કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.
શીતલ જોશી

ન થયા – રમેશ પારેખ

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

-રમેશ પારેખ

10 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    February 4, 2013 @ 6:01 AM

    શ્રી રમેશ પારેખનું શબ્દોની પાસેથી ધાર્યું કરાવવાનું કવિકર્મ શીખવા જેવું રહ્યું છે.
    પ્રસ્તુત ગઝલ ર.પા.ની ટ્રેડમાર્ક ગઝલ. એથી વધુ શું કહી શકાય…!
    -સો સો સલામ, કવિ અને એમની સાથેનાં સંસ્મરણને…

  2. vijay joshi said,

    February 4, 2013 @ 8:39 AM

    એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
    ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા…… સુન્દર શેર્…

    યાદ આવ્યું મારી એક મુક્ત પન્ચિકા……

    ટીપાં વર્ષાના
    પડવા માંડ્યા,
    લહેરોમાં ઝુલતા
    પર્ણો પરથી,
    વારાફરતી.

  3. pragnaju said,

    February 4, 2013 @ 10:20 AM

    સર્વાંગ સુંદર ગઝલમા
    આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
    એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા
    વાહ્

  4. Maheshchandra Naik said,

    February 4, 2013 @ 5:00 PM

    આ ગઝલના બધા જ શેર લાજવાબ છે, કવિશ્રી રમેશ પારેખને શ્રધ્ધાસુમન………

  5. sudhir patel said,

    February 4, 2013 @ 8:20 PM

    અદભૂત ગઝલનો મક્તા અમર છે!
    સુધીર પટેલ.

  6. La' Kant said,

    February 5, 2013 @ 7:44 AM

    ” બાકી બધું અનુકૂળ મને ,એક હુંજ પ્રતિકૂલ મને…”
    યાદ આવી જાય…
    ભીના થવાની અમારી ક્ષમતામાં કમી રહી! અમને ઝીલતા ન આવડ્યું…ગુનો તો અમારોજ…
    ઘટનાઓ તો ઘટે છે આપણને માણતાં ક્યાં આવડે છે…? એ માણીગર તો..” ર પા “…” પા …..ર ” ઉતરી ગયા…
    આપણને આવો બધો ખજાનો આપીને…
    લા’કાન્ત / ૫-૨-૧૩ .

  7. vijay joshi said,

    February 5, 2013 @ 7:59 AM

    @LaKant,,,, very succinctly said with a beautiful quotation,

  8. Dhaval said,

    February 6, 2013 @ 9:46 PM

    આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
    એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

    બહુ કામની વાત છે.. આ શેરના સહારે તો કેટલાય સદંતર સૂક્કા દિવસો કાઢી નાખ્યા છે !

  9. વિવેક said,

    February 7, 2013 @ 2:10 AM

    સાદ્યંત સુંદર ગઝલ.. પાણીદાર યાદગાર શેરો…

  10. nehal said,

    February 14, 2013 @ 2:24 AM

    આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
    એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
    સુંદર ગઝલ…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment