જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
અનિલ ચાવડા

ગીત – મુકેશ જોષી

આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
એક હડસેલો અને જાવું પડે જ્યાં પાધરા …. આપણે

ના દિશા વસવાટની કોઈ સ્થિતિ નક્કી નથી
જન્મ કે આ મોતની કોઈ તિથી નક્કી નથી
– ને વરાળોના લીધેલા શ્વાસ કેવા આકરા …
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

ક્યાંક અટકાવે પહાડો, ઝાડ કોઈ રાનમાં
ને દઝાડી જાય પેલી વીજ પોલા કાનમાં
આંખમાં દરિયો,છતાં નામ ખાલી વાદળાં
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

સૂર્યની ચાબૂક હરદમ સનસની વીંઝાય લો
આ વરસવાનું નથી, બસ આંખ છે ભીંજાય લો
એક આંધીની રમત વચ્ચે થતી જે જાતરા
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

-મુકેશ જોષી

6 Comments »

  1. perpoto said,

    January 20, 2013 @ 3:55 AM

    ઇચ્છા વિનાનાં વાદળાં, ઇચ્છાથી ભરેલાં છે…..સુંદર ગીત..

    સુગંધી ભીનું
    કાને ખોસી પુમડું
    ગીતનુઃ શ્વસું

  2. Harshad said,

    January 20, 2013 @ 9:28 AM

    Mukeshbhai,
    Vah, Bahut Khub Rachana !!! Keep it on………….!!

  3. pragnaju said,

    January 20, 2013 @ 10:31 AM

    આંખમાં દરિયો,છતાં નામ ખાલી વાદળાં
    આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
    વાહ્
    યાદ
    એકલતાની તો હવે આંગળી પકડી, ને
    ખાલીપા સાથે છે દોસ્તી
    સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
    હાંક્યે રાખી છે કોઈ મોજથી
    મૃગજળમાં રગદોળી નાખી છે ઈચ્છાઓ
    કે લાગે ના કોઈ દિવસ પ્યાસ…. એક…

  4. Devika Dhruva said,

    January 20, 2013 @ 1:09 PM

    એક આંધીની રમત વચ્ચે થતી જે જાતરા
    આપણે ઇચ્છા વિનાનાં વાદળાં…અને

    આંખમાં દરિયો,છતાં નામ ખાલી વાદળાં
    આપણે ઇચ્છા વિનાનાં વાદળાં…
    કરુણ સૂરનું એક સુંદર ગીત…

  5. jigna trivedi said,

    January 21, 2013 @ 11:58 PM

    આપણે ઇચ્છા વિનાના વાદળા .. મનભાવન ગેીત.

  6. La' Kant said,

    January 24, 2013 @ 12:55 AM

    વાદળાં ખાલી ખાલી લાગે …હલકા હલકા પણ…. ,છતાંયે જળ-ભરેલાં,
    આ જળ “અઢળક ઇચ્છાઓના ” એય એક હકીકત !
    આકાશ,પવન .સાથી અને લક્ષ્ય અને સાગર (.આંખમાં દરિયો ),

    એક અભિગમ એવોય છે,જે “સભર-સભર”નો એહસાસ પણ કરાવે…..આપે…
    દૃષ્ટિ-ભેદનોય પ્રશ્ન તો ખરોજ…મૂળ વાત એ પણ સાચી ,કે, ” ભાઈ આપનું એમાં કંઇ
    ચાલે નઈ !….આ વાતના અનુસંધાને…

    સાવ છલોછલ…

    સાવ છલોછલ ભર્યા અમે, અંગ-અંગમાં સ્પર્શ,
    સ્પર્શના દરિયા, ઈચ્છાની હોળી એક અટુલી તરે!
    પવન તમારા નામનો ,અહીં-તહીં ધકેલે હડસેલે,
    મિલન નામનું મોતી ,હું મધદરિયે અમથું ગોતું,
    કેટલું ડૂબવું?,કેટલું તરવું?કેટલું હાંફવું?કેમ કરવું?
    આવન જાવન પરીક્ષાને કેટલું અવગણવું? મરવું ?
    આકાશ જેટલું વિસ્તારો રે મન! તોજ કામ થાશે!
    ક્ષિતિજ ભલે દેખાતી દૂર,ક્યાંક કશુંક જરૂર દેખાશે,
    શ્વાસોની સાથે મિલાવી તાલ,ચાલો હવે જીવ અનંત,
    એક ઘડી એવી આવશે! ખુશી-આનંદ તંતોતંત થાશે!
    — લા’કાન્ત / ૨૪-૦૧-૨૦૧૩.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment