોટાભાગના શેરમાં કવિ સફળ રહ્યાં છે. માણસ જો પંડવત રહેતાં શીખે તો જગત નમશે એ વાત ખૂબ સુંદર છે. એ જ રીતે લાગણીઓ બંધનમાં બાંધી શકાતી નથી એ વાત આ ગઝલના છંદ “ગાલગા”ના પ્રતીકથી અદભૂત રીતે સમજાવાઈ છે.

Comments (4)

ગઝલ – દત્તાત્રય ભટ્ટ

રોજ ઉદાસી ઢળે મારી ભીતર,
એક સન્નાટો ભળે મારી ભીતર.

રેતનો દરિયો અહર્નિશ વિસ્તરે,
ઝાંઝવાં ટોળે વળે મારી ભીતર.

નીકળે નિઃશ્વાસ નિત ઉચ્છવાસમાં,
કોણ શ્વાસોને છળે મારી ભીતર ?

ચક્રવ્યૂહોમાં ફસાતાં શ્વાસ, ને –
આગલા જન્મો કળે મારી ભીતર.

સ્થૂળ રૂપે સાંપડે સમશાનમાં,
જે ચિતા હરદમ બળે મારી ભીતર.

દત્તાત્રય ભટ્ટ (જન્મ: 8-6-1958), હાલ ગોધરા રહે છે. એમની ગઝલોમાં ઊર્મિની વેધક રજૂઆત ઊડીને આંખે વળગે છે. આખી ગઝલમાં ઉદાસીનો રંગ ધીમે-ધીમે ખૂબ ઘેરો બનતો જતો હોવાની પ્રતીતિ થાય છે. મક્તાના શેરમાં ચિત્તમાં કાયમ પ્રજ્વળતી રહેતી ચિતાનો સ્થૂળ દેહ એક ઊંડો વિષાદ જન્માવવામાં સફળ થાય છે જે કૃતિ અને કવિની સફળતા છે.

Comments (4)