કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
રઈશ મનીઆર

ભીતરનો સૂર – મકરંદ દવે

ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.

એકાંતે બાજતું જે આતમનું બીન,
એનો કોઈની સંગાથ તાર બાંધે !
લાખ લાખ વાર એ તો તૂટી પડે ને
તું તો તૂટે તૂટે ને ફરી સાંધે !
ઊંડો અંધાર તને મૌનમાં ડૂબાડે ને
અંદર તો નાદનાં નૂર.

બીજાની સાથ તને સંવાદે ગૂંથતો
બંધુ, એ તાર નથી બીજે,
હૈયે હજાર રમે તારો ઝંકાર,
એક પોતાનો રામ જો રીઝે;
મનમાં બેઠેલ તારા માનવીનું એકલું
સાંભળને, મીઠું : ‘ મંજૂર !’

સામે જુએ તો હશે વમળો વિષાદનાં,
સામે તો શંકાની ખાઈ,
અંતરનો સૂર તારો સેતુ બનીને વણે
સામેથી નેહની સગાઈ ;
આંકડા ભીડીને અહીં આવે આનંદમાં
સૂરના સંબંધ ભરપૂર.
ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.

-મકરંદ દવે

સાંઈકવિની એક લાક્ષણિક રચના…. થોડું ધીમે ધીમે બે થી ત્રણ વાર વાંચીને મમળાવવા જેવી રચના…..

7 Comments »

  1. Kalpana said,

    December 3, 2012 @ 2:39 PM

    ભીતરનો સૂર મળે તો…. અંતરના નાદ સાથે તાલ મેળવી ચાલ્યા કરો.
    દરેક કડી અંતરનો સૂર મેળવી આપવા સક્ષમ છે.
    સુંદર રચના.

  2. Rina said,

    December 3, 2012 @ 11:38 PM

    ………………

  3. perpoto said,

    December 4, 2012 @ 6:03 AM

    દરેક માનવી કવિ જેવું અનુભવે તો દુનિયાનો સુર પણ ભળે….

  4. Devika Dhruva said,

    December 4, 2012 @ 7:51 AM

    ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
    દુનિયાનો સૂર જાય દૂર.
    કેટલી ઉંચી વાત….

  5. pragnaju said,

    December 4, 2012 @ 11:31 AM

    સુંદર કાવ્ય
    આંકડા ભીડીને અહીં આવે આનંદમાં
    સૂરના સંબંધ ભરપૂર.
    ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
    દુનિયાનો સૂર જાય દૂર.
    અ દ ભૂ ત
    ‘ભીતર’ ની વાત – જે દરેકે અનુભવી જ હોય પણ માત્ર કવિ જ આ વાત ને આટલી સાહજીકતાથી લાડ લડાવી શકે !

  6. Maheshchandra Naik said,

    December 5, 2012 @ 1:23 PM

    કવિશ્રી મકંરદ દવેને લાખ લાખ સલામ……………………

  7. L'Kant said,

    December 21, 2012 @ 5:55 AM

    “કવિનો પ્રયાસ હોય છે, હમેશાં સંગીન કો’ તંતુ,
    જોડી આપવાનો તમારી પોતાની જાત સાથે!
    સવાલ તો મૂળ હોતો હોય છે-તમારી ભીતરના,
    કેન્દ્ર-બિંદુના કૌવતને સહી ઉજાગર કરવાનો,
    મનપસંદ રંગોના આકાશમાં ઉડવાનું મળે !.
    એવું સદભાગી પંખી તો કોઈકજ હોતું હોય છે!
    ઊંચી ઉડાન જેવી પાંખો બધા પાસે નથી હોતી.
    કવિ તો કલ્પનાના ‘જીવંત’ રંગો પૂરીજ લે છે,-
    કવિ કેટલો સક્ષમ ! સંવેદના તેનું સાધન-તત્વ ,
    શબ્દ-સંજીવની-તત્વ, તેને સદા વર્તે જીવન-સત્વ”
    “કઇંક”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment