તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
વિવેક ટેલર

ગઝલ – પ્રમોદ અહિરે

એમાં સમાવું કેટલું ? – અનુભવની ખાણ છે;
કંઈ લઈ જવાશે ? – શબ્દનું નાજુક વહાણ છે.

એક દેહ, ચક્ર  સાત  અને  તત્ત્વ  પાંચ છે  –
એક્કેય  સાથે   તારે   કશી  ઓળખાણ  છે ?

પાંચેય  તત્ત્વ  લઈ  જશે, જે  એમનું છે  તે,
બાકી  બચી  જશે  જે, તે  મારી  પિછાણ છે.

‘હું’  ‘હું’  નહીં રહીશ, પછી  ‘હું’  રહીશ  ક્યાં ?
સમજો તો છે મજા ને ન સમજો તો તાણ છે.

પરપોટો જોતાં જોઈ મેં આખી મનુષ્યજાત –
ફૂટીને  જળ  થશે, છતાં  જળથી અજાણ છે.

અક્ષરથી ન પ્રગટ થયું ‘અક્ષર’ સ્વરૂપ અહીં,
અક્ષ્રરમાં   છેક   ઊંડે   લપાયું   લખાણ   છે.

– પ્રમોદ અહિરે

કવિની શબ્દયાત્રા સતત એના જીવનનું પ્રતિબિંબ ઝીલતી હોય છે. પ્રમોદ અહિરે ગઝલ વિશ્વમાં આવ્યા ત્યારે ‘પ્રિયે ! તું અહીંથી જવાની’ જેવા પ્રેમાસિક્ત નામાભિધાનવાળો સંગ્રહ લઈ આવ્યો… જીવનના એક નાજુક વળાંક પરથી કવિનો કાફલો જ્યારે દિશા બદલે છે ત્યારે આ જ યુવાકવિની વાતોમાં જીવનની ઉત્તમ ફિલસૂફી કેવી અનાયાસ આવી જાય છે !

કવિ જ્યારે પડખું બદલે ત્યારે આવી ઉત્તમ ગઝલો આપણને ભેટ મળે છે…

 

 

7 Comments »

 1. deepak said,

  January 19, 2013 @ 12:43 am

  પરપોટો જોતાં જોઈ મેં આખી મનુષ્યજાત –
  ફૂટીને જળ થશે, છતાં જળથી અજાણ છે.

  વાહ… ખુબ સરસ…

 2. સુનીલ શાહ said,

  January 19, 2013 @ 1:11 am

  અદભુત….! સુંદર ગઝલ.

 3. gunvant thakkar said,

  January 19, 2013 @ 1:33 am

  સરળ બાની, સરસ ફિલોસોફી, સુન્દર ગઝલ. કવિ મિત્ર પ્રમોદ અહિરેને ખુબ ખુબ અભિનંદન .

 4. pragnaju said,

  January 19, 2013 @ 10:27 am

  સુંદર ગઝલ
  હું’ ‘હું’ નહીં રહીશ, પછી ‘હું’ રહીશ ક્યાં ?
  સમજો તો છે મજા ને ન સમજો તો તાણ છે.
  બહુ સરસ શેર
  ‘હું’ ‘હું’ની જગ્યાએ બેસે તો અહંકાર નથી. ‘હું’ મૂળ જગ્યાએ નથી, આરોપિત જગ્યાએ છે માટે અહંકાર. આરોપિત જગ્યાએથી ‘હું’ ઊડી જાય અને મૂળ જગ્યાએે બેસી જાય તો અહંકાર ગયો. એટલે ‘હું’ કાઢવાનું નથી, ‘હું’ ને યથાર્થ સ્થાન)માં મૂકવાનું છે.

 5. રાજેન્દ્ર સાવંત said,

  January 19, 2013 @ 10:28 am

  પરપોટો જોતાં જોઈ મેં આખી મનુષ્યજાત –
  ફૂટીને જળ થશે, છતાં જળથી અજાણ છે.

  આત્મા છેવટે પરમાત્મા માં વિલીન થશે…
  આત્મા પરમાત્મા ને જાણતો નથી…વાહ ! ખૂબ ગહન ભાવાર્થ પ્રમોદભાઈ !

 6. urvashi parekh said,

  January 19, 2013 @ 11:05 am

  ખુબજ અર્થ્સભર રચના.
  હુ હું નહિ રહિશ તો રહિશ તો ,સમજો તો તાન્ણ છે.
  અને પરપોટા વાળી વાત પણ સરસ.

 7. perpoto said,

  January 19, 2013 @ 11:19 am

  અક્ષ્રરમાં છેક ઉંડે લપાયું લખાણ છે…ગુઢા્ર્થ ગઝલ

  જુવે તમાશો
  આવ્યો છે જાદુગર
  સર્કસે શીશુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment