હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.
– રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હીરા પાઠક

હીરા પાઠક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વિરહ – હીરાબહેન પાઠક

દયિત, તું નિર્દય !
પૂછું તને, મને આમ નોધાર,

મૂકીને જવામાં શો જડ્યો સાર ?
તું વદીશ ‘વિધિના એ લેખ’ !

હા ! વિધિના એ લેખ !
વજ્ર સજડ મારી જીવિત પે મેખ

ઊખડે ન કષ્ટ ક્લિષ્ટ રેખ
કાયકારાગાર તોડ્યે

છૂટે નવ છેક.
લહું આજ, પ્રિય !

વારંવાર ગ્લાનિરંગે,
લવ્યું નાહીં જે જે પૂર્વ તુજ સંગે

તુંજને વરીને હું ન વિરહને વરી ?
વિરહ, મારે પ્રેમનો પર્યાય.

– હીરાબહેન પાઠક

વાત વિરહની છે પણ સાવ સીધીસાદી નથી. કવિતામાંઉતરવું શરૂ કરીએ એટલે થોડીવારમાં જ  સમજાઈ જાય કે અહીં પતિ પત્નીને કાયમ માટે છોડી પ્રભુસદનમાં જઈ વસ્યો છે જ્યાં બંનેનું મિલન પત્નીની કાયાનું કારાગાર તૂટે એ પછી જ હવે શક્ય છે.

કવિતાના પહેલા ત્રણ શબ્દ જ આ સંબંધ વિશેનું આખું મહાકાવ્ય લખી આપે છે… વહાલાના સંબોધન પછીનો તુંકારો અને તરત જ નિર્દયી હોવાનો ઉપાલંભ બંને વચ્ચેનો સ્નેહતંતુ તાદૃશ કરી દે છે. આ છે શબ્દની શક્તિ!

અકાળે પતિનું મૃત્યુ એ ભલે વિધિના લેખ કેમ ન હોય પણ ભાર્યાના જીવતર પર તો એ વજ્રની મેખ સમા જડાઈ ગયા છે. પતિની હયાતિમાં જે પ્રેમાલાપ શબ્દોમાં મૂકાવો જોઈતો હતો પણ મૂકી શકાયો નહીં, એ અણકથ શબ્દો પત્નીને હવે વિરહરૂપી પ્રેમ બનીને પીડે છે.

આ જ કવયિત્રીએ સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલા પુસ્તકમાંનું આ કાવ્ય -મિલનની સાથ- પણ જોઈ જવા જેવું છે.

(દયિત=પતિ, વહાલું; લહું= લખું; લવ્યું= કહ્યું )

Comments (5)

મિલનની સાથ – હીરા પાઠક

મિલનની સાથ
ગતકાલ કેરો ભારેલો જે ભાર
આક્રન્દરૂપે ફૂટે, વદું વેણ;
‘આ જીવિત ના જોઇએ.’
કંધે દઇ હસ્ત, કરુણાએ કહ્યું:

‘કાચું ફળ બિનપક્વ, ભોંયે તે શું પડે?
દેહાવધિ વિણ શું કે જીવિત ખરી પડે?
સમજીને લેખી ઇષ્ટ, જીવ્યે જવું;
ઇષ્ટ જીવન જીવ્યે જવું,
ન શું એ જ જીવિતનો મર્મ?’

હજુ સુણું – ન- સુણું વેણ.
તમ થાવું અદ્રશ્ય – અલોપ.
મારું રૂદન – અસાહાય્ય લાચારી ,
અને પ્રિય!
મારી આ દુર્ભાગી જલછાયી દૃષ્ટિને
તમ શુભ્રોજ્જ્વલ વસ્ત્રાંતનો
હજીયે ‘છ સ્પર્શ,
એ જ વિરમું હું .

લિખિતંગ
દુર્ભાગી, એકાકી
હું

હીરા પાઠક  ( પરલોકે પત્રમાંથી )

જીવનના ચાલક પરમ તત્વના વિરહના આક્રંદના ઓથારથી ભરેલ આ પત્ર એક વિશિષ્ઠ શૈલીમાં મુમુક્ષુ માનવ જીવની સનાતન વ્યથાને નવી જ અભિવ્યક્તિ આપી જાય છે.

જીવનઝાંખી

Comments (4)