તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જગદીશ વ્યાસ

જગદીશ વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કેન્સરના દર્દી તરીકે આઠ વર્ષની દીકરીને સંબોધન - જગદીશ વ્યાસકેન્સરના દર્દી તરીકે આઠ વર્ષની દીકરીને સંબોધન – જગદીશ વ્યાસ

(મૃત્યુના દોઢ મહિના પૂર્વે લખેલી ગઝલ)

મઝધારમાં ડૂબી રહ્યું હો વ્હાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું જાણ, દીકરી !

હું ક્યાં રમી શકું છું તારી સાથ સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું લાગ શીખવા
ટૂકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી !

ભૂલી નથી શક્તો હું ઘડીકે ય કોઈને,
જબરું છે બહુ કુટુંબનું ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો તું એમાં ઉમેરજે:
મારું પ્રભુ પાસે બને રહેઠાણ, દીકરી !

૧૮-૮-૧૯૫૯ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મીને માત્ર ૪૭ વર્ષની નાની વયે કેન્સરની આગમાં ખૂબ તવાઈને  ૧૬-૧૨-૨૦૦૬ના રોજ એક મહિના પહેલાં જ ડ્વાર્ટે, કેલિફૉર્નિયામાં મૃત્યુ પામેલા યુવાન કવિ જગદીશ વ્યાસ કવિ, ગઝલકાર અને વિવેચક તરીકે સદૈવ જાણીતા રહેશે. મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું દેખીને કવિતા કરવા વચ્ચે કદાચ જમીન આસમાનનો ફરક છે. મૃત્યુશૈયા પર બેસીને લખેલી આ ગઝલ ની લગોલગ જ એમના મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની સ્થૂળતા વિશેના થોડા શેર પણ જોઈએ:

જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત
બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું
***
શું રમે પળ વિશે હવે જગદીશ
મેં મહાકાળને ઉરે ચાંપ્યો.
***
ગગનની વીજળી ધરતી ઉપર અંતે હું લઈ આવ્યો
અને થઈ ભસ્મ કિંમત ચૂકવી એ વિજય માટે
***
ઊક્લે ત્યાં જ અક્ષર ઊડી જાય છે
કંઈ અજબ હસ્તપ્રત લઈને બેઠા છીએ.
***
ગમે તે થાય પણ જગદીશ અંતે જીવવાનું છે
મરીને સો વખત હું સો વખત જન્મીશ મારામાં.
***
શરૂમાં શૂન્ય હતું, શૂન્ય આખરે પણ છે
કહો જગદીશ શું રાખે હિસાબ રસ્તામાં
***
નહીં સમજે તું મારું આમ તરફડવું,
તને મારી તરસ તો સાંપડી ક્યાં છે ?
***
થઈ શકે તો જીવવું એવી અનોખી રીતથી
દબદબાથી પામવું ને દબદબાથી પર થવું.
***
કેટલું નહિ તો હું કરવાનો હતો !
જાઉં છું સઘળું હવે ચૂકી પ્રિયે !
***
ઈચ્છું છું તોય તુજને રમાડી શકું છું ક્યાં ?
રમ તું હવે જાતે જ રમતિયાળ દીકરા ! (ચાર વર્ષના દીકરા માટે)

કાવ્યસંગ્રહ : પાર્થિવ (૧૯૯૪), સૂરજનું સત (૨૦૦૬)

Comments (4)