જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.
આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર
– દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

‘વીસમી સદી’ અને હાજીમહમ્મદ અલ્લારખા શિવજી

veesami sadi Haji Mohammad Allarakha Shivji

‘વીસમી સદી’ સામયિકનું નામ પૂછો તો સો માંથી નવ્વાણું જણાએ માથુ ખંજવાળવાનો વારો આવે. અને એમનો વાંક પણ નથી. આ ‘વીસમી સદી’ સામાયિક માત્ર પાંચ વર્ષ ચાલેલું અને એ પણ છેક 1916થી 1920માં. તો તમે કહેશો કે ભલા માણસ આવા તો કેટલાય સામાયિક આવ્યા ને ગયા એમાં આ ‘વીસમી સદી’ની વાત આજે માંડવાની જરૂર શું છે ? – જરૂર છે. ‘વીસમી સદી’ અને એના સ્થાપક હાજી મહમ્મદ અલ્લારખા એ ગુજરાતી સાહિત્યને માટે જે કામ કરેલું છે એ હંમેશા સુવર્ણઅક્ષરમાં લખાયેલું રહેવાનું છે.

વાત માંડીને કરું તો હાજીમહમ્મદ એક શ્રીમંત કુટુંબમાં જન્મેલા. પિતાની પેઢીમાં બેસવા સિવાય એમણે કાંઈ કરવાની જરૂર હતી જ નહીં. પણ કિસ્મતનું કરવું કે એમને સાહિત્યનો શોખ લાગ્યો. કવિઓ સાહિત્યકારો સાથે રોજની બેઠક થઈ ગઈ. નરસિંહરાવ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ, રણજીતરામ બધા એમના મિત્રો. ઘરના પૈસા કાઢીને એ કલાનો પ્રચાર કરવાનું કામ કરતા. એમણે એ જમાનામાં ‘વીસમી સદી’ નામના રંગીન અને સચિત્ર સામાયિકની યોજના ઘડી. સાથે લીધા કલાગુરુ રવિશંકર રાવળને. સામયિકનું બધુ ટેકનિકલ કામ લંડનમાં કરાવેલું. ‘વીસમી સદી’માં પાને પાને ચિત્રો. એક એક કવિતા કે ગીતને રવિશંકર રાવળની પીંછીંનો લાભ મળતો. ટૂંકમાં, હજુ આજે પણ પ્રગટ નથી થતું એટલું સુંદર સામયિક હાજીમહમ્મદે નેવું વર્ષ પહેલા પ્રગટ કરેલું. અહીંથી આગળની વાત દિલ તૂટી જાય એવી છે. ઘર બાળીને તીરથ કરવાની વાતમાં હાજીમહમ્મદે પોતાના બધા પૈસા ગુમાવ્યા, ઘર ગુમાવ્યું અને દેવું કર્યું તે અલગ. 1921માં એમના ગયા પછી ‘વીસમી સદી’ બંધ થઈ ગયું.

પણ ‘વીસમી સદી’ની જે ધૂણી હાજી મહમ્મ્દે ધખવેલી તે ખાલી ગઈ નહીં. એમાં તૈયાર થયેલા રવિશંકર રાવળે ‘વીસમી સદી’ પરથી પ્રેરણા લઈ નવું સામાયિક અમદાવાદમાં ચાલુ કર્યું. અને તે માસિક તે ગુજરાતી સાહિત્યનો મોભ – ‘કુમાર’.

આ આખી વાત આજે એટલા માટે લઈને બેઠો છું કે ‘વીસમી સદી’ હવે આપ બધા માણી શકો છો. હા, ‘વીસમી સદી’ના બધા અંક હવે ઈંટરનેટ પર ઉપલબ્ધ છે ! નવનીતલાલ શાહ, રજનીકુમાર પંડ્યા અને ધીમંત પુરોહિતે મળીને ‘વીસમી સદી’ને છાજે એવી સરસ વેબસાઈટ બનાવી છે. એના પર આપ ‘વીસમી સદી’ના બધા અંકો એના મૂળ કલેવરમાં જોઈ શકો છો. લેખકના નામ કે ચિત્રકારના નામ પ્રમાણે બધી રચનાઓ ઝડપથી શોધી શકો એવી સગવડ પણ કરી છે. આ વેબસાઈટ જોઈને તમે મોંમા આંગળા ન નાખી જાવ તો પૈસા પાછા ! અને હા, ‘વીસમી સદી’ વાંચો ત્યારે હાજીમહમ્મદ અને એમની દરિયાદિલીને યાદ કરવાનું ચૂકશો નહીં.

(હાજી મહમ્મદ અલ્લારખાનું ચિત્ર: રજની વ્યાસ)

5 Comments »

  1. વિવેક said,

    July 4, 2007 @ 10:34 PM

    ખૂબ સુંદર માહિતી આપી, મિત્ર ! થોડા દિવસો પહેલાં જ ‘પરબ’ સામયિકમાં ‘વીસમી સદી’ના ખૂટતાં અંકો કોઈ પાસે પડ્યા હોય તો મોકલી આપવાની વિનંતી કરતી જાહેરાત વાંચી હતી. પણ એમાં પણ આખી આ વાત વિશે કશો ફોડ પાડ્યો ન્હોતો. આ માહિતી આપીને તેં તો આખેઆખો ગૌરવાન્વિત ભૂતકાળ જ જીવતો કરી દીધો… આવું થાય ત્યારે ગાલિબના શે’રને જૂઠા પડવાનો વખત આવે-

    महेरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
    मैं गया वक्त नहीं हूँ कि फ़िर आ भी न सकूँ ।

  2. સુરેશ જાની said,

    July 5, 2007 @ 7:32 AM

    તેમના જીવન વીશે જાણો –
    http://sureshbjani.wordpress.com/2006/11/27/hajimahammad/

  3. પંચમ શુક્લ said,

    July 6, 2007 @ 7:23 AM

    એ નવ્વાણું જણમાં હું પણ ખરો જ ધવલભાઇ!

    બહુ જ સુંદર માહિતી. હાજીમહમ્મદ જેવા બે પાંચને લીધે જ ગુજરાતી સાહિત્યનું ગાડું ગબડતું રહ્યું છે- બાકી ‘શું શા પૈસા ચાર’ વાળા ઘર બાળીને તીરથ કરતાં હશે!

    લયસ્તરો આ જ રીતે આગળ વધે એવી શુભેછાઓ.

  4. HATIM THATHIA said,

    June 15, 2012 @ 10:31 AM

    Dear Dhavalbhai. many thanks for brief but rich info. since long thinking about
    Vismi Sadi and Hajee Mohammad Shivajee Allarakhia but I got the ray to go ahead. do you know somebody ready to sell all or whatever available copies of vismi sadi ready to buy at any reasonable cost.I remember when I was in L.M.C.P College Ahmedabad 63 to 68 how the second jogi-YOGI-Bachubhai Ravat has devoted his life for Kumar. salam to all Gujaratis who has sacrified lives for our Gurjari Hatim Bagasrawala -Thathia

  5. ધવલ શાહ said,

    June 15, 2012 @ 7:16 PM

    Dear Hatimbhai, Thanks for your compliments. I don’t know if someone would have old issues for sale. You may want to contact the editor / creators of the site. They may know someone.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment