તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
– વિમલ અગ્રાવત

સાન્નિધ્ય-સમજ – અશરફ ડબાવાલા

મારે કોઈ ન જુએ તેમ,
છીપમાં મૂંઝારે મરવું છે.
ભલે, હું છીપમાં છેલ્લા શ્વાસો ભરતો હોઉં
અને
પાણીને મોતી સાચવી રાખ્યાનો
અનુભવ થતો હોય.

મારે વાસણ જેમ પડી જઈને
હાથનો દોષ નથી કાઢવો.
મારે તો સ્પર્શની નિકટતા મુઠ્ઠીમાં બીડી
બસની જેમ દૂર દૂર નીકળી જવું છે.

મારે કાળજીથી કરેલા સરનામા જેમ
ઊકલી જઈને સાર્થકતા નથી અનુભવવી.
મારે તો પત્રમાં ન લખી શકાયેલ બાબતની જેમ
આમતેમ ગૂંચવાવું છે.

હે મારા નિ:શ્વાસો!
પાણીને ખબર ન પડવા દેશો કે
મારે કોઈ ન જુએ તેમ
છીપમાં મૂંઝારે મરવું છે.

– અશરફ ડબાવાલા

કારણ વિના પ્રગટ થઈને ચવાયેલી ઘટના થઈ જવા કરતા તો સારું છે છીપમાં મૂંઝારે મરવું. એવા મૂંઝારામાં જે નિકટતા, જે રોમાંચ, જે ગડમથલ, જે ટીસ છે એ અમૂલ્ય છે. કવિએ કવિતાનું શીર્ષક આપ્યું છે સાન્નિધ્ય-સમજ. અને એ રીતે કવિતાનો બૃહદ અર્થ ઊઘાડી આપ્યો છે. 

4 Comments »

  1. Rina said,

    September 12, 2012 @ 3:27 AM

    Beautiful….

  2. perpoto said,

    September 12, 2012 @ 9:24 AM

    વેદનાનું આચમન –કોઇ ના જુવે તેમ –ભાવકે કરવાનું છે.

  3. pragnaju said,

    September 12, 2012 @ 1:22 PM

    હે મારા નિ:શ્વાસો!
    પાણીને ખબર ન પડવા દેશો કે
    મારે કોઈ ન જુએ તેમ
    છીપમાં મૂંઝારે મરવું છે.

    સુંદર
    રાત દિ’ વણસ્યા કરે છે જો ખરી છે વેદના,
    ને સતત ફણગ્યા કરે છે જો ખરી છે વેદના.

    હોઠ પર જો સ્મિત આવે એક-બે ક્ષણ ત્યાં જ તો,
    આંસુઓ ખડક્યા કરે છે જો ખરી છે વેદના.

  4. Darshana Bhatt said,

    September 12, 2012 @ 5:17 PM

    બસ….આ વેદના તો અમુલ્ય નિધિ. ઍ ં મનજુશા કદી નથી ખોલવી.
    સુન્દર અભિવ્યક્તિ.ા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment