કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2017

નહીં આવે… – ‘જલન’ માતરી

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે…

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે…

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે…

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે…

– ‘જલન’ માતરી

પરંપરાગત માવજત છે પણ ચમકારા ચોક્કસ છે…..

Comments (3)

કેકટસની કુંડળી – પંકજ વખારિયા

કેકટસની કાઢ કુંડળી, કંઈ જોષ જોઈએ,
પુષ્પિત થવામાં શો નડે છે દોષ, જોઈએ !

પિત્તળનો છે કે હેમનો એ ચર્ચા છોડીને
ગૂંજે છે કેવો ઘંટથી અનુઘોષ, જોઈએ.

એના અકળ અનુક્તનો તારવવો હોય અર્થ,
ભાષાથી પર વિશેષ કોઈ કોષ જોઈએ.

પ્હોંચાડવા પ્રણયની તલબને ચરમ હદે,
બીજી બધી જ વાતમાં સંતોષ જોઈએ.

ચાતક સમી તપસ્વી તરસ પાળવી પડે,
સિંધુ સમો જો બિંદુથી ૫રિતોષ જોઈએ.

– પંકજ વખારિયા

પ્રવતમાન પેઢીના દસ ઉત્તમ ગઝલકારોના નામ લેવા હોય તો પંકજ વખારિયાનું નામ અવગણી ન શકાય. મત્લા તો જુઓ સાહેબ ! કેકટસ ઉપર ચુસ્ત કાફિયા સાથે આવો દમદાર મત્લા મળવો અશક્ય છે. બીજો શેર પણ એવો જ મજાનો. માણસ કઈ જ્ઞાતિ, ધર્મ કે કુળનો છે એ જોવાને બદલે એનો સ્વભાવ, એનાં કર્મ જોવા જોઈએ. અને પ્રિયતમના મૌનને દુન્યવી શબ્દકોષથી તો કેમ સમજાવી શકાય! ભૂખે ભજન ન હોય ગોપાલા… બાકીની બધી જ વાતમાં સંતુષ્ટિ હોય તો અને તો જ તમારી તરસ ચરમસીમાએ પહોંચી શકે. અને જે રીતે મત્લા અભૂતપૂર્વ થયો છે એ જ રીતે આખરી શેર પણ અમર થવા સર્જાયો છે. ચાતકની તપસ્વી સમકક્ષ તરસની ચરમસીમા અને બિંદુમાં સિંધુની સૂક્તિને કવિ જે રીતે નહીં સાંધો, નહીં રેણની કળાથી સંગોપીને અર્થની ચમત્કૃતિ સર્જી છે એ સાચે જ શબ્દાતીત છે…

Comments (10)

(ચાલવાનું છે) – વિપુલ માંગરોલીયા ‘વેદાંત’

એમ તો ક્યાં કશું થવાનું છે?
થાય એ કોણ રોકવાનુ છે?

એમ લઈ જાય ના કશે રસ્તો
તારે પણ થોડું ચાલવાનું છે.

ના મળે ભેખ ભગવા કપડાથી,
સૌ પ્રથમ ખિસ્સું કાપવાનું છે.

મન ભરી એમાં તો તું નાચી લે,
કોણ સપનામાં ટોકવાનું છે?

આપવો કેમ દોષ સૂરજને?
એને પણ રોજ દાઝવાનું છે.

કર મદદ થોડી તુંય વરસીને,
અશ્રુને મારે ઢાંકવાનું છે.

હોય મંદિરમાં ચાહે મસ્જિદમાં
ફૂલ તો તોય ફોરવાનુ છે.

– વિપુલ માંગરોલીયા ‘વેદાંત’

કર્મે પેથોલોજીસ્ટ પણ ધર્મે કવિ વિપુલ માંગરોલિયા સુરતથી ગુજરાતી ગઝલાકાશે ઊભરી રહેલો નવો પણ સત્વશીલ અવાજ છે. કવિના પ્રથમ ગઝલસંગ્રહ “ક્ષિતિજ પર ઝાકળ”નું લયસ્તરોના આંગણે સુસ્વાગતમ્. ભાષા સરળ પણ વાત ઊંડી એ આ કવિની સાચી ઓળખ છે. ટૂંકી બહેરની એક મજબૂત ગઝલ આજે માણીએ.

Comments (8)

મરીઝની જન્મશતાબ્દી નિમિત્તે…

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગોને જે મારું મુકદર થવા ન દે.

એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખ્યાલો થવા ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માંગવા ન દે.

– ‘મરીઝ’

ગઈકાલે 22 ફેબ્રુઆરીના રોજ મરીઝના જન્મને સો વર્ષ થયા. મરીઝની ગઝલોને સમય ચાળી શક્યો નથી કેમકે મરીઝની ગઝલો સીધી દિલની જબાનમાં લખાયેલી છે. એમની કળા કળા નથી, જીવન બની રહી હોવાથી સર્વોપરી બની રહી છે. મરીઝના કવનનું જમાનાએ કાયમ માટે યાદ રહી જાય એવું ઊંડું મનન કર્યું છે. એમની લાયકાત કેળવેલી નહીં પણ સહજ હતી, માટે જ મરીઝ ગુજરાતના ગાલિબની કક્ષાએ બિરાજે છે… જન્મશતાબ્દી નિમિત્તે કવિને શત શત કોટિ વંદન…

Comments (4)

પણ… – કૈલાસ પંડિત

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ…

કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો યે ભાવ પણ,
માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ…

કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ…

ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિ,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ…

તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ…

– કૈલાસ પંડિત

આ શાયર અંગત રીતે મને બહુ ગમતા શાયર છે. કદાચ વિવેચકો તેમને બહુ માર્ક્સ ન આપે એવું બને પણ તેઓ જે રીતે દર્દને સચોટ રજૂ કરે છે તે રીતમાં એક નિર્ભેળ સચ્ચાઈ દેખાય છે. વિષયવૈવિધ્ય તેઓનું સબળ પાસું કદાચ ન પણ હોય પરંતુ જે લખ્યું છે તે સીધું દિલથી નીકળ્યું છે !

Comments (3)

સ્ટેપ્લર – અનિલ ચાવડા

ચમકતું સ્ટીલ જેવું
લાલ પટ્ટીવાળું
લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું
ને
વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું
એક સ્ટેપ્લર હતું મારી પાસે
નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને
ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં
હમણાથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે
કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી નથી શકાતું
પીન પણ બરોબર નથી લાગતી કાગળોમાં
સંબંધો વિખેરાઈ જાય છે
ફાટી પણ જાય છે
ક્યારેક હાથમાં વાગી જાય તો લોહીઝાણ થઈ જાય છે આંગળી
બહુ મથ્યો તેને રિપેર કરવા
પણ ન થયું તે ન જ થયું
છેવટે દુકાને ગયો, રિપેર કરાવવા
દુકાનદાર કહે,
‘સ્ટેપ્લર તે કંઈ રિપેર કરાવવાનું હોય? બદલી નાખવાનું હોય!’
પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
અને હું એને બદલી નથી શકતો.

– અનિલ ચાવડા

ધારદાર……

Comments (11)

ખુમારી‌ છે – આસિફખાન આસિર

શબ્દ કેવળ નથી,ખુમારી‌ છે
જાત કાગળ ઉપર ઉતારી છે

વેદનાને મે માત્ર ધારી છે
રાત તારા વગર વિચારી છે

જે હતી શંકા એ નિવારી છે
આંખ પહેલાં નજર સુધારી છે

તૃપ્તિ મનમાં કદી કદી ઝબકી,
ઝંખના દિલમાં એકધારી છે

પોતપોતાની રીતે સૌ માંગે
જાત માણસની તો ભિખારી છે

હોય હિમ્મત તો બળવો કર ‘આસિર’
બાકી સંજોગે સૌ પૂજારી છે

– આસિફખાન આસિર

જીવનમાં એક શેર એવો લખાય જે તમારો સિગ્નેચર શેર બની રહે, એવી ઇચ્છા કોની ન હોય? આ ગઝલનો મત્લા એવો જ સિગ્નેચર શેર બનીને આવ્યો છે. પોતાની જાત અને ખુમારી કાગળ પર ઢાળવાની વાત કવિ જે અંદાજે-બયાઁ સાથે લઈ આવ્યા છે એ અદભુત છે. અને મજબૂત શેરનો આ સિલસિલો આખી ગઝલમાં પછી તો બરકરાર રહ્યો છે. પ્રિયતમા વગર રાત પસાર કરવાનું વિચારતી વખતે શી વેદના થશે એ માત્ર ધારણાની જ વાત હોઈ શકે કેમકે ખરેખર રાત એના વિના પસાર કરવાની થશે તો જે વેદના થશે એ ધારણાની તમામ સરહદોનીય પેલે પારની હશે. રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે. આંખ પહેલાં નજર સુધારવાની વાત, કદી ન ખૂટતી ઇચ્છાઓ અને ભાગ્યે જ થતા સંતોષની વાત, માણસજાતનું ભિખારીપણું અને પૂજારીપણું – આ બધું જ ટૂંકી બહેરમાં લાંબી વાત કરી જાય છે.

Comments (4)

સત્તર વરસની છોકરી નું ગીત – જતીન બારોટ

કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું ને ટૂંકી પડે છે તને કસ;
તારે સત્તરમું ભારે છે બસ.

ડાહ્યલીનો જંતરિયો ભૂવો તો કે’છે કે,
છુટ્ટા તે વાળ તારા રાખ નઈં;
મંતરેલું લીંબુ હું આલું તને
તું એમને એમ આંબલીઓ ચાખ નઈં.
જંતરિયો ભૂવાનો દોરો બાંધીને તારે કરવાના જાપ રોજ દસ.
તારે સત્તરમું ભારે છે બસ.

ઉંમરને સોંસરવી વીંધીને કોઈ મારા,
કમખે ગાગર જેમ બેઠું;
હેમખેમ સત્તરમું પૂરું કરવાને હું
કેટલા વરસ દુઃખ વેઠું?
ગામના જુવાનિયા કહે છે કે તારી તે વાતમાં પડે છે બહુ રસ.
તારે સત્તરમું ભારે છે બસ.

– જતીન બારોટ

ફેસબુક પરથી જડી આવ્યું આ ગીત… સેંકડો મિત્રોએ ફેસબુકિયા ચલણ મુજબ પોતાની વૉલ પર આ ગીત પોતે જ લખ્યું હોય એમ જ કવિનું નામ ગાયબ કરી દઈ વાહવાહી લૂંટી છે, તો કેટલાકે તો પોતાનું નામ ગીત નીચે લખવાની ધૃષ્ટતા પણ બેધડક કરી છે. બહુમતી મિત્રોની વૉલ પર આ રચના સાથે જતીન બારોટનું નામ લખાયેલું છે. જતીન બારોટને હું ઓળખતો નથી લયસ્તરો પર એમનું એક બહુ મજાનું દીકરીગીત આગળ મૂકી ચૂક્યો છું એટલે જ્યાં સુધી કોઈ કવિ હકદાવો કરવા આગળ ન આવે અથવા કોઈ મિત્ર જતીન બારોટનો સંપર્ક કરાવી ખાતરી ન કરાવે ત્યાં સુધી આ રચના એમની જ છે એમ માનીને ચાલું છું…

ગીત વિશે કશુંય પિષ્ટપેષણ કરવાને બદલે અત્તર જેવા સત્તરમા વરસમાં પ્રવેશતી છોકરીની અલ્લડતા સીધી જ માણીએ…

Comments (5)

(રાઘવ કામમાં આવ્યો) – ગૌરાંગ ઠાકર

ગઝલ લખવાનો જીવનમાં અનુભવ કામમાં આવ્યો,
મને હું જાણવા લાગ્યો અને ભવ કામમાં આવ્યો.

મને ત્યારે જ લાગ્યું દોસ્ત, રાઘવ કામમાં આવ્યો,
જગતમાં જે ઘડી માનવને માનવ કામમાં આવ્યો.

હવા નિષ્ફળ ગઈ સાંકળ ઉઘાડી નાંખવામાં પણ,
અમારા ઘરના ખાલીપાને પગરવ કામમાં આવ્યો.

ઊભા છે આમ તો રસ્તાને રસ્તો દઈને રસ્તામાં,
છતાં રસ્તાને એ વૃક્ષોનો પાલવ કામમાં આવ્યો.

હું પડછાયાને મારા પ્રેમનો પ્રસ્તાવ આપું ત્યાં,
ખરા ટાણે મને ભીતરનો વૈભવ કામમાં આવ્યો.

અમે આદમના વંશજ સ્વર્ગમાંથી છો ધકેલાયા,
જગત માણી લીધું મિત્રો, પરાભવ કામમાં આવ્યો.

– ગૌરાંગ ઠાકર

દરેકેદરેક શેર ધ્યાન ખેંચે એવા મજબૂત. રસ્તાની પુનરુક્તિવાળો શેર ભાષાપ્રયોગની વિશિષ્ટતાના કારણે ખાસ થયો છે. અને સફરજન ખાવાની સજારૂપે પૃથ્વીનો વસવાટ ભોગવવાનો થયો એ વાતને કવિ જે સકારાત્મક્તાથી રજૂ કરે છે એ તો અદભુત છે.

Comments (6)

मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा – क़तील शिफ़ाई

ज़िन्दगी में तो सभी प्यार किया करते हैं
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

तू मिला है तो ये एहसास हुआ है मुझको
ये मेरी उम्र मोहब्बत के लिये थोड़ी है
इक ज़रा सा ग़म-ए-दौराँ का भी हक़ है जिस पर
मैनें वो साँस भी तेरे लिये रख छोड़ी है
तुझपे हो जाऊँगा क़ुरबान तुझे चाहूँगा
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

अपने जज़्बात में नग़्मात रचाने के लिये
मैनें धड़कन की तरह दिल में बसाया है तुझे
मैं तसव्वुर भी जुदाई का भला कैसे करूँ
मैं ने क़िस्मत की लकीरों से चुराया है तुझे
प्यार का बन के निगेहबान तुझे चाहूँगा
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

तेरी हर चाप से जलते हैं ख़यालों में चिराग़ [ चाप = sound of footsteps , આહટ ]
जब भी तू आये जगाता हुआ जादू आये
तुझको छू लूँ तो फिर ऐ जान-ए-तमन्ना मुझको
देर तक अपने बदन से तेरी ख़ुश्बू आये
तू बहारों का है उनवान तुझे चाहूँगा [ उनवान = title ]
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

ज़िन्दगी में तो सभी प्यार किया करते हैं
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

– क़तील शिफ़ाई

વેલેન્ટાઈન ડે ના દિવસે આ સિવાય કોઈ વિચાર સૂઝતો નથી….જયારે પ્રેમ શુદ્ધ હોય ત્યારે હૃદય આ જ કહેશે….કોઈ જ પ્રત્યુત્તરનો-પ્રેમના સ્વીકાર કે ઈન્કારનો- ઉલ્લેખ સુદ્ધાં નથી આખી નઝમમાં !! હૃદય તો છલકાઈ છલકાઈને પ્રેમ કરતુ જ રહેશે….શ્વાસ બંધ થશે તો શું થઈ ગયું !!

Comments (12)

તું ગઝલ તારી રીતે લખ – મનોજ ખંડેરિયા

એ વિરહને ખણે તો ખણવા દે,
રાતે તારા ગણે તો ગણવા દે…

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે…

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ,
હા મહીં હા, ભણે તો ભણવા દે…

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણે તો લણવા દે…

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે…

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે…

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે…

– મનોજ ખંડેરિયા

એક નોખા જ અંદાઝની ગઝલ…..જાણે શાયર છેડાઈ ગયા છે…..ક્રોધિત છે !

Comments (4)

વૃદ્ધત્વ – ચિનુ મોદી

(શિખરિણી)

શરીરી સામ્રાજ્યે હલચલ વધી ગુપ્ત; બળવો
થવાની તૈયારી, સમય હમણાં મંથર થયો.
હવે ખોડંગાતો પરિચિત પથે, કારણ વિના
હતું સારું રોજુ ભ્રમણ કરતું એકસરખું
શરીરે જે લોહી, વધઘટ કરે, ચાલ બદલે
હવે એ સ્વેચ્છાયે
મને હંફાવી દે ત્વરિતગતિના શ્વાસ, ગધના.
ધ્રૂજે હાથે પ્યાલો, બધિર બનતો કાન, હમણાં
દીસે ઝાંખું ઝાંખું જગ, પળિયા શ્વેત બનતા.
ત્વચામાંથી પેલું તસતસપણું ગાયબ થયું.
હતોત્સાહી છે બે ચરણ, હરણાં એક સમયે.
સદાયે લાગી જે ચપલ ચપલા જીભ, લથડે.
હવે બોખા મોંએ ક્ષણ કઠણને કેમ ચગળું?
જઉં ફોટાફ્રેમે, વધઘટ નથી ઉમર થતી.

– ચિનુ મોદી

જીવનના આખરી મુકામ પર આવી ઊભેલા વૃદ્ધની સંવેદનાનું આવું સ-રસ સૉનેટ કાવ્ય આપણી ભાષામાં ભાગ્યે જ જોવા મળશે. શરીરના રાજ્યમાં ગુપ્ત હિલચાલ શરૂ થઈ ગઈ છે. અલગ અલગ અંગો બળવો પોકારવાની ફિરાકમાં ટાંપીને બેઠાં છે. પહેલાં જે સડસડાટ વહી જતો હતો ને દિવસ ટૂંકો પડતો હતો એ સમય હવે ધીમી ગતિએ ને વળી ખોડંગાતો ખોડંગાતો પસાર થવા માંડ્યો છે. વૃદ્ધ માણસનો દિવસ કેમે કરીને પૂરો થતો નથી ને વળી નિદ્રાવિહોણી રાત તો એથીય લાંબી અને દુષ્કર. ચડતું લોહી પણ હવે રંગ બદલે છે. વિકારો જન્મવા શરૂ થઈ ગયા છે. બિમારી એની મનમરજીથી આવે છે. છઠ્ઠી પંક્તિ ખંડ શિખરિણીમાં લખી અડધી મૂકી દઈ કવિ વધતી જતી અશક્તિનું તાદૃશ આલેખન કરે છે. વાતે વાતે ને ડગલે પગલે શ્વાસ એવો ચડી આવે છે કે કંઠમાંથી સહજ ગાળ નીકળી આવે છે. હાથ ધ્રુજે છે, કાને ઓછું સંભળાઈ રહ્યું છે, આંખોનું નૂર ઓસરતું જાય છે, વાળ વધુ ને વધુ સફેદ બનતા જાય છે, ચામડી લબડવા માંડી છે, એકસમયના હરણ જેવા ચરણમાંથી ઉત્સાહ ઓસરી ગયો છે અને જેના બોલ પર આખી જિંદગી મુસ્તાક રહ્યા એ જીભ પણ લથડવા માંડી છે. પસાર કરવો અઘરો બની ગયેલા સમયની કપરી કઠણ ક્ષણોને ચાવવા માટેના દાંત હવે બચ્યા નથી. હવે તો મૃત્યુ આવે તો સારું… ફોટો બનીને દીવાલ પર લટકી જવાય તો વધતી જતી ઉંમર અને એની સાથે વણાઈ ચૂકેલી હાડમારીમાંથી કાયમી છૂટકારો થાય… છેલ્લી બે પંક્તિ સાચા અર્થમાં ધારી ચોટ નિપજાવીને સૉનેટને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે.. શિખરિણી છંદ ચિનુ મોદીનો પ્રિય છંદ રહ્યો છે અને આ છંદમાં કવિનો સહજ વિહાર ધાર્યું પરિણામ આપે છે.

Comments (11)

…તો ગનીમત – મનસૂર કુરેશી

દુઆઓ અમારી ફળે તો ગનીમત,
જીવનમાં હવે એ મળે તો ગનીમત.

ઉપેક્ષાઓ એની બધીએ ભૂલીને
હૃદય એ તરફ જો ઢળે તો ગનીમત.

ઘણા દૂર નીકળી ગયા છે પરંતુ
સુણી સાદ, પાછા વળે તો ગનીમત.

વિરહની ઉદાસી તો ઘેરી વળી છે,
મિલનની ખુશાલી ભળે તો ગનીમત.

જીવનભર રહી વાટ ‘મનસૂર’ જેની,
કબર પર એ આવી મળે તો ગનીમત.

– મનસૂર કુરેશી

ગનીમત જેવી મજાની રદીફનો અદભુત ઉપયોગ… વાહ કવિ !

Comments (4)

ઇસ્ત્રી કરતી સ્રીનું ગીત – નરેશ સોલંકી

ડુચ્ચો વળેલ આખુ આભ તારૂ શર્ટ હું તો સૂરજથી ભાંગુ છું સળ
તને પ્હેરાવું ઝળહળતી પળ

ઝાકળ છાંટુ ને વળી અત્તર છાંટુ છું અને
હું પણ છંટાઉ ધીરે ધીરે
તારા ટી-શર્ટની હોડીમાં બેસીને હું
ફરતી રહું છું તીરે તીરે

ઝભ્ભાનો મખમલી રેશમયો સ્પર્શ મારા રૂંવાડે વહે ખળખળ

તારામાં મારું પ્હેરાઈ જવું એજ
મારા હોવાનો અર્થ એક સાચો
સંકેલું, વાળું ને ધોઉં રોજ સગપણને
એકે ન તંત રહે કાચો

ફૂલ ટુ ફટાક બધા ભાંગેલા સળ અને કપડાં તો કડકડતો કાગળ
તને પ્હેરાવું ઝળહળતી પળ

– નરેશ સોલંકી

કેવું અદભુત અને અનૂઠું ગીત ! વાદળોના અનિયમિત આકાર અને ગોઠવણથી આખું આકાશ જાણે ડૂચો વાળેલ કપડું બની ગયું છે ને એના પર સૂરજની અસ્ત્રી ફેરવવાની ! અસ્ત્રી કરવા માટે આપણે કપડાં પર પાણી છાંટીએ છીએ. અહીં કાવ્યનાયિકા ઝાકળ અને અત્તર છાંટે છે ત્યાં સુધી તો ઠીક પણ પોતે પણ ધીરે-ધીરે છંટાઈ રહી છે એ અનુભૂતિ ગીતને સર્વકાલીન શ્રેષ્ઠ ગીતની હરોળમાં બેસાડે છે. બીજા બંધમાં પણ એ જ રીતે ‘તારામાં મારું પહેરાઈ જવું’નું કલ્પન હોવાપણાંનો સાચો અર્થ ઈંગિત કરે છે.

Comments (8)

અપરંપાર બન – રાજેન્દ્ર શુક્લ

પૂર્ણ રૂપે વ્યક્ત થા, સાકાર બન;
એ રીતે અવ્યક્તનો અણસાર બન.

વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત,
કોઈ કુમળી વેલનો આધાર બન.

પિંડ પાર્થિવ પણ પછી પુષ્પિત થશે,
તું અલૌકિક સુરભિનું આગાર બન.

ચિત્તને જો ક્યાં ય સંચરવું નથી-
સ્થિર રહીને સર્વનો સંચાર બન.

કૈં ન બનવું એ ય તે બંધન બને,
તો બધું બન, એ ય વારંવાર બન.

આદ્ય જેવું જો નથી તો અંત ક્યાં,
એના જેવું તું ય અપરંપાર બન.

-રાજેન્દ્ર શુક્લ

” કૈં ન બનવું એ ય તે બંધન બને ” – બહુ જ મહત્વની વાત !!!!

Comments (5)

અઢળક જોયું – ચંદ્રકાંત શેઠ

ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!

જળમાં જોયું, ઝગમગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?

પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.

– ચંદ્રકાંત શેઠ

ઘૂંઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે……ગેબી કશું નથી, અદ્રશ્ય કશું નથી, માત્ર દ્રષ્ટિ ખૂલી નથી…..

Comments (4)

દિલથી મઝા પડી. – કિશોર મોદી

વાત એટલી હમેશની મળી,
હાલમાં કંઈ નવીનતા નથી.

ઢાઈ અક્ષરથી ભીંત ચીતરી,
લાગણી સમયની ઝગી ઊઠી.

ક્યાં સુધી ‘હું પદ’ને ચગાવશું?
દોરી જીવનની હાથમાં નથી.

પાણી શું વહી જવાનું હોય છે,
શીખ એવી અમનેય સાંપડી.

એટલી સૂઝ અહીં પડી ગઈ,
આખરે જગતમાં કશું નથી.

ઘંટડી સતતતાની સાંભળી,
ને કિશોર દિલથી મઝા પડી.

– કિશોર મોદી

અમેરિકામાં રહીને પણ દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરતને પોતાના લોહીમાં સતત દોડતું રાખનાર શ્રી કિશોર મોદી આ વખતે લયસ્તરોના આંગણે “વૃત્ત ગઝલો”નો સંગ્રહ, “નામ મારું ટહુકાતું જાય છે” લઈને આવ્યા છે. કવિશ્રીનું સહૃદય સ્વાગત અને મબલખ સ્નેહકામનાઓ…

ગઝલ માટે વપરાતા ફારસી છંદોની જગ્યાએ આપણી કાવ્યપ્રણાલિની ધરોહર સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી આ ગઝલો પઠનના સાવ અલગ પડતા કાકુ અને કવિની આગવી બાનીના લીધે કંઈક અલગ જ છાપ છોડી જાય છે.   બધા જ શેર સરસ થયા છે પણ જીવન ક્ષણભંગુર છે, એની દોરી જ આપણા હાથમાં નથી ને કોણ, ક્યારે કાપી જશે એનો લેશભર પણ અંદેશો નથી એ જાણવા છતાં આપણે આપણા અહમ્ ને છોડી શકતા નથીની વાત ઘૂંટતો શેર હાંસિલે-ગઝલ થયો છે.

Comments (3)

(જોઈ લે ભૂતકાળ) – ભાવેશ ભટ્ટ

જોઈ લે ભૂતકાળ મારા ભાગનો
ક્યાં હતો અવકાશ વાટાઘાટનો ?

ચાકડાની દુર્દશાને પણ જુઓ!
વાંક ના કાઢ્યા કરો કુંભારનો!

જેની સોબતથી અમે ડરતા હતા,
એ બન્યો પર્યાય તારા વ્હાલનો !

એ મથે છે વાદળો સળગાવવા
આશરો જેને હતો વરસાદનો!

પાણી પાણી થઈ જશે એકાંત પણ
લઈ શકો આનંદ જો આભાસનો!

એમનાં તો આંસુ પણ લાગે અનાથ
જે ન સમજે અર્થ પશ્ચાતાપનો!

હાથ જોડીને મળ્યો, જ્યારે મળ્યો
એ રીતે બદલો લીધો અપમાનનો !

– ભાવેશ ભટ્ટ

સ્વભાવગત ખુમારીથી છલકાતી ગઝલ… બધા જ શેર ગમી જાય એવા…

Comments (6)

વલોપાત વગર – અમૃત ઘાયલ

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.

આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર.

કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર,
એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર.

આ મજા કોણ ચખાડત મને આઘાત વગર ?
તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર.

સાકિયા ! પીધા વગર તો નહીં ચાલે મુજને !
તું કહે તો હું ચલાવી લઉં દિનરાત વગર.

કોઈને કોઈ અચાનક ગયું જીવનમાં મરી,
એક દિવસ ન ગયો હાય, અકસ્માત વગર.

એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર

કામમાં હોય તો દરવાન, કહે ઊભો છું !
આ મુલાકાતી નહીં જાય મુલાકાત વગર.

અશ્રુ કેરો હું બહિષ્કાર કરી દઉં કિંતુ,
ચાલતું દિલને નથી દર્દની સોગાત વગર.

લાક્ષણિક અર્થ જેનો થાય છે જીવનનું ખમીર,
કોઈ ચમકી નથી શકતું એ ઝવેરાત વગર.

આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર

– અમૃત ઘાયલ

Comments (3)