ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
'ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
અમૃત 'ઘાયલ'

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બાલુભાઇ પટેલ

બાલુભાઇ પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુક્તક -બાલુભાઇ પટેલ

કાળનું આ ચક્ર ફરતું કાળ પર,
જિંદગી આવી ઊભી છે ઢાળ પર;
કોઈ પીંછા ખેરવી ઊડી ગયું,
છે હજી એકાદ ટહુકો ડાળ પર.

– બાલુભાઈ પટેલ

Comments (3)

ગઝલ – બાલુભાઈ પટેલ

એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.

આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક,
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.

આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.

જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.

આજ હું ઊભો છું એવી સરહદે,
બંને બાજુએથી લશ્કર આવશે.

જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.

-બાલુભાઈ પટેલ

ખેડા જિલ્લાના સુણાવ ગામે જન્મેલા અને ઉત્તરસંડા ખાતે રહેલા બાલુભાઈનો અભ્યાસ બી.એસ.સી. સુધીનો પણ વ્યવસાય લોકોના સ્વપ્નોને ઈંટ-રેતીના શિલ્પે કંડારી આપવાનો. મજાની ગઝલો અને ગીતો એમણે આપ્યા. આ ગઝલના દરેક શેરને પ્રથમદર્શી અર્થની બહાર નીકળીને વાંચી જુઓ, સાનંદાશ્ચર્ય ન થાય તો કહેજો. વાચ્યાર્થ પછીના જે રંગો અહીં દેખાય છે એ સાચે જ પ્રતીત કરાવે છે કે જેમ ઈંટ-કપચીના મકાનો, એમ જ ગઝલની ઈમારત બાંધવામાં પણ આ આદમી દાદુ હતો!

(જન્મ: ૨૫-૦૯-૧૯૩૭, મૃત્ય: ૦૮-૧૨-૧૯૯૨; કાવ્યસંગ્રહો: “સ્વપ્નોત્સવ”, “મૌસમ”, “છાલક”, “કૂંપળ”, “ઝાકળ”.)

Comments (5)

કરું ફરિયાદ કોને હું?- બાલુભાઇ પટેલ

કરું ફરિયાદ કોને હું?

કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?– કરું ફરિયાદ

નજરથી જ્યાં નજર મળતી,
ઢળે ત્યાં પાંપણો એ શું?–કરું ફરિયાદ.

જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?– કરું ફરિયાદ

ડુબાડે નાવ જ્યાં નાવિક,
ભુલાવે પથ પથિક એ શું?– કરું ફરિયાદ

ચખાડી પ્રેમ રસ કોઇ,
કરી પાગલ જતું એ શું? – કરું ફરિયાદ

– બાલુભાઇ પટેલ

 

બાલુભાઇ પટેલનું કામ તો રસ્તા બાંધવાનું છે, પણ તેમનો ગમતો રસ્તો તો કવિતા રચવાનો છે. આ અને બીજાં કાવ્યો શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયે ‘ખુશબૂ’ આલ્બમમાં સુંદર રીતે સ્વર બધ્ધ કર્યા છે.

આ ગઝલ શ્રી. આશિત દેસાઇએ તેમના સુરીલા કંઠમાં ગાઇ છે.

Comments (4)