અવતાર એળે જાય છે એ જાણવા છતાં,
ના મન મહીંથી ચપટી અહંકાર નીકળ્યો.
-સાહિલ

દાઢી દા.ત. સિતાંશુ યશશ્ચંદ્રની – ઉદયન ઠક્કર

પ્રેમાનંદની ચોટલીને
સિતાંશુની દાઢી સાથે જોડતી રેખા દોરો
હવે ગણો
કેટલાં માથાં એની ઉપર નીકળી શક્યા છે?

*

બધાને હતી આમ તો
બાકીનાએ રોકડી કરી લીધી
દાઢીના દોઢસો
ચોટલીના ચારસો

*

રોજ રાતે ઊગે
ટમક ટમક
સપનાના લયમાં
સવારે
ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરે

*

સુંવાળા ચહેરા સહેલા હોય
હાથ ફેરવીએ તો હાથમાં કશું ન આવે

દાઢીનો વાળ ઝાલી
છલાંગી શકાય
અર્થોને પેલે પાર

જોકે પડી જાય
ભૂલકાંઓ તો

*

ગુફામાનવને પણ હતી
એ પીંછી બોળતો
સાબુમાં નહિ
રંગોમાં
ભીંતો ચીતરતો

આપણે ભીંત ભૂલ્યા છીએ
બોળી બેઠા છીએ

– ઉદયન ઠક્કર

ઉદયન મોટા ગજાની વિનોદવૃત્તિનો માલિક છે. એનો વ્યંગ સુંવાળો છે ને ધ્યાનથી ન વાંચો તો તદ્દન ચૂકી જાવ એવો સૂક્ષ્મ છે. સર્જનશક્તિને પહેલા એ ખૂબીથી દાઢી સાથે સાંકળી લે છે. તે પછી એનો ઉપયોગ કરીને વિનોદ-વ્યંગની મીઠી ચાસણી પાડે છે. આટલો સૂક્ષ્મ વિનોદ કાવ્યમાં ભાગ્યે જ દેખાય છે.

તા.ક. આખી કવિતાની સમજ ઉમેરી છે.

(૧) કવિતા ઘટતી જતી સર્જનાત્મકતા (creativity) પર વ્યંગ છે. પ્રેમાનંદની ચોટલી અને સિતાન્શુની દાઢીને જોડતી રેખા – સર્જનાત્મકતા એક લેવલ – સુધી બહુ ઓછા લોકો પહોચી શક્યા છે. આ પહેલી કણિકાથી કવિ સર્જનાત્મકતાને દાઢી સાથી સાંકળી લે છે. બાકીની કવિતા માટે દાઢી=સર્જનાત્મકતા એવું સમજવું.

(૨) સર્જનશક્તિ આપણા બધા પાસે હતી પણ, મોટાભાગના લોકો પૈસા પાછળ દોડવામાં ખરા સર્જનને ભૂલી જાય છે.

(૩) ઢાંકણીમાં પાણી લઈને દાઢી કરવાનો પહેલા રીવાજ હતો. એને સાંકળીને રોજ રાત્રે ઉગતી દાઢી, સવારે ઢાંકણીના પાણીમાં ડૂબી મરે એવું કલ્પન રચ્યું છે. અર્થ એવો પણ થાય કે રોજ રાત્રે કલ્પના-સપના-સર્જનમાં રચતા આપણે, સવારે ક્રૂરતાથી એનું ‘વિમોચન’ કરી નાખી ‘રુટિન’ જીંદગીમાં લાગી જઈએ છીએ.

(૪) નો અર્થ આ સંદર્ભે સીધો સમજી શકાય એમ છે.

(૫) ગુફમાનાવો પણ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરતા. એ ય ગુફાચિત્રો બનાવતા (- જો કે એ દાઢીથી નહોતા બનાવતા!). પણ આપણે, આટલા આગળ વધ્યા પછી ઓછા સર્જનાત્મક થતા જઈએ છીએ. Creativityની દાઢી બોડાવી જીંદગીની ધૂંસરી ખેચે રાખીએ છીએ.

8 Comments »

  1. તીર્થેશ said,

    September 6, 2011 @ 1:26 AM

    good good good good……..

  2. વિવેક said,

    September 6, 2011 @ 3:35 AM

    તીર્થેશના ‘ગુડ ગુડ ગુડ ગુડ’માં મારી દાઢી પણ બોળી દઉં છું…

  3. divya parekh said,

    September 6, 2011 @ 6:38 AM

    વિવેકભાઈ, બધી જ કણિકાઓનુ અર્થ ઘટન કરશો?

  4. Deval said,

    September 6, 2011 @ 8:57 AM

    ‘Gujarati Kavita Chayan’ 2007 (Sampadak – Sanju Wala) ma aa kavita vancheli….last two lines tyare pan nohti samjai ane aaje pan naa samjai…baaki ni rachana samjai gai etle gami 🙂 Vivek sir, Dhaval ji k Tirthesh ji arth ghatan karvana j hoy to mane pan laabh mali jashe..

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 6, 2011 @ 9:40 AM

    કેટલાએ સિતાંશુને જોયા છે?
    સરરીઆલીટીમાં એ મોહ્યા છે.
    દાઢીમાં એ પછી પ્રકાશ્યા છે.
    ટૂંકમાં કહીએ તોઃ
    સરરીઅલ અને દાઢી એટલેઃ
    સિતાંશુ યશશ્ચંદ્ર.

  6. sudhir patel said,

    September 6, 2011 @ 10:35 PM

    વાહ! મસ્ત કાવ્ય!!
    સુધીર પટેલ.

  7. ધવલ said,

    September 7, 2011 @ 12:26 PM

    ફરમાઈશને માન આપીને આખા કાવ્યની સમજ ઉપર ઉમેરી છે. ઉમેરો કરવાની બધાને છૂટ છે ઃ-)

  8. Udayan Thakker said,

    November 15, 2011 @ 4:10 AM

    Dhaval,very well explained.Also,sarjansheelta ne rokdi karva vishe,we have this saying: Dadhi na dodhso,Chotli na charso. UDAYAN

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment