આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !
છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.
નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.
શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !
-રાજેન્દ્ર શુક્લ (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૪૨)
સ્વર: સ્વ.પરેશ ભટ્ટ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Rajendra Shukla-hajo haath kartal.mp3]આ ગઝલ અગાઉ લયસ્તરો પર મૂકી હતી ત્યારે લખ્યું હતું, રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય. કવિના પોતાના શબ્દોના આધારે ૧૯૭૮માં લખાયેલી આ ગઝલના સાત શેર માણીએ:
1. સંદર્ભ-નરસિંહ મહેતા: હાથમાં કરતાલ, ચિત્તમાં ભક્તિનો આવેશ અને ગિરનારની તળેટી નજીક રહેઠાણ હોય એવી અભીપ્સાનો ઉદગાર.
2. સંદર્ભ-મીરાંબાઈ: અનન્ય શ્રદ્ધાના પરિણામે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન. ખાસ રાજસ્થાની ભાષાનો સંસ્પર્શ.
3. સંદર્ભ-તુલસીદાસ: શબ્દના અનન્યાશ્રય દ્વારા આરાધ્યના સ્વત: પ્રાકટ્યની તથા પરમ સાર્થક્યના અવશ્યંભાવિ અનુભવની દ્રઢ શ્રદ્ધાનું કથન. ‘ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રધુવીર’.
4. સંદર્ભ-કબીર સાહેબ: વ્યવહારના સ્વીકાર છતાં વ્યવહારથી ન ખરડાવાની અસંગ નિર્લેપતા. જે કૈં છે, પ્રાપ્ત થયું છે તેને તેમનું તેમ જ યથાવત્ પરત કરવાની તત્પરતાનો સંકલ્પ. ‘દાસ કબીર જતન કરી ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’.
5. સંદર્ભ-ગુરુ નાનક: પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે ‘નાનક’ એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ. અનાસક્ત સ્વરહિત સાક્ષીભાવ તથા સર્વાત્મભાવની ચિત્તસ્થિતિનું પ્રરૂપણ. ‘રામકી ચિડિયા, રામકા ખેત, ખા લો ચિડિયા ભરભર પેટ’. પંજાબી ઉચ્ચાર લઢણોનો વિનિયોગ.
6. સંદર્ભ-ચૈતન્ય મહાપ્રભુ: અખંડ ગાન-નામસંકીર્તનની મધુરોપાસના દ્વારા આરાધ્ય સાથેની એકાત્મતા, મધુરાદ્વૈતના મહાભાવની અનુભૂતિની ઝંખના. સંદર્ભ: મહાપ્રભુ ચૈતન્યદેવ. નયનથી નીતરતી આદ્રતામાં દેહભાવનું વિગલન. બંગાળી ભાષાનો ઈષત સ્પર્શ.
7. સંદર્ભ-હઝરત મન્સૂર અલ હિજાજ: અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે, અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ ‘અનલ હક’- અહં બ્રહ્માસ્મિ દ્વારા. રાત-દિવસ પરમ તત્વનો અવિરત ગાઢ સંસ્પર્શ અને અનિર્વચનીય સમાધિના દિવ્યભાવની અવસ્થા. ‘આનક’- આનન – મુખ શબ્દ પરથી સિદ્ધ કરેલો શબ્દ. લુપ્તસપ્તમીનો પ્રયોગ, ‘આનક’ મુખમાં. અનલહક અહીં બ્રહ્માસ્મિનું જ રટણ રહો એવી અભીપ્સા.
(રાજેન્દ્ર શુક્લના 22/08/2007 પત્રના આધારે)
(ચાનક= આવેશ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમયનું; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાન; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = આનન, મુખ)