કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!
હિમલ પંડ્યા ‘પાર્થ’

પાવાગઢમાં એક વરસાદી અનુભૂતિ – જયન્ત પાઠક

(શિખરિણી)

પછી તો પ્હાડોએ નિજ પર લીધાં ઓઢી જલદો
અને ઢંકાયાં સૌ શિખર, ખીણ, ઉત્તુંગ તરુઓ
તળાવો યે ડૂબ્યાં અતલ તલમાં આવરણનાં
ભુંસાઈ ગૈ દ્યાવાપૃથિવી વચમાંની સરહદો !

હવે આજુબાજુ, અધસ-ઊરધે એકરૂપ સૌ;
મને ના દેખાતો હું, ન સ્વજન ઊભાં સમીપ તે;
અવાજોમાં આછા પરિચિત લહું સર્વ ગતિને
સદેહે સ્વર્લોકે વિચરું ચરણે ધારી ક્ષિતિને !

સૂણું આહા ! વાદ્યધ્વનિ વહત ધીમા અનિલમાં
સૂરો ગંધર્વોના, લય લલિત વિદ્યાધરતણા;
મૃદંગોના ઘેરા પ્રતિધ્વનિ શું વાતાવરણમાં !
હું રંગદ્વારે છું સ્થિત ભવનના વાસવ તણા !

ઝીણી, ફોરે ફોરે નૂપુર ઘૂઘરીઓ બજી રહી;
જરા ઝબકારો – શી નયન નચવી ઉર્વશી રહી !

– જયન્ત પાઠક

પાવાગઢના પર્વત પર વરસતા વરસાદના અમૂર્ત સૌંદર્યને કવિએ અહીં જાણે કે શબ્દોના કેમેરા વડે મૂર્ત કરી દીધું છે. પહાડો જાણે નીચે આવી ગયેલાં વાદળોને ઓઢીને ઊભા હોય એમ લાગે છે અને આ વાદળોમાં સ્વર્ગ અને પૃથ્વીની તમામ સરહદો કેમ જાણે ભૂંસાઈ ગઈ ન હોય એમ શિખર-ખીણ-વૃક્ષો-તળાવો બધું જ ઓગળી ગયું છે… ઊપર-નીચે, આજુ-બાજુ બધું જ એકરૂપ ! પાસે ઊભેલાં સગાં તો ઠીક, પોતાની જાત પણ જોઈ ન શકાય એવું ગાઢ ધુમ્મસ છે જ્યાં માત્ર અવાજો જ ‘નજરે’ ચડે છે. ધીમે ધીમે વાતો પવન ગંધર્વોએ છેડેલા સૂર જેવો અને વાદળોનો ગડગડાટ તબલાં જેવો અને વરસાદના ફોરાં ઉર્વશીના ઝાંઝરના રણકાર સમા ભાસે છે. ઇન્દ્રલોકના દ્વારે આવી ઊભા હોવાની તીવ્રતમ અનુભૂતિ આ સૌંદર્યાન્વિત સૉનેટને કવિતાની ઊંચાઈ બક્ષે છે…

(જલદો = વાદળો, ઉત્તુંગ = અત્યંત ઊંચું, દ્યાવાપૃથિવી = સ્વર્ગ અને પૃથ્વી, અધસ-ઊરધે = નીચે-ઉપર, સ્વર્લોક = સાત માંહેનો એક લોક, ક્ષિતિ = પૃથ્વી, વાસવ = ઇન્દ્ર)

6 Comments »

 1. Jasmin Rupani said,

  September 15, 2012 @ 5:45 am

  આજ ક્ષણે પાવાગઢના પર્વત પર પહોચી જવાની અદમ્ય ઈચ્છા થઇ આવી. નીચે અઘરા શબ્દો ના અર્થ આપ્યા છે તેને કારણે કવિતા માણી શક્યો નહિ તો મારા જેવા વ્યક્તિ માટે આ કવિતા સમજવી અઘરી છે. બહુ મજા આવી અને આવતી રહેશે. ખુબ આભાર.

 2. perpoto said,

  September 15, 2012 @ 8:13 am

  શબ્દોનું પૈન્ટિ્ગ…

 3. pragnaju said,

  September 15, 2012 @ 9:25 am

  ઝીણી, ફોરે ફોરે નૂપુર ઘૂઘરીઓ બજી રહી;
  જરા ઝબકારો – શી નયન નચવી ઉર્વશી રહી !
  ખૂબ સુંદર

 4. Pravinchandra Kasturchand Shah said,

  September 15, 2012 @ 1:22 pm

  રસ્તામાં પલળ્યા હશો;ડુંગર પર પલળ્યા છો કદિ?
  પાઠક સાહેબે ભણાવ્યો આ પાઠ;ભુલાશે ના,ના,કદિ.

 5. Arpana said,

  September 16, 2012 @ 8:59 am

  ખુબ સુંદર કાવ્ય.

 6. Maheshchandra Naik said,

  September 16, 2012 @ 1:53 pm

  સરસ કાવ્ય, શ્રી જયંત પાઠકને સ્મરાણજલિ અને સલામ………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment