એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

વાસના – ગોવિન્દ સ્વામી

(સ્વતંત્ર સૉનેટસ્વરૂપ, છંદ: પૃથ્વી, ચોથી પંક્તિ: પૃથ્વીતિલક)

પ્રસુપ્ત અહિરાજ આહ ! દઈ ડંખ ચાલ્યો ગયો.
રગેરગ મહીં જતાં પસરી ઝેર, ભાંગી પડે
બધું બદન, તપ્ત નેત્ર રુધિરાશ્રુઓ નિઃસ્ત્રવે.
ન હું અજર નીલકંઠ કંઠમહીં ઝેર ધારું જ, કે
ત્રિનેત્ર બની નેત્રથી વિષદ ભસ્મભેગો કરું.
હરિત્ તૃણ બિછાત ને સુરભિવંત પુષ્પોભર્યા
વને વિહરતાં મને ચટકી ડંખ ઝેરી દઈ,
પ્રસુપ્ત અહિરાજ જાગ્રત બની જ દોડી ગયો.

હવે ન કંઈ ભાન, વાન સહુ નીલરંગી બને.
સુકાય ગળું, ને તૃષાર્ત ભટકું અહીંથી પણે.
જતાં પસરી ઝેર, ઘેન સહુ અંગઅંગે ચડે;
વિમૂઢ બની ઘેનમાં વિકલ આથડે ને પડે.

ચડ્યું બદન કાલકૂટ, નયને લીલૂડાં રમે.
હવે સ્મરણ ના કશું ય, નહિ વાસના યે દમે !

-ગોવિન્દ સ્વામી

અમદાવાદના ગોવિંદભાઈ વાડીભાઈ સ્વામી આયુર્વેદની પદવી ધરાવતા અને વૈદક કરતા હતા. ‘ફાલ્ગુની’નામના ત્રિમાસિકના તંત્રી હતા. (જન્મ:૦૬-૦૪-૧૯૨૧, મૃત્ય:૦૫-૦૩-૧૯૪૪; પુસ્તક: “મહાયુદ્ધ” (પ્રજારામ રાવળ સાથે), મરણોત્તર કાવ્યસંપાદન: “પ્રતિપદા” (ઉમાશંકર જોશી, સુન્દરમ્ અને પ્રજારામ રાવળ દ્વારા)
સર્પ આપણે ત્યાં કામ-વાસનાનું પ્રતિક મનાય છે. વાસનાનો સૂતેલો સાપ અચાનક ડંખ દઈ જતા રગેરગમાં જે ઝેર પ્રસરી ગયું એનાથી આખું શરીર ભાંગી પડ્યું. ન તો નીલકંઠની જેમ એ ઝેરને ગળામાં અટકાવી શકાતું કે નથી એમની જેમ ત્રીજું નેત્ર ખોલીને કામદેવ નામના સાપને બાળીને ભસ્મ કરી શકાતો. લીલું ઘાસ અને ખુશ્બૂદાર પુષ્પોભર્યા વનમાં વિહાર જાણે સૂતેલી વાસનાને જાગૃત કરતા સંજોગોનો નિર્દેશ કરે છે. વાસનાના ડંખે હવે કોઈ ભાન રહ્યું નથી. શરીરનો રંગ બદલાઈ ગયો છે અને શોષ પડે છે. અંગઅંગમાં આ વિષ ચઢતાં વિમૂઢ બનીને આથડવા-પડવા સિવાય હવે નસીબમાં રહેશે પણ શું?

કામ જ્યારે રમણે ચડે છે ત્યારે માણસની આંખોના ભાવ બદલાઈ જાય છે. આપણે આવા માણસને જોઈને કહીએ છીએ કે એની આંખમાં તો સાપોલિયાં રમે છે. એ રૂઢીપ્રયોગનો ઉપયોગ અહીં થયો છે. વાસનાના લીલા સાપ આંખમાં રમે છે અને હળાહળ ચડ્યું હોય એમ આખું શરીર કામાગ્નિથી ભડભડી રહ્યું છે. આ વાસનાનું દમન પણ થઈ શકે એમ નથી અને આ વાસના અન્ય કંઈ યાદ પણ રાખવા દે એમ નથી. અગ્નિથી જે ધાતુ તપીને લાલચોળ થાય એમ કામાગ્નિ સામે શરીરને નીલું પડતું બતાવીને પણ કવિએ સૉનેટને ધાર બક્ષી છે.

(પ્રસુપ્ત=સૂતેલું, અહિરાજ=સાપરાજ, વિષદ=સાપ, કાલકૂટ=સમુદ્રમંથનના અંતે નીકળેલું હળાહળ ઝેર જે શંકરે પીધું હતું અને ગળામાં અટકાવી રાખ્યું હતું જેના કારણે એ નીલકંઠ તરીકે ઓળખાયા.)

3 Comments »

 1. pragnaju said,

  September 27, 2007 @ 10:28 am

  બહુ ટૂંકા આયુષ્યવાળા ગોવિન્દ સ્વામી,ચારાસાઝ સાથે આવા સારા કવિ પણ હતા.
  કુંડલીનીને પણ મુલાધાર ચક્રમા સુતેલા સર્પ જેવી વર્ણવી છે.તેને છંછેડવાની નથી પણ જાગૃત કરી ઉર્ધ્વ ગતિ કરાવવાની છે.જીવ અને શિવનુ મીલન કરવાનુ છે.
  આમાં કામ ખરાબ છે તેવું નથી પણ વાસના
  ‘વાસનાના ડંખે હવે કોઈ ભાન રહ્યું નથી. શરીરનો રંગ બદલાઈ ગયો છે અને શોષ પડે છે. અંગઅંગમાં આ વિષ ચઢતાં વિમૂઢ બનીને આથડવા-પડવા સિવાય હવે નસીબમાં રહેશે પણ શું?
  કામ જ્યારે રમણે ચડે છે ત્યારે માણસની આંખોના ભાવ બદલાઈ જાય છે. આપણે આવા માણસને જોઈને કહીએ છીએ કે એની આંખમાં તો સાપોલિયાં રમે છે. એ રૂઢીપ્રયોગનો ઉપયોગ અહીં થયો છે. વાસનાના લીલા સાપ આંખમાં રમે છે અને હળાહળ ચડ્યું હોય એમ આખું શરીર કામાગ્નિથી ભડભડી રહ્યું છે. આ વાસનાનું દમન પણ થઈ શકે એમ નથી અને આ વાસના અન્ય કંઈ યાદ પણ રાખવા દે એમ નથી. અગ્નિથી જે ધાતુ તપીને લાલચોળ થાય એમ કામાગ્નિ સામે શરીરને નીલું પડતું …’નુ સ્વરુપ જાણતા તેને જીવમાંથી શિવ તરફ વાળવાનો ખ્યાલ આવે છે.
  આવા વિષય ઓછા ચર્ચાય છે…તેથી તેની છણાવટ જ્ઞાનવૃધ્ધ કરે તો વધુ ખ્યાલ આવે

 2. Bhavna Shukla said,

  September 27, 2007 @ 1:34 pm

  પ્રકૃતિની આ એવી લીલા છે. જે દમન કરવાથી નહિ પણ શમન કરવાથી સમાધિ અને મોક્ષ પણ બક્ષે છે. વાસના ના સર્પો શરીર કરતા વિચારો ને વધુ દંશે છે. વાસના ક્યારેય તન ને નહિ મન ને અને વિવેકબુદ્ધિને વધારે ભક્ષે છે. શિવ ની સાથે સરખામણી તો કેમ થાય!!!. શિવે તો વાસના ને બન્ને પગ વચ્ચેથી કાપીને દુર ફગાવી દીધેલ છે. માનવજાત તેનુ મંદિર બનાવીને પુજતી આવી છે. હા, હેતુ માત્ર સાયુજ્ય, પ્રજનન અને જીવોત્પતી નો નથી રહ્યો.
  બસ કવિએ વિચારો પર અહિરાજ ના દંશની આ અસર બતાવી છે જે હુ અને તમે અનુભવી શકતા અને પીડાતા હોવા છતા હેતુ ભુલેલા થઇ, પ્રકૃતિની અલૌકિક કૃપા ને સજાની જેમ ભોગવી અને પરમ ત્રાસી રહ્યા છીએ.
  આવા વિષય ઓછા ચર્ચાય છે…કારણ કે સાચી ઓળખ નથી, સમજ નથી, ને નિખાલસ વર્ગને સુરુચિના બાંધી બેસાડેલા માપદંડો ગળામા ગાળીયા જેવા થઇ પડેલા છે.

 3. sumit doshi said,

  October 6, 2007 @ 1:04 am

  એક જૈન શાયરિ.
  મહાવિર નિ મહેફિલ મા મસ્તિ નથિ હોતિ,સયમ નિ આરાધના સસ્તિ નથિ હોતિ(૨)
  ખમવા અને ખમાવવામા જબર્દસ્તિ નથિ હોતિ
  આપિ દો દિલ શત્રુ ને તો, વેર નિ હસ્તિ નથિ હોતિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment