સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

પારિજાત છીએ – ભગવતીકુમાર શર્મા

અમે તો તત્ત્વની સાથેના તાલ્લુકાત છીએ,
અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ.

અમે સુગંધનો સોના પે દ્રષ્ટિપાત છીએ,
ધરો જો મૂર્તિને ચરણે તો પારિજાત છીએ.

ફળે જો સ્વપ્ન તો ઝળહળ અમે પ્રભાત છીએ,
તૂટે જો સ્વપ્ન તો ફૂલોનો અશ્રુપાત છીએ.

અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી,
અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ !

છે વ્યર્થ શોધ અમારી સળંગ હસ્તીની,
અમે આ વિશ્વમાં કેવળ પ્રસંગોપાત્ત છીએ.

સમુદ્રમોજું ધસે ત્યાં સુધી તો ક્ષેમકુશળ,
અમે તો રેત પે ચીતરેલી રમ્ય ભાત છીએ !

યમુના હો કે હો દરિયો થઈ જશે રસ્તો,
અમે પ્રભુનાં ચરણ પરનો પક્ષપાત છીએ.

-ભગવતીકુમાર શર્મા

ઈશ્વરના ચરણ પરનો પક્ષપાત હોવાની જેને શ્રદ્ધા છે એને કોઈ દરિયો કે નદી માર્ગ આપવાનું ચૂકતી નથી… કેવી સુંદર રજૂઆત! ભગવતીભાઈની આ ગઝલ એમની શિરમોર ગઝલોમાંની એક છે. પોતાના હોવા અંગેના અલગ-અલગ કલ્પનો લઈને આવતા દરેક શેર વારંવાર મમળાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ બન્યા છે. ( સુરતી કવિની ગઝલને વખાણવી હોય તો ‘સ્વાદિષ્ટ’થી વધારે મૂલ્યવાન બીજો કયો શબ્દ હોઈ શકે અને પાછો વખાણનાર પણ સુરતી જ હોય ત્યારે તો…. !)

4 Comments »

  1. jayshree said,

    June 10, 2007 @ 3:46 AM

    મજા આવી હોં…. સુંદર ગઝલ.

    અને આ શેર વાંચીને તો હસવું પણ આવી ગયું .

    અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી,
    અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ !

    મને તો એક કે ફલાણા – ઢીકણા જેવા શબ્દો ગઝલમાં ન આવે. 🙂

  2. પંચમ શુક્લ said,

    June 10, 2007 @ 5:55 AM

    સુંદર ગઝલ…..

    અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી,
    અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ !

    આધુનિક ગઝલને સ્વરૂપ શબ્દો કે ભાવનો છોછ નથી એ એની મર્યાદા ગણો કે ઉપલબ્ધી…. કદાચ એટલે એ બીજા કાવ્ય પ્રકાર કરતાં લોકોની વધુ નજીક અને કવિઓનો ગમતો પ્રકાર હોઇ શકે. ગુજરાતી ગઝલ અનેક બંધનો, વાડાઓ વળોટી સમષ્ટી સાથે એકરસ થઇ ગઇ છે.

  3. AFTAB said,

    June 11, 2007 @ 6:32 AM

    આ સરસસ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ

  4. ધવલ said,

    June 11, 2007 @ 7:34 PM

    અમે તો તત્ત્વની સાથેના તાલ્લુકાત છીએ,
    અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ.

    – સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment