સૂર્ય ઊગે ને આંખ ખોલે છે
એક ટોળું હરેક જણમાંથી.
નયન દેસાઈ

ઝાકળબુંદ : ૮ : ગુલોગુલ અલગ છે – હિમાંશુ ભટ્ટ

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

હિમાંશુ ભટ્ટ

8 Comments »

 1. Pinki said,

  October 9, 2007 @ 12:52 am

  વાહ્ આખી ગઝલ અલગ અલગ જ છે ! !

  ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
  ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

 2. Bhavna Shukla said,

  October 9, 2007 @ 9:53 am

  સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
  હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે
  ……………………………………………………………………………………
  અતિ સુંદર, એક જ વિચાર પરની પકડ,પકડી રાખ્યા છે જાણે…..
  મે ઘણી વખત જોયુ છે કે કહેવા કઇક માટે કાવ્ય શરુ થાય અને અંત કોઇ બીજી જ વાત થી થતો હોય અને પછી આખી રચનામા રસક્ષતિ લાગ્યા કરે. પણ અહિ કાવ્યપિપાસા સંતોષાઇ રહી છે. “અલગ રીતે જ”
  ……………………………………………………
  માનવ સ્વભાવની વિવિધતા અને દરેક વસ્તુ ને નિહાળતી દ્રષ્ટિકોણની વિવિધતા, કદાચ આ અલગતાજ સૃષ્ટિને કવિદ્રષ્ટિને સુલભ એવુ સૌંદર્ય બક્ષી રહ્યા છે યુગોથી…
  “અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે”
  એક સુંદર ભાવાત્મકતા અને આધ્યાત્મિકતાનો સંગમ આ અલગતા દર્શાવતી પંક્તિમા થઇ રહ્યો છે.
  આંખ બંધ કરીને એક વાર વિચારતા જ ખુદની એક સિતારો ઝળહળી રહ્યો લાગે છે. જે વૈશ્વિક અણુ નો જ એક ભાગ છે. કોઇ એક વિશાળ ફલક પર ઘુમી રહેલા સાવ અલગ આપણે, અકળ રીતે કેન્દ્રબિંદુ સાથે જોડયેલા છીએ. જરાક માજ મિલાવી દિધાને એક સાથે…ભ્રમ તોડીને, બધુ અલગ દર્શાવિને અંતે….
  ઘણુ સુંદર… હિમાંશુભાઇ ને સાષ્ટાંગ અભિનંદન….

 3. pragnajuvyas said,

  October 9, 2007 @ 10:38 am

  સુંદર ગઝલ
  જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
  ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે
  આખો મહાભારતનો પ્રસંગ યાદ આવે તેવો યાદગાર શેર…
  આ સુંદર પંક્તિઓ ઉપરાંત તેમનાં શેરો
  કહેવતની જેમ વપરાય જેવાં કે—-
  ‘यहां हादसों से बुनी हुयी, है क्यों शख्स्-शखस कि जिंदगी
  कहीं युं न हो, कि उसेभी तो, कुछ काफिरों कि तलाश है…’
  ‘તને દેખાય જે મારી, નથી ઉંચાઈ પોતાની
  ઉભો છું હું આ કોના પર? અને મારે ખભે કોઇ…’
  ‘ગજાથી વધારે ભરી બેઠા નૌકા
  હલેસે હલેસે તો હાંફી રહ્યા છે’
  ‘આપને ઉપડે કદી જો ચળ કશે
  કેટલા લોકો ખણે છે આપને’
  “છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
  સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?”
  “અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
  ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?”

  તેવા હિમાંશુ ભટ્ટને ઝાંકળ બુંદ ૮માં સ્થાન આપ્યું
  તેથી નવાઈ લાગી! હશે જેવો વિવેક…

 4. વિવેક said,

  October 10, 2007 @ 4:47 am

  પ્રિય પ્રજ્ઞાજી,

  સૌપ્રથમ તો આપના ખરા નામથી અપરિચિત હોવા બદલ માફી ચાહું છું. આપ જે નામથી વાર્તાલાપ કરો છો એમાં ક્યાંય વચ્ચે ‘સ્પેસ’ દેખાતી નથી એટલે પ્રજ્ઞા જુ. વ્યાસ એવું નામ ધારી લઈને આ સંબોધન કરું છું. (નામમાંથી સ્પેસ ઓગળી જવી એ જો કે દામ્પત્યજીવનની ખાસ્સી દુર્લભ ઉપલબ્ધિ પણ છે !)

  ‘લયસ્તરો’ પર ‘ઝાકળબુંદ’ શ્રેણીમાં સ્થાન આપીને કોઈ પણ કવિની ગરિમાને નંદવાનો અમારો કોઈ ઈરાદો હતો નહીં, હોઈ શકે પણ નહીં. હિમાંશુભાઈ તો અમારા ખાસ મિત્ર છે. એમને હું કદી મળ્યો પણ ન્હોતો એવા સમયે સુરતથી ઠેઠ મુંબઈ સુધી ‘ફક્ત’ એમને મળવા માટે હું ગયો હતો જે કદાચ હું કોઈ મારા જૂના દોસ્ત માટે પણ ન કરું. એ મારા તરફથી એમની કવિતાને સલામી જ હતી અને એમને ‘ઝાકળબુંદ’ શ્રેણીમાં સ્થાન આપીને એમની પ્રતિષ્ઠા ઝાંખી કરવાનો અમારો કોઈ આશય નથી એની પ્રતીતિ કદાચ આપ આજ શ્રેણીના નવમા ઝાકળબુંદ તરફ જોશો તો કદાચ આપને તરત જ થઈ જશે. ઝાકળબુંદ નામ વાપરીને આ સૌ કવિઓની ઝાકળ જેવી તરોતાજા રચનાઓને ‘થોડી’ અલગ તારવી વાચકોનું ધ્યાન થોડું વધુ આ તરફ દોરવાનો અને આ ‘નવાનક્કોર છતાં માંજેલા સશક્ત કવિઓ’ને યોગ્ય પ્લેટફૉર્મ પૂરું પાડવા સિવાય અમારો કોઈ આશય હોઈ શકે જ નહીં એની ખાતરી રાખજો. ‘લયસ્તરો’ પહેલાં પણ આપનું જ ફૉરમ હતું અને ભવિષ્યમાં પણ આપ જેવા સહૃદય વાચકોનું જ રહેશે એની ખાતરી રાખજો… અમે બે તો માત્ર નિમિત્ત છીએ…

  બીજું, અહીં એ જ કવિઓને સામેલ કર્યા છે જે કવિઓએ ‘લયસ્તરો’ પર પ્રગટ કરવા માટે પોતાની કાવ્યકૃતિઓ જાતે મોકલાવી હતી (એક ઊર્મિના અપવાદને અને હવે પછી આવનાર કવિઓને બાદ કરતાં !) પરંપરાગત ગુજરાતી જોડણીના પ્રખર હિમાયતી હોવા છતાં અમે સુનીલ શાહની કૃતિ એમની માન્યતાને માન આપીને ઊંઝા જોડણીમાં જ છાપી હતી, એટલે સુધી કે એમના નામની જોડણી પણ અમે બદલવાની ચેષ્ટા કરી નથી. એક કવિ હોવાના નાતે કવિની ગરિમા જાળવવાની જવાબદારી અને સમજદારી શું છે એ કદાચ હું જાણું છું…

  છતાં અમારાથી કોઈ ‘અ’વિવેક થયો હોય એવું કોઈને લાગ્યું હોય તો ક્ષમાયાચના…

 5. pragnajuvyas said,

  October 10, 2007 @ 9:45 am

  આ તો ‘એમ.ડી’ અને ‘એમ.એ.ડી’ની ચર્ચા.હું દવા લેતી નથી પણ સાહીત્ય,સગીત,કાવ્યો, ચિત્રો અને આ કોમ્પ્યુટરની કરામતથી ટકોરાબંધ રહું છું.તમે એ રીતે મારા ગમગુસાર,ચારાસાઝ ખરા. બાકી એક બગલાથી દશરથ રાજાની જેમ વિચારમાં પડી જનાર કવિ હ્રુદયની વાત વાચી સુરતના નર્મદની વાત યાદ આવી.તેમને દલપતરામ સાથે ફાવતુ નહીં પણ જ્યારે દલપતરામને માથે સફેદ ધજા ફરકી ત્યારે તેઓએ નર્મદને ઘેર જઈ સમાધાન કરેલું.
  મારા અંગે ફરિયાદ રહે છે લખવામાં તથા બોલવામાં વિચાર સમજાતો નથી.ત્યારે માંડીને વાત કરવી પડે!હંમણા તો એવું કે એક વાર નીચેનો રેક્ટએન્ગલ ક્લીક થયો તો- યદ ગત્વા ન નીવર્તન્તે એવા પરમ ધામમાં પહોંચી જવાય!
  ‘પ્રજ્ઞાજુ’ એ મારા પૌત્રે આપેલું નામ છે.મેરી રાધેજુ…ભજન ગાતા,મેરી આજીજુ.મેરી પ્રજ્ઞાજુ અને તે પાછો મારો કોમ્પુટર ગુરુ તેણે આઈ ડીમાં પણ લખ્યું-પ્રજ્ઞાજુ અને મને પણ ગમ્યું.

 6. ઊર્મિ said,

  October 10, 2007 @ 1:46 pm

  હિમાંશુભાઈની મને ઘણી ગમતી ગઝલ… સ-રસ!

  મને હજીયે યાદ છે કે આ ગઝલ જ્યારે એમણે એમનાં ‘એક વાર્તાલાપ’ બ્લોગ પર પોસ્ટ કરેલી ત્યારે વાંચકોને એમણે એક સવાલ પૂછેલો કે… આ ગઝલમાં એક વિશેષતા છે, એ શું છે? તે જણાવો… અને ત્યારે મારા ભેજાંની થોડી સુરતી કઢી પણ થઈ ગયેલી… પછી થોડા દિવસ પછી એમણે જવાબ આપેલો કે… આ ગઝલનાં દરેક મિસરાંને તોડી નાંખો તો પણ છંદ, બંધારણ, રદીફ, કાફિયા- એમ બધું સચવાઈ રહે એવી રીતે 10 શેરની ગઝલ થઈ જાય છે…

 7. Himanshu Bhatt said,

  October 11, 2007 @ 9:47 am

  Vivek/friends

  I am glad that you enjoyed my ghazal.

  Best wishes
  Himanshu

 8. KAVI said,

  October 13, 2007 @ 2:48 am

  ખરેખર આખી મત્લા ગઝલ વાંચવાની ખૂબ મજા આવી
  ગઝલ વિશે તો હુ શુ કહુ.
  ગઝલ જ બધુ ક્હી દે છે,
  ી જ એનુ સમર્થ્ય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment