પૃષ્ઠે પૃષ્ઠે મળશે તમને,
સ્નેહ નથી સાંકળિયા જેવો.
સાહિલ

ગુપત, પ્રગટ – અમૃત ઘાયલ

તલ તિલક લટ તખત મુગટ શું છે !
જો નથી કૈં ગુપત, પ્રગટ શું છે !

હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે – પટ શું છે !

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે !

ડૂબવાની ન છૂટ તરવાની,
તો પછી સિંધુ શું છે તટ શું છે !

જૂઠને પણ હું સાચ સમજું છું,
મારી જાણે બલા કપટ શું છે !

વ્હેલા મોડું જવું જ છે તો રામ,
શી ઉતાવળ છે એવી ઝટ શું છે !

કોઈ પણ વેશ ભજવે છે માનવ
એ નથી જો મહાન નટ શું છે !

અંત વેળા ખબર પડી ‘ઘાયલ’
તત્ત્વત: દીપ શું છે ઘર શું છે !

 

ઘાયલસાહેબની એક લાક્ષણિક ગઝલ….

5 Comments »

 1. P Shah said,

  November 14, 2011 @ 1:40 am

  તત્ત્વત: દીપ શું છે ઘર શું છે !…

  નાવિન્યસભર ગઝલ !

  આનંદ થયો.

 2. હેમંત પુણેકર said,

  November 14, 2011 @ 6:04 am

  કંઈક અલગ જ! મજા આવી!

  છેલ્લા શેરમાં ઘટ શું છે એમ હોવું ઘટેઃ)

 3. pragnaju said,

  November 14, 2011 @ 8:24 am

  આજે ગુજરાતી કવિતાના માતબર પ્રયોગશીલ શાયર…જનાબ અમૃત ઘાયલ. એમણે ગઝલને સહજપણે બોલી શકાય એવી ભાષાનો લહેકો આપ્યો.ઘાયલસાહેબની અલગ મીજાજન ગઝલ ધીરે ધીરે વારંવાર માણતા સહજ દાદ અપાય
  વાહ્
  આ ગુપત રસનો ખેલ છે અટપટો,
  આંટી મેલો તો પૂરણ સમજાય…
  કવિશ્રી હેમંત નો પ્રતિભાવ વાંચતા પહેલા છેલ્લે કાંઇક અડવું લાગતું હતું તે લયમા આવી ગયું!
  માણતા માણતા કવિ શ્રી રાજેન્દ્ર શુકલ નો સ્વર નો ગુંજારવ થવા લાગ્યો
  કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
  મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

  ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
  લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

  લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
  શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

  પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
  આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

  પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
  એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

  ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
  હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

  હર શ્વાસ જ્યાં જઇને ઉછ્વાશને મળે છે
  સ્થળ જેવું નથી તો ઝળહળ પડાવ શું છે ?

 4. વિવેક said,

  November 14, 2011 @ 8:39 am

  સુંદર ગઝલ…

 5. Deval said,

  November 14, 2011 @ 11:03 pm

  Ghayal saheb ni aa rachana kyarey nohti vanchi…maja aavi…thanx for sharing 🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment