સૂર્ય ઊગે ને આંખ ખોલે છે
એક ટોળું હરેક જણમાંથી.
નયન દેસાઈ

પ્રેમઘટા ઝૂક આઈ – જયન્ત પાઠક

સંતો પ્રેમઘટા ઝૂક આઈ.
સઘન ગગનથી સુન્દર વરસ્યો પ્રેમામૃતની ધારા,
જીવનની જમનાના છલકી ઊઠ્યા બેઉ કિનારા;
                                        મુદિત રહ્યુ મન ન્હાઈ – સંતો..

મ્હેકી ઊઠી ઉરધારા, છવાઈ હર્ષ તણી હરિયાળી,
વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;
                                             પ્રગટ પ્રેમગહરાઈ – સંતો…

ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
                                             ભેદ ગયા ભૂંસાઈ – સંતો…

– જયન્ત પાઠક

અંદરના આનંદને વ્યક્ત કરવા સિવાયના કોઈ કારણ વિના આ ગીત લખ્યું હોય એવું તરત જ દિલને લાગે છે. હિન્દી શબ્દોનો પ્રયોગ મીરાંના પદમાં આવે એટલી જ સહજતાથી અહીં પણ આવે છે. નકરા આનંદથી નીતરતું આ ગીત મોટેથી ગાઈને વાંચો તો જ લયની ખરી મઝા આવે એમ છે.

4 Comments »

 1. વિવેક said,

  October 23, 2007 @ 2:56 am

  આ ગીતમાં જે સળંગ એકસૂત્રતા છે એ કદાચ ચૂકી જવાય, જો ધ્યાનથી ન વાંચીએ તો… ગીતનો ઉઠાવ કવિ સંતો શબ્દથી કરીને અને વ્રજભાષાનો વર્તારો કરીને આ ગીત લૌકિક ન હોવાનો ઈંગિત શરૂથી જ કરી દે છે અને સાચે જ આ ગીત શરૂથી અંત સુધી લૌકિકથી અલૌકિક તરફની ગતિનો એક મધુરો લય બની રહે છે…

  પ્રેમઘટા આવે અને પ્રેમરસના વરસવા સાથે જ જીવનની નદી છલકાય પછી કોનું મન ન્હાયા વિના રહી શકે? અને અહીં તો આખી સૃષ્ટિ જ ન્હાઈ રહી છે એટલે જ તો પ્રેમવર્ષાના પરિપાકરૂપે હરિયાળી છવાઈ જાય છે ચારેતરફ… અને વીજળીની વાત દિવસના અંત અને અંધકારના આરંભ તરફ ચમકારો નથી કરતી? દુન્યવીનો અંત અને દિવ્યની શરૂઆત? પ્રેમની ગહરાઈ જેમજેમ વધે છે – અને ગહરાઈમાં પણ હંમેશા અંધકાર જ હોવાનો ને!- સૃષ્ટિ પર અંધારનો ઓળો ઊતરે છે અને અંધકાર ઈશ્વરની એવી લીલા છે જે બધી જ વસ્તુને સમરસ-એકાકાર-નિરાકાર કરી દે છે. આ પ્રેમની એવી ઉચ્ચ અવસ્થા છે જ્યાં ચર-અચરના જ નહીં, માંહ્યના ભેદ પણ સૌ ભૂંસાઈ જાય છે…

  મજાનું ગીત… અને ધવલે કહ્યું એમ ઊંચે સ્વરે ગાવાની પણ એટલી જ મજા છે..

 2. pragnajuvyas said,

  October 23, 2007 @ 9:13 am

  સ્વ. જયંત હિમ્મતલાલ પાઠક, અનુવાદક, આત્મકથાકાર, કવિ, વિવેચક, સંપાદક રાજગઢ પંચમહાલમાં જન્મ્યાં પણ એમણે સુરતમાં વસવાટ કર્યો અને સુરતમાં જ શાન્ત થયા.છતાં એમની કવિતામાં ‘વગડાનો શ્વાસ’ ઘુંટાય છે!
  ” રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
  હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
  પંક્તિઓ તો સામાન્ય વિવાદમાં પણ સહજ રીતે નીકળી પડે!
  “જૂના પત્રો અહીં તહીં ચીરા ઊડતા જોઇ ર્ હેતો
  થોડું કંપે કર, હૃદય થોડું દ્રવે થોડું.. થોડું જ એ તો.
  તેમનાં મર્મર, સંકેત, શૂળી પર સેજ; ક્ષણોમાં જીવું છું , વનાંચલ, તરુરાગ, આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવચિત્રી , ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ,ટેઇલ ઓફ ટુ સીટીઝ, કાવ્યકોડિયાં, ગુજરાતી ઊર્મિકાવ્ય ભૂલાય તેમ નથી!
  પ્રેમ કેટલી સાદી, નાની ને સરળ વાતો પર ટકેલો હોય છે ! ‘હું છું ને’, ’ઊભા રહો’ અને ‘કેમ છો?’ આટલી સામાન્ય લાગણીઓ પ્રેમનો પાયો હોય છે. એમ છતાંય આપણે રોજે રોજ પોતાના પ્રેમને ટૂંકો પડતો જોઈએ છીએ. ત્યારે સંતની વૈખરી વાણીમા કહે છે –
  સંતો પ્રેમઘટા ઝૂક આઈ.
  સઘન ગગનથી સુન્દર વરસ્યો પ્રેમામૃતની ધારા,
  જીવનની જમનાના છલકી ઊઠ્યા બેઉ કિનારા;
  મુદિત રહ્યુ મન ન્હાઈ – સંતો.
  મુદિતએ તો ધર્મનાં સ્થંભનો એક પાયો. કરુણા ઉપેક્ષા કરતાં પણ કઠણ.તે કેટલી સહજતાથી ઈશ્વરે લખાવ્યું છે! તો જ –
  મ્હેકી ઊઠી ઉરધારા, છવાઈ હર્ષ તણી હરિયાળી,
  વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;
  પ્રગટ પ્રેમગહરાઈ…લખાય અને આ તો આપણું સાધ્ય…
  ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
  સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
  ભેદ ગયા ભૂંસાઈ – સંતો…
  આ જ નિષ્કામ પ્રેમ,આ જ ભક્તિ ,આ જ સતચિત્તાનંદની અનુભૂતિ!!!

 3. Pinki said,

  October 23, 2007 @ 11:55 am

  વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;

  હ્ર્દય પર છવાયેલા વાદળા- અંધકારને વીજળીનો ચમકારો-
  પ્રકાશ દૂર કરી દે છે ……… અલૌકિક અનુભૂતિ કરાવી જાય છે !!

  વિવેકભાઈ રસદર્શન સ-રસ……… !!

 4. nilam doshi said,

  October 24, 2007 @ 12:31 am

  ગીત અને ગીતનું રસ દર્શન બને સ્પર્શી ગયા. હવે વધારે કઇ લખવાનું બાકી રહેતુ નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment