કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?
વિવેક મનહર ટેલર

Intermediate Constant ની ગઝલ – હેમેન શાહ

છે ઉમર લંબી છતાં વર્ષો નિયત ક, ખ, કે ગ,
માંડ એમાં થઈ સરસ ક્ષણ હસ્તગત ક, ખ, કે ગ.

દોસ્ત હો, કે રેસ્ટોરાં હો, કે જળાશય જાદુઈ,
પેશ કરવાની તરસની સૌ વિગત ક, ખ, કે ગ.

ઘડ્ દઈને બંધ પુસ્તક થાય, બત્તી ઓલવાય,
ચૂં કે ચાં પણ ક્યાં કરી શક્શે તરત ક, ખ, કે ગ ?

લોહકણને એક ચુંબકક્ષેત્ર છે, મારા ઉપર
એક સાથે કંઈ પરિબળ કાર્યરત્ ક, ખ, કે ગ.

આ ખરા ખોટા વિકલ્પો કંઠ રૂંધી નાખશે,
બસ કરી દો બંધ આ મેલી રમત :’ક, ખ, કે ગ ?’

-હેમેન શાહ

પ્રતિભા કોટેચાએ મુંબઈ સમાચાર (૧૪-૦૫-૧૯૮૯)માં કરાવેલ આ ગઝલના સુંદર રસાસ્વાદને સંક્ષિપ્તમાં માણીએ:

આપણી ઉમર ગમે એટલી લાંબી હોય છતાં જેમ કક્કામાં સ્વર-વ્યંજનની સંખ્યા નિયત છે એમ એક નિયત આંકડે એનો અંત નિશ્ચિત છે. અને આ લંબી ઉમરમાં સારી વીતેલી ક્ષણો કેટલી? વીસ, બાવીસ કે પચ્ચીસ… માત્ર ક, ખ, કે ગ-આંગળીને વેઢે ગણાય એટલી.

આપણી તરસનાં અનેકાનેક રૂપ હોય છે. આ તરસ મિત્ર પાસે સ્નેહની હોય કે હૉટલમાં ઠંડા પીણાંની હોય. ‘જળાશય જાદુઈ’માં મહાભારતનો સંદર્ભ યાદ આવે. યક્ષના પ્રશ્નોનો ઉત્તર આપ્યા વિના વનમાં જળાશયનું પાની પીનાર ચારે પાંડવો મૃત્યુ પામે છે. યુધિષ્ઠિર યક્ષને ઉત્તર આપી બધાને બચાવી લે છે. આપણે પણ દરવખતે તરસ છિપાવતાં પહેલાં ઘણા સવાલોનું સમાધાન કરવું પડે છે.

રાત્રે ઊંઘ આવતાં આપણે નાઈટ-લેમ્પ ઓલવીને પુસ્તક ધડ્ દઈને બંધ કરી દઈએ છીએ ત્યારે બિચારા અક્ષરો ક, ખ, કે ગ કશું બોલી શક્તા નથી. ચૂં કે ચાં પણ કરી શક્તા નથી.

આપણા લોહકણ પર તો એક જ ચુંબકીયક્ષેત્ર અસર કરે છે પણ આપણા પર તો કેટલાંયે પરિબળો કામ કરતાં હોય છે-ઘર,આડોશપાડોશ, ઑફિસ, સમાજ…. આપણે કેટલીયે દિશાઓમાં ખેંચાવું પડે છે. આ દિશાઓ અને પરિબળો પછી ક હોય, ખ, કે ગ હોય…

જીવનના દરેક ક્ષેત્રે માણસ સામે વિકલ્પોની જટાજાળ ફેલાયેલી હોય છે. આ વિકલ્પો ખોટા જ હોય એવું નથી, પરંતુ આ બધાની તકલીફ એ છે કે માણસને કોઈ એક ચોક્કસ માર્ગ તરફ વધતાં અટકાવે છે. અને ક્યારેક આપણને એવા રૂંધી નાંખે છે કે આપણે ચિત્કારી ઊઠીએ છીએ: બસ કરી દો બંધ આ મેલી રમત :’ક, ખ, કે ગ ?’

8 Comments »

 1. સુરેશ જાની said,

  August 21, 2007 @ 9:29 am

  બહુ જ સરસ રચના. સાવ નવો જ વીચાર. તારું રસ દર્શન તો બહુ જ ગમ્યું. ‘જાદુઈ જળાશય’ તેં ન સમજાવ્યું હોત તો ન જ સમજાત.

  એક નમ્ર અંગુલી નીર્દેશ-
  “આપણા લોહકણ પર તો એક જ ચુંબકીયક્ષેત્ર અસર કરે છે પણ આપણા પર તો કેટલાંયે પરિબળો કામ ….. ”
  આ વાક્યમાં પહેલો શબ્દ ‘ આપણા’ ન હોય તો અર્થ બરાબર બેસે છે.
  વાંક દેખાપણા માટે ક્ષમા કરજે, દોસ્ત!
  આ વીકલ્પોની કવીતા વાંચીને એક બહુ જ પ્રેરણાદાયી જીવનપ્રસંગ યાદ આવી ગયો.
  આપણી પાસે દરેક ત્રીભેટે બે જ વીક્લ્પ હોય છે – આનંદમાં રહેવું કે નહીં. અને તે સત્યકથાનો નાયક હમ્મેશ આનંદી રહેવાનો વીકલ્પ જ સ્વીકારે છે, અંતીમ ક્ષણ સુધી.

 2. raeesh maniar said,

  August 21, 2007 @ 10:13 am

  વિવેક
  સુન્દર ગઝલ. ‘ક ખ કે ગ’ ગાગાલગાના માપમાં છે, તે નોંધ્યું ?

 3. પંચમ શુક્લ said,

  August 21, 2007 @ 12:37 pm

  ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
  આજ છંદ-વિધાન થશે ને વિવેક્ભાઇ, રઇશભાઇ?
  એટલે ‘ક ખ કે ગ’ -> ગાલગા માં ફીટ થશે ??

  નવો જ પ્રયોગ…નવી વાતો અને ૧૯૮૯નું પણ તરોતાજા લાગતું રસદર્શન.

 4. nilam doshi said,

  August 21, 2007 @ 11:11 pm

  very nice and noble work.. congrats for that..

 5. વિવેક said,

  August 22, 2007 @ 1:26 am

  પ્રિય રઈશભાઈ,

  છંદ ચકાસ્યા વિના અહીં ગઝલ ન મૂકાય એની અમે પૂરતી કાળજી લેવાની કોશિશ તો કરીએ જ છીએ… (ભૂલ-ચૂક લેવીદેવી!! 🙂 ) આપની ઉપસ્થિતિ એ જ અમારો પુરસ્કાર છે…

  અને હા, પંચમભાઈ,

  આપે કહ્યો એ જ છંદ છે. અહીં ‘ક’, ‘ખ’ અને ‘ગ’ – ત્રણેય એકાક્ષરી શબ્દો ગુરુ તરીકે પ્રયોજાયા છે.

 6. Chetan Framewala said,

  August 22, 2007 @ 6:31 am

  હેમેનભાઈ ને ૧૮મી ઑગસ્ટ નાં આઈ.એન. ટી. મુશાયરામાં સાંભળવા મળ્યા.
  આ મુશાયરામાં એમણે રજુ કરેલી એક ગઝલ ….

  વિચારો નિરંકુષ જવા આવવા દે
  અજાણી દિશાથી હવા આવવા દે.

  તું રેખાઓ છોડીને રંગો જતા કર
  એ વહેતા રહીને પુર્વા આવવા દે.

  કદી મુક્ત મનથી ખડખડ હસી પડ
  કદી નીચે ઉન્નત ભવા આવવા દે.

  નથી આભ બદલી શકાતું એ માન્યું,
  જરા પંખીઓ તો નવા આવવા દે!

  બધે નામ સરનામું જાહેર ના કર,
  જગતને પછી પુછવા આવવા દે.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 7. વિવેક said,

  August 22, 2007 @ 8:11 am

  વાહ ચેતનભાઈ,

  પ્રતિભાવમાં હેમેનભાઈની સુંદર ગઝલ પીરસી દીધી… ખૂબ ખૂબ આભાર…

 8. ravindra shah said,

  August 22, 2007 @ 1:46 pm

  બહુજ ઊંડા વીચારો માં લઈ જવા બદલ ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment