એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!
ખલીલ ધનતેજવી

ગઝલ – જવાહર બક્ષી

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

– જવાહર બક્ષી

જવાહર બક્ષી (19-2-1947) એટલે ખરા અર્થમાં ગઝલના મર્મજ્ઞ. એમની ગઝલ ઊંડાણ, ચિંતન અને મનનથી સાવ જુદી તરી આવે છે. ચાળીસ વર્ષ સુધી અક્ષરની આરાધના કર્યા પછી ફક્ત 108 મણકાંની માળા આપીને બાકીની છસોથી વધુ ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી દે એવો આખો માણસ આજે ક્યાં મળે જ છે? એના જ શબ્દમાં: “ગઝલ મારે માટે મર્યાદામાં રહીને અનંતને પામવાની યાત્રા છે. અવ્યક્તને વ્યક્ત અથવા વ્યક્તને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી પુનર્વ્યક્ત કરવાની અને વળી તેને વિલક્ષણતાપૂર્વક કાવ્યમય સૌંદર્યથી ઢાંકી દેવાની લીલા એટલે ગઝલ”. નરસિંહ મહેતાના વંશજ જવાહર વ્યક્તિ નથી, વાતાવરણ છે. એક જ સંગ્રહ: ‘તારાપણાના શહેરમાં’.

9 Comments »

  1. ramesh shah said,

    October 28, 2007 @ 3:48 AM

    મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
    ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

    હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
    તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

    વાંચતા-વીચારતાં અને સમજતાં હાંફી જવાય એવાં superb shers. સમયના ગર્ભમાં વિલીત કરી દીધેલી ગઝલી કેવી બની હશે?

  2. ramesh shah said,

    October 28, 2007 @ 3:57 AM

    સમયના ગર્ભમાં વિલીત કરી દીધેલી ગઝલો કેવી બની હશે?

  3. ભાવના શુક્લ said,

    October 28, 2007 @ 9:41 AM

    કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
    હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ
    ………………………………………………………………….
    ખુબ સરસ……

  4. pragnajuvyas said,

    October 28, 2007 @ 9:50 AM

    ”મસ્તી વધી ગઇ તો, વિરક્તિ થઇ ગઇ
    ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.” અને “હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને.”થી યાદ આવનારા, મુંબાઇ યુનિ. માં માત્ર ૨૬ વર્ષના આ કવિની અસંગ્રહસ્થ ગઝલોનો વિશેષ અભ્યાસ માટે સમાવેશ થાય,અહીં અમેરિકામાં બાર વર્ષ રહૅનાર તથા વિશ્વભ્રમણ કરનાર,૧૦ વર્ષ મહેશ યોગી સાથે સાન્નિધ્ય સાથે ઋષિકેશના જંગલોમાં યોગ સાધનાજીવન જીવનાર જવાહર બક્ષીની આખી ગઝલ સંત વાણી જેવી-તે કહે-
    હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
    તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.
    … જાણે ગૌતમ બુધ્ધૅ આનંદને કહેલી વાત…થાકેલો હારેલો કોઈ આવે તો પહેલાં તેની ભૂખ-તરસ છીપાવવી બાદમાં ઉપદેશ…
    અને વળી સંત વાણી–તન ત્યજેને મન ભજે કરીએ કોટી ઉપાયજી !
    મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
    પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.
    છસોથી વધુ ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી તે તેનું ઉત્તમ કામ હતુ નહીં તો એના જીવન સંદેશરુપ શ્રેષ્ઠ અને સાર તત્વ માણવાને બદલે મારા જેવા સામાન્યજન સામાન્ય ગઝલમાં જ અંટવાતા હોત!

  5. KAVI said,

    October 28, 2007 @ 12:29 PM

    ખરેખર મજા આવી જવાહરભાઇ,
    આખરે ગઝલ પણ શું છે ??!!!
    એકદમ મજાનો અનુભવ…

  6. Atul Jani (Agantuk) said,

    October 28, 2007 @ 12:31 PM

    ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,

    ઉપેક્ષા અને મિલન બંને ઘટનામાં વ્યક્તિઓ સામસામે તો આવે છે, સાથે સમય પણ વ્યતિત કરે છે.

    ઉપેક્ષામાં વ્યક્તિ સામે હોવા છતા તેની નોંધ લેવાતી નથી, અને ઉપેક્ષિત વ્યક્તિની હાજરી કરતા ગેરહાજરી વધારે અનુકુળ લાગે છે. અને જ્યારે તે જાય ત્યારે તેની સામે પણ જોવામાં આવતું નથી તો પછી આવજો કહેવાની તો વાત જ ક્યાં – હોય છે બસ એક એની મનાનો અનુભવ,

    જ્યારે પ્રિય પાત્રનું મિલન થાય ત્યારે સ્વાગતમાં મીઠો આવકાર, સાથે હોય ત્યારે ચહેરા પર પ્રસન્નતા અને જાય ત્યારે વિષાદની આછેરી છાંટ સાથે ફરી જલ્દી આવજો તેવી આગ્રહભરી માંગણી. અને તે વિખુટા પડતી વખતે આપવામાં આવતી રજાનો અનુભવ તો જેમણે અનુભવ્યો હોય તેને જ ખબર પડે.

    મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.

    વાહ ભાઈ ગઝલની મજા તો વળી કાંઈક ઔર જ છે.

  7. Anil Chavada said,

    October 28, 2007 @ 12:32 PM

    અનેકવાર વાંચેલી ગઝલ આજે ફરીથી વાંચી અભિભૂત થૈ જવાયુ.

  8. ધવલ said,

    October 28, 2007 @ 4:12 PM

    એક પછી એક પડ ઉઘડે એમ એક પછી એક અર્થ ઉઘડે છે આ ઘૂંટેલા અર્થથી ભરીભરી ગઝલમાંથી !

  9. Pinki said,

    October 29, 2007 @ 11:28 AM

    “કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
    મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.”

    આ ગુમાવ્યા પછી જ હોવાનું અહેસાસ ?!! બધામાં એવું ?!!

    પોતાપણું એકાકાર થઈ જતું હશે ને ભૂલી જવાતું હશે ત્યારે કદાચ……!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment