માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
નયન દેસાઈ

લાઘવ ક્યાંય નથી કવનમાં – નિર્મિશ ઠાકર

ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

– નિર્મિશ ઠાકર

એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. નિર્મિશ ઠાકરને આ કળા સારી રીતે હસ્તગત છે. અહીં આ ગીતમાં અતિ-સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર સરસ કટાક્ષ કર્યો છે. સાથે મૂળ ગીતનું સ્વરૂપ પૂરેપૂરું જાળવી રાખ્યું છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. નિર્મિશભાઈના જ બીજા બે પ્રતિકાવ્યો પણ આ સાથે જોવા જેવા છે – તે પંથીની અને રસ્તો જડી ગયો.

4 Comments »

  1. Pragnaju Prafull Vyas said,

    December 25, 2007 @ 11:35 AM

    આ પ્રતિકાવ્યમાં આપણા સમાજની ભ્રમણાઓ હાસ્ય દ્વારા કેવી સરસ રીતે નીરુપી છે!
    ” ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !”
    સુંદર તેમાં છેલ્લી પંક્તીઓ તો અતિસુંદર
    નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
    લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

  2. ભાવના શુક્લ said,

    December 26, 2007 @ 11:00 AM

    માધવ કયાય નથી મધુવનમા…. કહેતા વેદનાની ઉંડી ગર્તામા દરેક વખતે ઉતરી જતા હતાને શબ્દો પડઘાતા રહેતા એક જવાબની જરુર ના હોય તેવા પ્રશ્ન સાથે…
    નિર્મિશભાઈના શબ્દો હાસ્ય નિપજાવી એ વેદના તો હળવી કરી જ ગયા.. આનાથી વધુ તો શુ બીજુ!!

  3. FunNgyan.com » કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉઠાંતરીનો આક્ષેપ said,

    August 3, 2009 @ 2:01 AM

    […] ૨. હરીન્દ્ર દવેનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’નું પ્રતિકાવ્ય નિર્મિશ ઠાકર દ્વારા: લાઘવ ક્યાંય નથી કવનમાં […]

  4. Prutha Mehta Soni said,

    September 6, 2022 @ 9:54 AM

    મજાનું! જેવું અમર મૂળ ઊર્મિગીત એવુંજ મજાનું આ પ્રતિકાવ્ય!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment