ઈશ્વરને પણ ભુલાવામાં નાંખી શકે છે,
માણસની જાત દોસ્ત, બડી નામચીન છે.
ભગવતીકુમાર શર્મા

ગઝલ – રઈશ મનીઆર

(રઈશ મનીઆરે ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપેલ તરોતાજા ગઝલ)

હતી કંઈ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો.

આ ગોળાકાર પૃથ્વીમાં વળી શું પૂર્વ કે પશ્ચિમ
છતાં દશદશ દિશાની અટકળે બસ દોડતો રાખ્યો.

ઉપર આકાશ કાયમ સ્થિર વ્યાપેલું ન દેખાયું
જનમભર આ ભટકતા વાદળે બસ દોડતો રાખ્યો.

મળ્યા જે એક સ્થળ પર લોક, બીજે ચીંધવા લાગ્યા
ને બીજેથી વળી ત્રીજા સ્થળે બસ દોડતો રાખ્યો.

ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.

જીવન જો આ જ પળ હો તો આ પળમાં ખૂબ શાંતિ છે,
સતત ઘૂમરાતી આગામી પળે બસ દોડતો રાખ્યો.

હતી મુજ હાજરી મારી જીવનઘટનામાં આવશ્યક,
મને તેં રસ વગર ઘટનાસ્થળે બસ દોડતો રાખ્યો

સૂકા થડ ગોઠવી સમજી ચિતા હું સૂઈ જાતે પણ
નવી ફૂટેલ તાજી કૂંપળે બસ દોડતો રાખ્યો.

-રઈશ મનીઆર

માણસની જાતને સ્થિરતા નસીબમાં નથી. જીવન અને જીવનની ઘટમાળ એને સતત દોડતો રાખે છે. રઈશભાઈની ગઝલ આ જ વાત લઈને આવી છે પણ જે મજા છે એ એમના અંદાજ-એ-બયાંમાં છે. ખાસ લયસ્તરો માટે જ્યારે આ ગઝલ એમણે પ્રેમપૂર્વક સ્વહસ્તે લખી આપી હતી ત્યારે એ સાવ તાજી અને અપ્રગટ હતી, પણ અહીં એને હું મૂકી શકું તે પહેલાં એ “કવિતા”માં પ્રગટ થઈ ચૂકી છે.

5 Comments »

 1. ધવલ said,

  September 8, 2007 @ 11:20 am

  હતી કંઈ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
  પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો.

  ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
  ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.

  ખરી વાત છે.. હકીકતોથી જ માત્ર ક્યાં કામ ચાલે છે.. માણસને છળની જરૂર અવશ્ય છે જ !

  જીવન જો આ જ પળ હો તો આ પળમાં ખૂબ શાંતિ છે,
  સતત ઘૂમરાતી આગામી પળે બસ દોડતો રાખ્યો.

  સૂકા થડ ગોઠવી સમજી ચિતા હું સૂઈ જાતે પણ
  નવી ફૂટેલ તાજી કૂંપળે બસ દોડતો રાખ્યો.

  શું વાત છે !!

  રઈશભાઈની શ્રેષ્ઠ ગઝલમાંથી એક !

 2. girish desai said,

  September 8, 2007 @ 5:28 pm

  હતી મુજ હાજરી મારી જીવનઘટનામાં આવશ્યક,
  મને તેં રસ વગર ઘટનાસ્થળે બસ દોડતો રાખ્યો
  વ્હા રઇશભાઇ વ્હા

  કહે શાને આપી જ્નમ મુજ્ને તૂં અહીંથી દૂર ભાગ્યો
  અને બેભાન રાખી મને શાને અહીં બસ દોડતો રાખ્યો

 3. Shah Pravinchandra Kasturchand said,

  September 9, 2007 @ 7:54 am

  વાહ વાહ !
  દરેક પંક્તિએ બસ જકડી-પકડીને આગળ વાંચતો રાખ્યો.

 4. Pinki said,

  September 9, 2007 @ 3:05 pm

  અરે ! જિંદગીની ભાગમદોડમાં જાણે ,

  વિસામો બનીને આ ગઝલ આવી………..

  આ ગોળાકાર પૃથ્વીમાં વળી શું પૂર્વ કે પશ્ચિમ
  છતાં દશદશ દિશાની અટકળે બસ દોડતો રાખ્યો.

  આ અટકળો જ દોડાવે છે અને પછી ક્યારેક વિસામો પણ બની રહે છે.

 5. Bhavna Shukla said,

  September 10, 2007 @ 9:15 am

  સૂકા થડ ગોઠવી સમજી ચિતા હું સૂઈ જાતે પણ
  નવી ફૂટેલ તાજી કૂંપળે બસ દોડતો રાખ્યો……
  …………
  આહ્ હા…. મારી સુકી વિચારવેલીને લીલા-છમ્મ લયસ્તરો ફૂટ્યા…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment