સાવ જ નવું હો સ્થળ ને છતાં એમ લાગતું,
પહેલાંય આ જગાએ હું આવી ગયેલ છું.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ- પ્રમોદ અહિરે

અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી   આગ  જેવું  કશું   જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધું   સર્વસામાન્ય   છે  એ  ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં  રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

ગુજરાતી ગઝલના મક્કા કે કાશી ગણાતા સૂરતની ગઝલ-સંસ્કૃતિને બરકરાર રાખી શકે અને એનું અજવાળું દિનોદિન ઊજાળી શકે એવા નવી પેઢીના માંજેલા ગઝલકારોમાંના એક એટલે પ્રમોદ અહિરે. સ્મરણને કેન્દ્ર સ્થાને રાખી લખેલી આ ગઝલ વાંચો અને કાયમ માટે સ્મરણમાં ન જડાઈ જાય તો જ નવાઈ.

7 Comments »

 1. pragnajuvyas said,

  October 26, 2007 @ 9:12 am

  પ્રમોદ આહિરે ની એક ગઝલ તો સીધી કબીર વાણી જેવી’મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું’;
  નિષ્કામ પ્રેમ અને પોતાની સગુણાત્મક પરિવર્તન કરી તેને ભરોસે રહેવાની વાત અને આજે
  ‘સ્મરણ છે’ રદિફ કાફિયાની આ બંદિશ કોઇ નવ દુલ્હનની હથેલીએ જાણે હિનાના રંગોની રમજ્ઝટ લઈ આવી! સુફીની જેમ… તડપવાનું,રોજ મરવાનું,સળગવાનું,ત્યાં ભટકવાનું,એ ગલીમાં અટકવાનું અને અમારા જેવા ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે!
  વાહ્!
  વફાસાહેવ કહે છે તેમ આ હૈયાની ભાષા તેના સ્રોતાઓ એના દિવાના દિવાના
  નવી પેઢીનાં માંજેલા પ્રમોદ આહિરે…
  ગઝલ ને રૂબાઈ નઝમને મુસદદસ
  અને મસ્નવીના ખઝાના ખઝાના
  અરબ ફારસી ઉર્દુની સોગાત લૈને
  થયા કેવા પગરવ મઝાના મઝાના
  -ને હૈયાની દાદ

 2. ભાવના શુક્લ said,

  October 26, 2007 @ 12:00 pm

  ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
  ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.
  …………………………………………..
  સહેરા સમ તપવાનુ કારણ સ્મરણમાં,
  મૃગજળ ને વિરડીનુ ધારણ સ્મરણ છે.
  …………………………………………
  ખરેખર તો કોઇ પ્રતિભાવ લખવો એ જ ધૃષ્ટતા જેવુ લાગી રહ્યુ છે.
  ઘણુ ગમી!!! એમ કહી ને આ ગઝલ ને, તેના શબ્દોને અને તેમા સતત ઉઠી-વહી રહેલા ભાવ પ્રવાહ ને ગમા-અણગમાની હદ મા બાંધી શકાય તેમ જ નથી..
  સ્મરણે સ્તબ્ધ કરીને મુકી દિધા છે.

 3. ધવલ said,

  October 26, 2007 @ 2:59 pm

  ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
  ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.

  સરસ !

 4. Pinki said,

  October 27, 2007 @ 12:47 am

  “આપની ગઝલ રહી ગઈ સ્મરણમાં,
  તેનું ના જવાનું કારણ સ્મરણ છે.”

 5. devang trivedi said,

  October 27, 2007 @ 12:52 am

  લાંબા રદીફની ગઝલ ખરેખર સ્મરણીય થઇ ગઇ.

 6. Pinki said,

  October 27, 2007 @ 12:55 am

  પૅજની ઉપરના શેરમાં,

  જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,
  કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય “ગગન” સુધી. – ગની દહીંવાલા

  “ગગન” ની બદલે કદાચ “અગન” શબ્દ છે….. ?!!

 7. વિવેક said,

  October 27, 2007 @ 2:49 am

  એકદમ સાચી વાત, પિંકી… આવી ગંભીર ભૂલ કેમ થઈ ગઈ, સમજાતું નથી… ‘અગન’ શબ્દ જ સાચો છે… આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment