પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
વિવેક મનહર ટેલર

મેદાનની ઋતુ – (કાશ્મીરી) આગા શાહિદ અલી (અનુ. જ્યોત્સ્ના તન્ના)

કાશ્મીરમાં જ્યાં વર્ષમાં
ચાર સ્પષ્ટ ઋતુ છે, મારી માએ
પોતાના બચપણની વાત કરી.
લખનૌના મેદાનમાં અને
એ જ ઋતુની
ચોમાસાની, જ્યારે કૃષ્ણની
વાંસળી સંભળાતી જમનાને કિનારે.
તે જૂની રેકર્ડ વગાડતી
બનારસની ઠૂમરી ગાયિકાઓની
સિદ્ધેસ્વરી અને રસૂલન. તેમના
અવાજમાં ઝંખના હતી, જ્યારે વાદળાં
ઘેરાય, ત્યારે ન દેખાતા તે
શ્યામલ દેવ માટે. જુદાઈ
તો વરસાદ આવતાં ન વેઠાય,
દરેક ઊર્મિગીત આ જ કહે છે.
જ્યારે બાળકો બહાર દોડે
ગલીકૂચીમાં, ભરઉનાળે
પ્રેમીઓ વચ્ચે સંદેશાની આપલે
હીર અને રાંઝા અને બીજા
દંતકથાનાં પાત્રો, પ્રેમ તેમનો નિષિદ્ધ
આખી રાત ધૂપ કરી
જવાબની રાહ જોતાં, મારી મા
હીરનો વિલાપ ગણગણતી
પણ મને કદી કહ્યું નહીં કે તેણે
ચમેલીની અગરબત્તી પેટાવી હતી કે નહીં
જે બળીને રાખની સળી થઈ જતી.
હું કલ્પના કરતો
દરેક એવી ગ્રીવાની
જે ભીની હવા પર ટેકા માટે લળે.
તેણે ફક્ત એટલું જ કહ્યું:
ચોમાસું કદી કાશ્મીરના
પહાડો પાર નથી કરતું.

– (કાશ્મીરી) આગા શાહિદ અલી
(અનુ. જ્યોત્સ્ના તન્ના)

3 Comments »

 1. pragnaju said,

  April 15, 2008 @ 10:10 am

  કાશ્મીરમાં ‘અનલંકૃતી પુનઃક્વાપી’ કહીને અલંકાર વગરની કવીતા માટે જાણે તે દોષ હોય તેમ માફી મંગાય છે.પણ એવું શા માટે? અલંકાર એ કાંઈ કાવ્યનું સર્વસ્વ નથી-કેવળ ઘરેણાં છે.હું તો માનું છું કે ક્ષમા યાચીને નહીં પણ પુરા અધીકાર સાથે સાહીત્યક્ષેત્રમાં પોતાનું ઉંચું સ્થાન છે એમ જાહેર કરવા જ અછાંદસનો અવતાર છે!તમે અછાંદસનો કેવળ છંદપ્રકાર અપનાવ્યો નથી પણ અછાંદસ પાછળનો આત્મવીશ્વાસ પણ અપનાવ્યો છે.
  દરેક એવી ગ્રીવાની
  જે ભીની હવા પર ટેકા માટે લળે.
  તેણે ફક્ત એટલું જ કહ્યું:
  ચોમાસું કદી કાશ્મીરના
  પહાડો પાર નથી કરતું.
  કેટલાંક નાજુક ફુલોની સુગંધ પણ એટલી નાજુક હોય છે કે તે વરતાય,પણ ઓળખાતી નથી. પણ એ જ એનું માહાત્મ્ય અથવા કાવ્યત્મ્ય!
  શ્રીનગરના રસ્તામાં હજારોની સંખ્યામાં ઊભેલાં ચિનાર, ચીડ અને દેવદારનાં સુંદર વૃક્ષો આપણું મન હરી લે છે. ત્યાંની હરિયાળી, નદી, ઝરણાં તથા ઉત્તુંગ આકાશને અડવાની હરીફાઈ કરતી પર્વતમાળા એ સઘળુંય રમણીય છે.
  કાશ્મીરમાં જ્યાં વર્ષમાં
  ચાર સ્પષ્ટ ઋતુ છે, મારી માએ
  પોતાના બચપણની વાત કરી.
  આ પંક્તીઓ કાશ્મીર પધારવાનું આમંત્રણ આપે છે
  યાદ આવી
  ઝાપટું વર્ષી – શમ્યું;
  વેરાયો ચન્દ્ર
  ભીના ઘાસમાં

 2. વિવેક said,

  April 16, 2008 @ 1:13 am

  સુંદર રચના…. જરા હળવેથી ખુલી… હજી પણ પૂરી સમજાઈ નથી… મને લાગે છે, વારંવાર વાગોળવી પડશે…

 3. Pinki said,

  April 16, 2008 @ 4:13 am

  તેણે ફક્ત એટલું જ કહ્યું:
  ચોમાસું કદી કાશ્મીરના
  પહાડો પાર નથી કરતું.

  સુંદર રીતે અભિવ્યકત કરી ચોમાસાની ઝંખના……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment