સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
- અખો

નથી જો લાગણી તો શું થયું? – હિમાંશુ ભટ્ટ

નથી જો લાગણી તો શું થયું ? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.

નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની કેટલીક ગમતી ગઝલોમાંની મારી એક પ્રિય ગઝલ.  બધા શેર ખૂબ જ ગહન અને સુંદર થયા છે… એક તરફ સખીનાં શણગારવાળા શેર પર આપોઆપ આફિન થઈ જવાય છે તો બીજી તરફ સફળતાથી છકી ન જવાય એ માટેની કવિની સલાહ પણ પરાણે ગમી જાય એવી છે.   લગભગ ચારેક વર્ષ પહેલા આ ગઝલ હિમાંશુભાઈએ એમના કાવ્યપઠન સાથે ગાગરમાં સાગરની બીજી વર્ષગાંઠની ઉજવણી વખતે મોકલાવી હતી… એ જરૂરથી સાંભળશો. (હવે બીજી નવી નક્કોર ગઝલો મોકલવાનો સમય થઈ ગયો છે, હિમાંશુભાઈ! 🙂 )  કવિનાં સ્વમુખે એમની જ ગઝલનું કાવ્યપઠન સાંભળવું, એ પણ એક ખૂબ જ મજાનો લ્હાવો છે.  આની સાથે મને એમની એક ગઝલનો અમર થવાને સર્જાયેલો મારો એક ખૂબ જ પ્રિય શેર યાદ આવે છે – ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

10 Comments »

  1. Rina said,

    May 24, 2012 @ 11:06 AM

    Awesome……

  2. ડૉ.મહેશ રાવલ said,

    May 24, 2012 @ 11:42 AM

    વાહ ભટ્ટજી…!
    બહુજ સુંદર,લયબદ્ધ ગઝલ બની છે -અભિનંદન.

  3. Manubhai Raval said,

    May 24, 2012 @ 12:54 PM

    સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
    જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

    આમતો આ ગઝલ પ્રગતી માટે કોઇને પગથીયુ બનાવી પછી તેનાથી સંબંધ તોડ્યા પછી ઘવાયેલા
    મનની વ્યથા મને લાગે છે. ” ગરજ સરે વૈદ્ય વેરી “. મારા ૭૨ વર્ષના વીતાવેલા જીવનની વ્યથા પાંચ
    શેરમાં જણાવી દધી. કાબીલે દાદ ગઝલ. ધન્યવાદ લયસ્તરો ને આ ગઝલ આપવા માટે અને
    લાખલખ સલામ હિમાંશુ ભટ્ટ ને.

  4. Kalpana said,

    May 24, 2012 @ 5:25 PM

    સરસ ગઝલ. મનના ભાવો ગઝલ થઈને જ રહ્યા.આભાર.

  5. Dhruti Modi said,

    May 24, 2012 @ 8:22 PM

    સરસ લયબદ્ધ ગઝલ.

  6. Darshana Bhatt said,

    May 24, 2012 @ 8:38 PM

    મને તો પહેલો શેર જ અસર કરિ ગયો.સુન્દર ગઝલ.

  7. Himanshu Bhatt said,

    May 24, 2012 @ 9:39 PM

    I am so glad that Vivek liked and posted this ghazal. This is one of my favorites as well. While other shers unfold readily, I am also partial towards

    સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
    કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

    Essentially, one tries to fit into a friend circle, or in a group, without developing any intimacy with the individuals within. Often the pressure to fit in causes one to lose her own identity. While these groups may serve a social purpose, often, its better to develop one-on-one relationships, friendships rather than relying solely on these circles, groups, etc., to develop meaningful rapport and relationships, and more importantly to not lose your own identity. I may have some work to do as the sher has not come out spontaneously and hit the readers.

    Funny episode about the “સખી” sher…

    While on a trip, I had originally transcribed this sher on my Blackberry’s notepad, so in English. After getting home, reading the sher back, I read “hate-nu”, instead of “હેતનું કાજળ”… We all know that any સખી, when annoyed, is very capable of this as well 🙂

    Thanks!

  8. વિવેક said,

    May 25, 2012 @ 2:09 AM

    પ્રિય હિમાંશુભાઈ,

    બે વાત કહીશ.

    એક, આ ગઝલ ઊર્મિએ પોસ્ટ કરી છે, મેં નહીં…

    બીજું, જે શેર માટે આપને પક્ષપાત છે એ જ શેર મારો પણ ચહીતો છે. વર્તુળના ખૂણાઓવાળા શેરમાં જે ઊંડાણ છે એ અદભુત છે…

  9. alpeshvinchhi said,

    May 25, 2012 @ 6:07 AM

    બહુ જ સરસ

  10. ડેનિશ said,

    May 26, 2012 @ 10:14 AM

    સુન્દર રચના!
    લગભગ બધા જ શેર ગમી જાય એવા છે . મત્લા ને મક્તા પણ સચોટ .
    વર્તુળના ખૂણાઓ(!) શોધવાની વાત નાવીન્યપૂર્ણ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment