શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક મનહર ટેલર

ગઝલ – રવીન્દ્ર પારેખ

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું –
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !

-રવીન્દ્ર પારેખ

આ ગઝલ વાંચી એના વિશે બે શબ્દો લખવા બેઠો તો જબરદસ્ત મુંઝારો થયો. કયા શેરની વાત માંડું અને કયા શેરને છોડી દઉં? ગઝલના આસ્વાદમાં આખેઆખી ગઝલ જ ફરીથી લખી નાંખવી પડે એવી સરળ છતાં પ્રબળ આ રચના છે. વરસાદના અલગ-અલગ રૂપ કવિએ જે રીતે અલગ-અલગ આંખથી જોયા છે એ વાંચતાં-વાંચતાં જ અંદર ક્યાંક કશુંક ગચકાબોળ થઈ જતું અનુભવાય…

11 Comments »

 1. pragnajuvyas said,

  October 19, 2007 @ 9:44 am

  રવીન્દ્ર પારેખ નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાલેખક સુરત સગરામપુરા પુતળી પાસે અંટવાતો મળે તો એમ ન લાગે કે આ ત્રણ ભાષા ઉપરાંત મરાઠી અને ઉર્દૂની પણ જાણકારીવાળો જેનું ત્રણેક હજાર પુસ્તકોનું અંગત પુસ્તકાલય ધરાવનાર,સ્વપ્ન કે સત્ય, જળદુર્ગ,અતિક્રમ,સ્વપ્નવટો વિ.નો લેખક અને અનેક પારિતોષિકો મેળવનાર છે! તે, સ્ત્રી-પુરુષના સંબંધોની ગૂંથણી અને આંતરમનને સ્પર્શતા ભાવોનું સુંદર મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરનાર ક્હે છે-
  ભીની આંખે કેમ ઉકેલું કહે,
  વીજળી છે કે કોઈના દસ્તખત !
  વાહ-
  ડો.વિવેકની જેમ કોઈને પણ શેરો અંગે થાય-કોને ચાખું અને કોને છાંડુ?
  પાલવની જેમ ‘મુંઝારો’ શબ્દ જેવો અગ્રેજી શબ્દ નથી તેથી ડો.મેડીકલ હીસ્ટ્રીમાં, ફરિયાદ MUNZARO ઍંમ લખે!

 2. Harshad Jangla said,

  October 19, 2007 @ 10:54 am

  સુંદર ગઝલ
  વિવેકભાઈ પાસેથી વધુ એક નવો શબ્દ ” ગચકાબોળ” જાણવા મળ્યો.
  આભાર

 3. ભાવના શુક્લ said,

  October 19, 2007 @ 12:42 pm

  ક્યારેક પરીસ્થિતિ એવી સર્જાય છે કે પુરી મા શેરડી નો ટૂકડો વિંટાળીને ખાવા કહે કોઇ.
  આ ગઝલ ના દરેક શેર કઇક આવુ પિરસીને ગયા છે. હજી તો confuse છુ, કદાચ અનેક વાર વાચવી પડે ભાવ સુધી પહોચવા…

 4. Shah Pravinchandra Kasturchand said,

  October 19, 2007 @ 3:58 pm

  આટલો બધો વરસાદ પડતો હોય;
  પછી વર ગમે એટલો સાદ પાડે તો
  પણ ક્યાંથી સંભળાય?

  સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
  દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત

  હવે પડને વરસાદ તમ્મ તારે પડવું હોય એટલું;
  મને તો મારું દેવકાવ્ય મળી ગયું.
  અને તે પણ કાળુંધબ્બ નહીં;લીલુંછમ્મ.

  સરસ રચના.
  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

 5. ધવલ said,

  October 19, 2007 @ 7:52 pm

  બહુ intense ગઝલ. બે-ત્રણ શેર મને ખાસ ગમી ગયા –

  ના કશેથી આવવું કે ના જવું –
  ને ઉપરથી જાય ના ભીનો વખત.

  સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
  દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

  હું મને મળવા મથું પણ ના મળું,
  એટલો વરસાદ વચ્ચે છે સતત.

 6. devang trivedi said,

  October 20, 2007 @ 12:58 am

  વરસાદના ૯ સ્વરુપો જાણ્યા.
  હોય કોરું તોય હું તરબોળ છું,
  યાદમાં એવું બધું તો હસ્તગત
  ખરેખર કશુંક ગચકાબોળ થઈ જતું અનુભવાય.

 7. Pinki said,

  October 20, 2007 @ 1:50 am

  બારણાં, બારી બધું વરસાદનું,
  ને ઉપર વરસાદની એકાદ છત.

  વરસતા વરસાદમાં બેઠા હોય એમ જ લાગ્યું અને
  પહેલી પંક્તિ જાણે શરૂઆતથી વરસાદને માણતા હોય
  તેમ પ્રતિતી કરાવે ……!!

  ના કશેથી આવવું કે ના જવું –
  ને ઉપરથી જાય ના ભીનો વખત.

  વરસાદમાં કાયમનો problem પણ જો આવી ગઝલનો સાથ તો

  હું મને મળવા મથું પણ ના મળું,
  એટલો વરસાદ વચ્ચે છે સતત. અને વળી ગઝલ પણ……..!!

  ભીંજાઈને તરબતર………..!!

 8. ઊર્મિ said,

  October 22, 2007 @ 4:09 pm

  આવા ધોધમાર વરસાદમાં તો મારી છત્રી પણ કાગડો થઈ ગઈ…!!

 9. jina said,

  October 23, 2007 @ 6:08 am

  ‘ગચકાબોળ’!!! વાહ વિવેકભાઈ!!

 10. shailesh pandya BHINASH said,

  November 27, 2007 @ 8:09 am

  nice…

 11. nirlep said,

  July 29, 2008 @ 10:40 am

  this is my one of the ever fav. gazals, thanks a lot

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment