‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
મનહરલાલ ચોક્સી

ટહુકાનું તોરણ – મકરંદ દવે

પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
ઊગતી પરોઢને બારણે,
આ તેજની સવારી કોને કારણે ?

નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર,
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂરચૂર;
એવી ગૂંથેલ અહી સાચની સગાઇ
એક તારાથી પંખીને પારણે,
આ તેજની સવારી કોને કારણે ?

પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
ઊગતા સૂરજની લાલી,
કોણ જાણે કેમ એવું સારું લાગે છે, મારે
અંગ અંગ ખેલતી ખુશાલી;
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
ભૂલ્યા-ભુલાયા સંભારણે,
આ તેજની સવારી કોને કારણે ?

-મકરંદ દવે

એક ઉત્તમ ઊર્મિકાવ્ય ……

8 Comments »

 1. dr>jagdip said,

  March 19, 2012 @ 5:25 am

  ચાંચમાં એક બુંદ ને ચુંટી ગયું
  હાશની ગાગર ભરી લુંટી ગયું

  પાંખનાં વિસ્તારનું પુછો નહીં
  આજ જાણે આભ પણ ખુટી ગયું

  શીત લહેરો, ને ઉષા, ઝાકળ, કોઇ
  કંઠમાં એક સામટું ઘુંટી ગયું

  સહેજ ડાળી થરથરી ને ઉંઘમાં
  સ્વપ્ન માળાનું હતું, તુટી ગયું

  એક પીંછુ વ્યોમમાં ખરતું, અને
  શ્વાસનું વળગણ પછી છુટી ગયું
  ડો. નાણાવટી

 2. Lata Hirani said,

  March 19, 2012 @ 6:26 am

  સવાર ખુલીને ખીલી ગઇ…

 3. વિવેક said,

  March 19, 2012 @ 8:18 am

  ઓહ માય ગૉડ ! આ ગીત લયસ્તરો પર હતું જ નહીં ! મારું અતિપ્રિય ગીત… ફરી ફરીને માણવું ગમે એવું!!!

 4. pragnaju said,

  March 19, 2012 @ 9:57 am

  નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
  આભના સંબંધનો સૂર,
  એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
  આખું બ્રહ્માંડ ચૂરચૂર;
  એવી ગૂંથેલ અહી સાચની સગાઇ

  ગૂઢ અધ્યાત્મ અને સૂરના કવિએ, આ ગીતમા બન્નેની મધુરી ગુંથણી કરી છે.
  આવી ગૂંથણીનો ઢીલો તાર કવિ વિવેકને જોવામા આવ્યો
  અને રચાયું
  ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
  ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
  ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
  બાકી આ સંવેદના કવિની કલમે વધુ સમજાય/મણાય
  આ માળો છે -બિલ્ડરે બાંધેલ મકાન નથી!

 5. Dhruti Modi said,

  March 19, 2012 @ 4:34 pm

  અદ્ભૂત ગીત.

 6. P. Shah said,

  March 20, 2012 @ 1:45 am

  ફરી ફરીને માણવું ગમે એવું સુંદર ગીત !
  આભાર !

 7. vineshchandra chhotai said,

  March 20, 2012 @ 3:26 am

  પ્રથમ , વન્દન , મક્રન્દભઐ ઉતમ , બહુજ ગમ્તિ વાતો નો ગેીત મા સમ્વિસ્ત કરયો , આભ્ર્ર્ર્ર્ર્ર્…….

 8. devika Dhruva said,

  March 22, 2012 @ 7:12 pm

  કામ કરતા કરતા કે ચાલતા ચાલતા પણ ગણગણવું ગમે અને મમળાવવુ ગમે એવું મીઠું ને મધુરૂ મસ્તમસ્ત ગીત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment