મેં અલગ થાવા વિશે કારણ પૂછ્યું તો એ કહે,
‘પ્લીઝ! ચર્ચા માટેના બીજા ઘણા ટોપિક્સ છે.
– અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિલીપ જોશી

દિલીપ જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તફાવત – દિલીપ જોશી

મારા ને દરિયામાં આટલો જ ફેર છે
દરિયો સુક્કાય તો એ રણ બની જાય
અને મારા સુક્કાવામાં શ્હેર છે!

મોજાં ને મારા વિરહની સમાનતામાં —
— માથાં પછાડવાની ઘટના
આંસુનું ટીપું પણ મોતી થઈ જાય એવા —
— સેવવાં સહસહુને સપનાં
સપનાં ખંખેરું તો દડી પડે દરિયો
ને હોડી હલેસાંઓ ઘેર છે…

પંડ્યથી વધીને કશું ખાનગી નથી
નથી અંગત કશીય મારી લાગણી
મોજાં જોઈને ચાંદ બાવરો બને
હું તો ફૂલોને જોઈ થયો ફાગણી
દરિયાએ પૂરવમાં પ્રગટાવ્યો ખાખરો
ને મારામાં ફાગણની લહેર છે.

– દિલીપ જોશી

સરખામણી કરવા બેસે તો કવિતા કોઈ સરહદને ન ગાંઠે. મારા અને દરિયામાં આટલો જ ફેર છે એમ કહીને કવિ હકીકતે તો પોતાનામાં અને દરિયામાં એક બાબતને બાદ કરતાં કોઈ કરતાં કોઈ ફરક નથી એમ જ કહેવા માંગે છે. દરિયો સૂકાય તો રણ બની જાય અને કવિ સૂકાય તો શહેર બની જાય એ અતિશયોક્તિ અલંકારમાય ખરું પૂછો તો કવિને સરખામણી કરવા કરતાં શહેરની લાગણીશૂન્યતા ઉપર કુઠારાઘાત કરવાની જ નેમ જણાય છે.

દરેકને પોતાનો વિરહ અમૂલ્ય જણાય છે. વિરહમાં વહેતાં આંસુઓ વિરહીજનને મોતી જેવાં કિંમતી જ લાગે. પણ સપનાં આખર સપનાં છે. કોઈ ઈચ્છા ફળીભૂત થવાની શરતે જન્મતી નથી હોતી. વિરહ મિલનમાં પલોટાવાનું સપનું છેવટે તો ખંખેરી નાંખવાનું જ રહે છે. અને વિરહના સાગરમાં તરવા માટે આપણી પાસે કોઈ હોડી- હલેસાં પણ ક્યાં હોય જ છે? એમાં તો ડૂબ્યે જ છૂટકો.

આખરી બંધમાં જો કે કવિનો કેમેરા દરિયો છોડીને ઋતુ અને ફૂલો તરફ વળે છે એ બહુ ઉચિત ન લાગ્યું. વિરહાસિક્ત કવિ પાસે જાત સિવાય એવું કશું નથી જે ખાનગી હોય. કવિની લાગણીઓ પણ સૌ સરાજાહેર છે. સાગર અને શશી વચ્ચેના ગાંડપણનો સેતુ તો સદીઓથી જાણીતો છે. કવિ પણ ફૂલોને જોઈને ફાગણી થઈ જાય છે. પૂર્વમાં સૂર્યોદય થાય એ દિવસના ઉગવાની અને આશાની નિશાની છે. પૂર્વમાંથી ઊંચે ઉઠતો લાલ સૂર્ય કેસૂડાંથી ભર્યાભાદર્યા ખાખરા જેવો છે જેને જોઈને કવિ પણ ફાગણની લહેરખી અનુભવે છે.

સરવાળે મને લાગે છે કે ગીતનો લય અને આંતરિક ભાવ કૈક એવા પ્રબળ થયા છે કે અર્થ અને અર્થઘટનની માયાજાળ પડતી મેલીને એની જ મજા લેવી જોઈએ કારણ કે અર્થ અને અર્થકારણ થી આગળ અહીં કશુંક છે જેના કારણે ગીત વાંચતાવેંત ગમી જાય છે…

Comments (3)

સુખ – દિલીપ જોશી

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?

આંખ ખોલું તો મોસૂઝણું 
           ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
              આપણી છે ઠકરાત

 પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
                એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
               પથરાયો પગરવ

લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

-દિલીપ જોશી
(‘વીથિ’)

ગઈકાલે ‘શાંતિ’નું કાવ્ય મૂકેલું ને આજે ‘સુખ’નું કાવ્ય ! આ ગીતનો કોઈ મોટી ફિલસૂફીનો દાવો નથી. નથી એમાં ઊંડું ચિંતન. આ ગીત તો છે માત્ર સુખ નામની – પકડમાં ન આવતી – બધાને લલચાવતી – ઘટના વિષે કવિને થયેલું આશ્ચર્ય !

પહેલી જ બે પંક્તિઓ ખૂબ ગમી ગઈ. સુખની પાંદડા પરના પાણી અને પરપોટા સાથે સરસ સરખામણી કરી છે. એ પછી સપનાંમાં, જીવનમાં અને કુદરતના ખોળે સુખ વેરાયેલું મળી આવવાની વાત છે. મને સૌથી વધુ ગમી ગઈ એ પંક્તિ તો આ છે – લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી. સુખ કોઈ નવો પદાર્થ નથી એ તો રોજબરોજની જીંદગીના ગાર-માટીમાંથી જ બનેલું છે. જો આપણને એ ગાર-માટીનું લીંપણ સારી રીતે કરતા આવડે તો એ જ સુખ બની જાય !

Comments (5)

ગઝલ – દિલીપ જોશી

એ જ તારી આંખ વચ્ચે પાંગરી શક્તું નથી,
છે સમજનું ફૂલ ચ્હેરા પર તરી શક્તું નથી.

એક પડછાયો ઉપાડી આપણે બસ દોડતાં,
કોઈ પણ તડકા વિશે વાતો કરી શક્તું નથી.

આવનારી પળ બધી વાદળ બની ઘેરાય છે,
આ અષાઢી આંગણું કાં ઝરમરી શક્તું નથી.

સાંજનું એકલ સરોવર શ્વાસમાં ઝરતું રહે,
કોઈ એવા દૃશ્યના ખોબા ભરી શક્તું નથી.

-દિલીપ જોશી
માત્ર ચાર જ શેરની ટૂંકી છતાં સશક્ત ગઝલ… દિલીપ જોશીની એક ગઝલ આપણે અગાઉ માણી ચૂક્યાં છીએ. આજે ખોબલે ભરી ન શકાય એવા ચાર શબ્દચિત્રોને મનભર માણીએ… (શ્રી દિલીપ જોશી રાજકોટ રહે છે. કાવ્યસંગ્રહ: ‘વીથિ’, જન્મ: 16-02-1955).

Comments (3)

ગઝલ – દિલીપ જોશી

ચાહવાની પળ પ્રથમ દિનરાત વિસ્તારી હતી.
આગ જેવી જિંદગી બસ રીતે ઠારી હતી !

કેદખાનામાં ને ઘરમાં ફર્ક છે બસ આટલો,
એક ને બારી નથી ને એકને બારી હતી !

જાતથી અળગા થવાનો મર્મ જ્યારે જાણશે,
તું કહેશે કે ગઝલમાં એક ચિંગારી હતી !

પથ્થરોમાં સ્મિત કરતું શિલ્પ સળવળતું રહે,
દોસ્ત ! કેવી ખૂબ ઊંડે ડૂબકી મારી હતી !

ધારણાઓ માત્ર સુખદુઃખની કથાનું મૂળ છે,
મન પડે ત્યાં મોજ, કોણે વાત સ્વીકારી હતી ?

હો અગર માણસ તો તારે આવવું પડશે અહીં,
લાગણી છોને ભલે તેં ભોંમાં ભંડારી હતી !

દિલીપ જોશી

Comments (7)