સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

સૂની હવેલી છે – રમેશ પારેખ

હું જ્યાં વસું છું એ એવી સૂની હવેલી છે,
ભીંતોની જેમ હવા સ્તબ્ધ થઈ ઊભેલી છે.

શ્વેત કાગળનું સરોવર અવાક્ ઊભું છે,
બબડતી આંગળી કાંઠા ઉપર ઝૂકેલી છે.

કશું બચ્યું નથી ચારે દિશાના હોવામાં,
તમામ માર્ગને શેરી ગળી ગયેલી છે.

પ્રકાશ એટલે અંધારું માત્ર અંધારું,
આંખમાં દ્રશ્યની અફવા ઊડી રહેલી છે.

નનામો પત્ર લખું છું મને હું એવો કે-
‘તું પીવે છે તે નદીઓ તો ચીતરેલી છે.’

છે,પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે ?

ખબર નથી શું લખાશે બચેલા હિસ્સામાં,
મેં કોરા કાગળે મારી સહી કરેલી છે.

-રમેશ પારેખ

8 Comments »

  1. deepak said,

    July 24, 2012 @ 1:42 AM

    આફરિન!!!! અદ્ભભુત…

    શ્વેત કાગળનું સરોવર અવાક્ ઊભું છે,
    બબડતી આંગળી કાંઠા ઉપર ઝૂકેલી છે.

  2. વિવેક said,

    July 24, 2012 @ 2:26 AM

    છંદ-દોષને સહ્ય ગણીએ અને મોટા ગજાના કવિઓનો અધિકાર ગણીએ તો ખૂબ જ સરસ ગઝલ… બધા જ શેર મનનીય…

  3. Dr j k said,

    July 24, 2012 @ 5:17 AM

    તુમ્હારા ખુન ખુન…….હમારા ખુન પાની!!?? (મજ્જાક)

  4. r said,

    July 24, 2012 @ 8:45 AM

    પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
    પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે

  5. pragnaju said,

    July 24, 2012 @ 1:45 PM

    સ રસ ગઝલ
    આ શેર વધુ ગમ્યો

    પ્રકાશ એટલે અંધારું માત્ર અંધારું,
    આંખમાં દ્રશ્યની અફવા ઊડી રહેલી છે.

    તેની ગઝલના શેર યાદ
    આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
    ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

    ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
    રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

    તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
    પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

    ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
    હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

    થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
    તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

  6. Dhruti Modi said,

    July 24, 2012 @ 5:22 PM

    ખરેખર ખૂબ જ સરસ ગઝલ. બધાં જ શે’ર લાજવાબ છે.

  7. કિરણસિંહ ચૌહાણ said,

    July 25, 2012 @ 3:29 AM

    છે,પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
    પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે ?
    ખૂબ ઊંચી ગઝલ.

  8. P Shah said,

    July 30, 2012 @ 12:03 AM

    એક લાજવાબ ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment