પોટલાં ક્યારેય ઊંચક્તો પવન ?
બોજને બાળી-પ્રજાળીને ઊડો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – હેમેન શાહ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !

જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

-હેમેન શાહ

હેમેન શાહ વ્યવસાયે મુંબઈગરા તબીબ છે પણ કવિતાના દર્દનો વધુ અક્સીર ઈલાજ કરી શકે છે. શબ્દો એમની પાસે રુગ્ણની જેમ આવે છે અને અર્થનું આરોગ્ય પામીને પાછા ફરે છે. ત્રિપદી એમની ખાસિયત તો ગઝલ પ્રાણવાયુ છે. હેમેન શાહ પોતાની ગઝલ વિશે કહે છે, “સાહેબ, ગઝલની વાત જ કંઈ ઓર છે. શે’રના બે મિસરા જાણે ચકમકના પથ્થર છે અને ગઝલનું તત્ત્વ છે એ બેના ઘસાવાથી થતો તણખો. જે બે હાથોએ ચકમકના પથ્થર પકડ્યા છે એ અદૃશ્ય છે. એ અદૃશ્ય હાથ શે’રના અધ્યાહાર અને અભિપ્રેત અર્થો છે અને તણખો પેદા કરવાનું એ જ પરિબળ છે. રજૂઆતની ઢબ જ્યારે ઉચિત મળે છે ત્યારે ગઝલને વિષયની મર્યાદા બહુ નડતી નથી. પરંતુ ઘણીવાર સરળ વાત પણ ગાંડીવની માફક હાથમાંથી સરી જાય છે.” પ્રસ્તુત ગઝલના પાંચ શે’ર પાંચ તણખાઓથી એવા તણખા-મંડળનું સર્જન કરે છે કે ભાવકના મનમાં લાંબો સમય ટકી રહે એવો પ્રકાશ પથરાઈ જાય છે.

કાવ્યસંગ્રહ: ‘ક, ખ, કે ગ…’, ‘લાખ ટુકડા કાચના’, ‘-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ’ (પ્રતિનિધિ કવિતા). જન્મ: 09-04-1957

8 Comments »

 1. ધવલ said,

  July 5, 2007 @ 9:22 pm

  આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
  એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

  ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
  એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

  – સરસ !

 2. પંચમ શુક્લ said,

  July 6, 2007 @ 7:31 am

  ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
  એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

  બહુ સરસ વાત કરી છે.
  કોઇ પણ વસ્તુનું મમત્વ એક હદથી વધારે વધી જાય તો અભિશાપ બની જાય.
  જેમ ભરત હરણને ચાહવામાં જડભરત બને.

  જો કાવ્યસંગ્રહ હાથવગો હોય તો ‘ક, ખ, કે ગ…’,માંથી થોડા કાવ્યોનો લાભ આપી કવિતાનો ભૂલાયેલો કક્કો ઘૂંટાવો.

 3. Harshad Jangla said,

  July 6, 2007 @ 10:24 pm

  મને તો હેમેનભાઈની સારવાર નો લાભ તો મળ્યો જ છે મુંબઈ માં પણ તેમને સ્વમુખે કાવ્ય સાંભળવાનો મોકો પણ નરીમાન પોઈંટના એક સભાગ્રુહમાં મળી ગયો હતો.
  આભાર હેમેનભાઈ

  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા યુ એસ એ
  જુલાઈ ૬ ૨૦૦૭

 4. કસુંબલ રંગનો વૈભવ said,

  July 7, 2007 @ 3:27 am

  સરસ
  ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
  એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

 5. ashish pandya said,

  July 9, 2007 @ 1:45 am

  જ્યાર થી મે ત્મ્ને જોયા છે તમારી આખો મ્ને યાદ છે. જ્યાર થી મે ત્મ્ને જોયા છે તમારા કેશુ મ્ને યાદ છે. જ્યાર થી મે ત્મ્ને જોયા છે તમારુ મન્દ મન્દ હાસ્ય મ્્ને યાદ છે. જ્યારે ત્મ્ને નથી જોતો ત્યરે યાદ ક્રુ એ જ યાદ ને જ્યારએ મે ત્મો ને જોયા હ્તા યાદ રાખવા ને જ યાદ ક્રુ છ્હુ ક્દાચ ને હુ ભુલી ન જાઉ કે મે ત્મોને જોયા હ્તા.

 6. ઊર્મિ said,

  July 9, 2007 @ 11:30 am

  ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
  એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

  વાહ…. ખૂબ જ સરસ વાત… સોંસરવી ઊતરી ગઈ!

  ખૂબ જ સ-રસ અને ખરેખર તણખાંશીલ ગઝલ છે હોઁ!

 7. Pragna said,

  September 1, 2007 @ 6:41 am

  જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
  ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.
  સનાતન સત્ય………………..!

 8. Manan Desai said,

  July 28, 2011 @ 12:22 pm

  જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
  ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

  થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
  નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

  ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
  એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

  ખુબ સુન્દર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment