ટોચ પર પહોંચી નિવેદન થઈ શકે,
એ તરફ છે, આ તરફ પણ ઢાળ છે.
વંચિત કુકમાવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શિવજી રૂખડા

શિવજી રૂખડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ભૂલા પડ્યા – શિવજી રૂખડા

આંગણામાં આપણે ભૂલા પડ્યા,
આપણામાં આપણે ભૂલા પડ્યા.

એક હળવી વાતને મોટી કરી
હુંપણામાં આપણે ભૂલા પડ્યા.

આમ તો ત્યાં એકલા ફરતાં હતાં,
પણ ઘણામાં આપણે ભૂલા પડ્યા.

રોજ દિવસ ધારવામાં જાય છે,
ધારણામાં આપણે ભૂલા પડ્યા.

તાર સીધા હોય તો ચાદર બને,
તાંતણામાં આપણે ભૂલા પડ્યા.

દ્વાર ઝાઝાની હવેલી આપણી,
બારણાંમાં આપણે ભૂલા પડ્યા.

– શિવજી રૂખડા

માત્ર બેજ અક્ષર જેટલા નાના કાફિયાને લાંબી રદીફ સાથે જોડીને પણ કવિ નાનાવિધ અર્થચ્છાયાની ભારે કમાલ કરી શક્યા છે…

Comments (3)

ગઝલ – શિવજી રૂખડા

ફોડ પરપોટો હવે પાષાણ પર
શું ભરોસો રાખવો પોલાણ પર.

આપણે કાંઠા ઉપર છબછબ કર્યું
કેમ જાશું લ્યો હવે ઊંડાણ પર.

મૂળ કાગળ ધ્યાનમાં લીધો નહીં
ધ્યાન આપ્યું ફક્ત બીડાણ પર.

એટલે ભૂલા પડયા,પૂછ્યું છતાં
કોઇ દી ચાલ્યા નહી પૂછાણ પર.

આમ રજકણ રોજ બમણી થાય છે
કાળજી રાખી નહી ધોવાણ પર.

ઢાળનું કારણ બહુ ગમતુ હતું
એટલે આવી ગયા નીચાણ પર.

-શિવજી રૂખડા

શિવજી રૂખડાની આ ગઝલ મહેંદીના રંગ જેવી છે. જેટલો વધુ સમય મહેંદી હાથ પર રાખો, રંગ એટલો ગાઢો આવે. દરેક શેર એકવાર સમજી લીધા પછી ફરીથી વાંચવા જેવો થયો છે. માનવસ્વભાવની મૂળભૂત નબળાઈઓ એક પછી એક શેરમાં અદભુત રીતે ઊઘડી આવી છે. આપણું પોલપણું, ઊંડાણમાં ન જઈ સપાટી પર છબછબિયા કર્યા કરવાની વૃત્તિ, અંદરના સત્ત્વને જોવાને બદલે ઉપરનો આડંબર જોવા ને પોષ્યા કરવાની મથરાવટી, અન્ય પરનો સતત અવિશ્વાસ, ઘસારાની અવગણના અને અધોગામી વૃત્તિઓ…. કવિ માનવમનના કયા દરિયામાં જઈ આ મોતી કાઢી લાવ્યા છે !

Comments (10)

શું વળે ! – શિવજી રૂખડા

વાત બીજે વાળવાથી શું વળે !
ને હકીકત ખાળવાથી શું વળે !

આપણે તો આપણે, બસ આપણે
જાત બીંબે ઢાળવાથી શું વળે !

ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા
સૂર્ય આખો ચાળવાથી શું વળે !

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે
ડાળખી ફંગોળવાથી શું વળે !

આપણો વિસ્તાર છે ફળિયા લગી
ગામને ઢંઢોળવાથી શું વળે !

આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા
દીપ ઝળહળ બાળવાથી શું વળે !

-શિવજી રૂખડા

કેટલીક કૃતિઓને શબ્દોના આધારની જરૂર નથી હોતી….

Comments (3)