અમે ઢાઈ આખરને પૂર્ણાંક લેખ્યા,
અમારી ગણતરી વિષમઘાત થઈ છે.
વિવેક મનહર ટેલર

વિશ્વ-કવિતા:૧૨: વણલખ્યો પત્ર (સ્વિડન) – હેલ્ગે ચેડેનબેર્ય (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

જો હું લખી શકત તમને
એક અત્યુત્તમ સંપૂર્ણ પત્ર,
તો
તેના શબ્દો ઝગારા મારત
તમારાં નયનોની જેમ જ,
તેમાંથી સુવાસ આવતી હોત
જેવી તમારા દેહમાંથી આવે છે.
તેમાંથી સ્વરો નીકળત
જેવા તમારા કંથમાંથી નીકળે છે.
તે હૂંફ આપત, જેવી તમારા હાથ આપે છે.

મારો પત્ર એવો હોત,
જાણે તમારા જ લોહીનાં બુંદનું લખાણ.
તમારી જ વાચાનો જાણે રણકતો પડઘો:
તેમાં સાંભળી શકાત એક એવા હૃદયનો ધબકારો
જેમાં પોતીકાપણું રહ્યું જ નથી,
અને એવો સ્નિગ્ધ પ્રેમ તેમાંથી નીતરત
જે સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલો છે.

તે પત્રના શબ્દો એવા તો હોત,
જાણે તે શબ્દ જ રહ્યા નથી,

એક અણ-કહી વાત, જેમાં
તમારા અંત:સ્થલનો સાત ડોકિયાં કરતો હોત.
આવો હોત, તે આદર્શ પત્ર.

જો હું લખી શકત તમને
એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
તો તમે પોતે જ મારો પત્ર હોત.

– હેલ્ગે ચેડેનબેર્ય (સ્વિડન), અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’

લખેલા પ્રેમપત્ર વિશે કે પ્રેમપત્રમાં કશુંક લખવા વિશેની ઊર્મિસભર વાતો તો ઘણી કવિતાઓમાં જોવા મળે છે. પરંતુ લાગણીથી લથબથ આ વણલખ્યા પત્રની કવિતા વાંચો તો જરૂર એમ થાય છે કે આ પત્ર જો ખરેખર પ્રિયજનને લખી શકાયો તો હોત તો એનું રૂપ કેવું હોત?! કાવ્યમાં કવિ જેમ જેમ આપણને અંતની નજીક લઈ જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ ભીંજાતા જઈએ છીએ… અને છેલ્લે કવિએ પ્રિયજનને જ પોતાનો પત્ર હોવાની કહેલી વાતથી તો તમે બિલકુલ કોરા રહી જ ના શકો… !

3 Comments »

 1. ધવલ said,

  December 9, 2007 @ 12:07 pm

  જો હું લખી શકત તમને
  એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
  તો તમે પોતે જ મારો પત્ર હોત.

  – સરસ !

 2. ભાવના શુક્લ said,

  December 10, 2007 @ 4:00 pm

  જો હું લખી શકત તમને
  એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
  તો તમે પોતે જ મારો પત્ર હોત.
  ………………………………………
  નિરાકાર અને નિશ્કીંચન થઈ જવાની અદભુત વાત. શુન્યત્વને સ્વિકારી બિંદુ સમાન બની જઈ સિંધુને વહાવી આપવો તે આનુ નામ!
  જાણે મીરા ને નરસૈયો બોલી રહ્યા છે.

 3. pragnajuvyas said,

  December 10, 2007 @ 4:23 pm

  સુંદર
  પત્ર અંગે આ પંક્તીઓ યાદ આવી
  હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
  યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
  મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
  છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.
  જો હું લખી શકત તમને
  એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
  તો તમે પોતે જ મારો પત્ર હોત.
  ત્યાં સુધી લાગ્યું હોત…
  हम हैं मुश्‌ताक़ और वह बेज़ार
  या इलाही यह माज्‌रा क्‌या है

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment