કેટલા સાચા છે એ પડશે ખબર,
આયનાની સામે રાખો આયના.
– જુગલ દરજી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનોજ મુની

મનોજ મુની શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કોણ બોલે ને કોણ સાંભળે – મનોજ મુની

કોણ બોલે ને કોણ સાંભળે, કોઇને ક્યાં કોઇ સમજે રે!
બોલ વિનાના શબ્દ બિચારા, હોઠે બેસીને ફફડે રે! – કોણ બોલે ને….

પો’ ફાટે ને સૂરજ ઊગે, ઝાકળમાં થઇ લાલંલાલ,
ઝળહળતી આભાદેવી સારી, રાતની વેદના અપરંપાર,
આંખ રાતના કરી જાગરણ, આશ કિરણને શોધે રે!
પાંપણથી જ્યાં સ્વપ્ન રાત્રિના, ઓગળવા તરફડતા રે ! – કોણ બોલે ને….

સાંજની લાલી મેઘધનુષમાં રંગ સૂરજના ગણતી રે!
સાત રંગ જોઇ હૈયું જાણે, કામળી રાતની ઓઢે રે !
જોતી રહી એ આભની આભા, રંગ મળ્યા ના માણ્યા રે !
આનંદો મન વનફૂલે જ્યાં ઉપવન કોઇ ન થાતા રે ! – કોણ બોલે ને….

શ્યામલ નભના તારા વીણજે, અઢળક વેર્યા સૌને કાજ,
ચાંદ સૂરજની વાટ ન જોજે, ઊગે આથમે વારંવાર.
દુઃખ અમાપ ને સુખ તો ઝીણાં, સત્ય કોઇ ક્યાં સમજે રે!
ચૂંટજે ઝીણા તારલીયા, તારી છાબે ના એ સમાશે રે! – કોણ બોલે ને….

મનોજ મુની

અહીં કવિને દિવસ નહીં પણ રાત્રિનું આકર્ષણ છે! સૂર્યપ્રકાશ અને મેઘધનુષનો નહીં પણ કાળી રાતનો મહિમા કવિ ગાય છે.સૂર્યકિરણથી ઝળહળ થતા ઝાકળબિંદુ તેમને પસંદ નથી. કારણકે, કદાચ કવિને જે ભાવની વાત કરવી છે; તે કોઇ સાંભળવા તૈયાર નથી;તેમનાં સ્વપ્નો માટે તો તેમને રાતનો મહોલ જ બરાબર લાગે છે. જીવનનાં અમાપ દુઃખ જેવા તારલા તેમને વધારે પસંદ છે!

સંતૂરના કર્ણપ્રિય રણકારની સાથે સોલી કાપડીયાના મધુર કંઠે ગવાતા આ ગીતનો મહિમા પણ અપરંપાર છે !

Comments (1)

દિલ ઉદાસ છે – મનોજ મુની

આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે. 
                                     – આજે ફરીથી…

ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે. 
                                     – આજે ફરીથી…

હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે. 
                                     – આજે ફરીથી…

આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે. 
                                     – આજે ફરીથી…

પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે. 
                                     – આજે ફરીથી…

મનોજ મુની

મને બહુ જ પ્રિય આ ગઝલ/ ગીત …

જીવનભર સાથે રહેવાના કોલ આપ્યા હોય, પણ છેલ્લી મુલાકાતમાં કદી ફરી મળવાની આશા ન હોય તેવી કરૂણ ક્ષણનો આ ચિતાર, જ્યારે સોલી કાપડીયાના ધીર ગંભીર સ્વરમાં અને સંતૂરના અત્યંત કર્ણપ્રિય, છતાં શોક ભર્યા સંગીતમા સાંભળીયે ત્યારે જુદાઇની છાયા આપણા ચિત્તને પણ ઉદાસીમાં ગરકાવ કરી દે છે.

ઢળતો સૂરજ ( નિષ્ફળ પ્રેમ), ચકચૂર ગગન (સમાજ), આછો ચાંદ (પ્રેમનો ઉદાસ દેવ) હસતી આંખમાં ઉદાસ કીકી(તમાચો મારીને ગાલ લાલ રખવા જેવી મનોવ્યથા) આ બધાં રૂપક એક કરૂણ સંવાદિતા ખડી કરી દે છે.

Comments (6)