વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
અરે! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
આદિલ મન્સૂરી

ગઝલ – અમિત વ્યાસ

કોણ ધીમા અવાજે બોલે છે ?
કોણ આ રાતને ડ્હોળે છે ?

એ તરફનો નથી પવન,તો પછી;
તું એ બારી શું કામ ખોલે છે !

ખળભળી જાય કેટલાં વિશ્વો;
ત્યારે તરણું જરાક કોળે છે !

એ રીતે ફરફરે છે, ડાળ ઉપર;
પર્ણ : જાણે હવાને તોળે છે !

કોઈ માથે ચડાવે છે જળને;
કોઈ પાણીમાં પગ ઝબોળે છે !

12 Comments »

  1. neerja said,

    August 21, 2011 @ 2:16 AM

    too good

  2. Sandhya Bhatt said,

    August 21, 2011 @ 2:24 AM

    શાન્તરસનો અનુભવ કરાવતી ગઝલ. અભિનંદન.

  3. Lata Hirani said,

    August 21, 2011 @ 4:20 AM

    કોણ ધીમા અવાજે બોલે છે ?
    કોણ આ રાતને ડ્હોળે છે ?

    બન્ને પન્ક્તિમા ભાવ જુદા નથી ?
    ડહોળે છે
    નકારાત્મક શબ્દ નથી

  4. P Shah said,

    August 21, 2011 @ 7:50 AM

    રાત્રીમાં ચોતરફ શાંતિનો આલમ હોય, તેમાં કોઇ ધીમા પણ અવાજે બોલે
    તો રાત્રીનું શાંતપણું ડ્હોળાઇ જાય.
    સુંદર રચના !
    છેલ્લો શે’ર સ્પર્શી ગયો.
    કવિને અભિનંદન !

  5. Dhruti Modi said,

    August 21, 2011 @ 4:24 PM

    નખશીખ સુંદર ગઝલ.

  6. હેમંત પુણેકર said,

    August 22, 2011 @ 1:01 AM

    આ શેર મને ખાસ ગમ્યોઃ

    એ રીતે ફરફરે છે, ડાળ ઉપર;
    પર્ણ : જાણે હવાને તોળે છે !

    લતા બહેનની વાત સાચી છે. શેરનો તર્ક બરાબર છે. “ધીમા અવાજે બોલવું” એ વાત કહીએ અને ભાવકના મનમાં જે ભાવ જન્મે એનાથી અવળી વાત બીજી પંક્તિ માં દેખાય છે અને ભાવકને ભાવક્ષતિ થયા જેવું લાગે એ શક્ય છે.

  7. Dhruti Modi said,

    August 22, 2011 @ 4:13 PM

    અતિશય શાંતિમાં ધીમો અવાજ પણ ખલેલ પાડે છે, કહીઍ છીઍ ને કે ઍટલી શાંતિ હતી કે ટાંકણી પડે તોયે સંભળાય. આ રીતે જોતાં નકારાત્મક્તાનો ભાવ ભાવકના મનમાં ઉપજતો નથી ઍવું મારું માનવું છે.

  8. વિવેક said,

    August 23, 2011 @ 1:43 AM

    ગઝલના કે નાતે કોઈ પણ કવિતાના ભાવવિશ્વ કાયમી હોતા નથી. એક જ કવિતા આપણી સામે સમયના અલગ અલગ ખંડમાં અલગ અલગ રૂપે પ્રગટ થતી આપણે અનુભવીએ છીએ.

    પ્રસ્તુત ગઝલના મત્લામાં તાર્કિક રીતે જોવા જઈએ તો ઉચ્ચારક્ષતિ અને એ નાતે છંદ દોષ છે. આપણે ડ-હોળું એમ ઉચ્ચાર કરતાં નથી (જે રીતે છંદમાં આ શબ્દ [લ-ગાગા] વપરાયો છે), આપણે ડ્હોળું એમ [ગાગા] ઉચ્ચાર કરીએ છીએ…

    આ એક નજરિયો થયો. બીજી રીતે વિચારું તો એમ જણાય કે છંદ પ્રમાણે આ મિસરાનું ઉચ્ચારણ કરીએ ત્યારે ડ-હોળું એમ બોલવું પડે છે જેના કારણે એક થડકો અનુભવાય છે અને શેરમાં કવિ જે વાત કહેવા માંગે છે એને અર્થભાર સાંપડે છે.. શેર વધુ મજેદાર બને છે…

  9. Pancham Shukla said,

    August 23, 2011 @ 3:57 AM

    બહોત અચ્છે વિવેકભાઈ.

    કવિતાને આમ ચારેબાજુથી આંખ, કાન અને હૃદયથી તપાસીએ અને અનુભવીએ તો સ્વરૂપ અને બૌદ્ધિક તર્કની પારનું પણ કશુંક સાંપડે. કવિતા એ પરકાયા પ્રવેશ છે અને પરકાયા પ્રવેશની વિદ્યા માટે મથવું પડે.

  10. Manoj Shukla said,

    August 24, 2011 @ 12:13 AM

    કેમ છો અમિતભાઈ ?

    કોઈ માથે ચડાવે છે જળને;
    કોઈ પાણીમાં પગ ઝબોળે છે !

    ખુબ જ સરસ

  11. dr.ketan karia said,

    November 3, 2011 @ 10:32 AM

    કોઈ માથે ચડાવે છે જળને;
    કોઈ પાણીમાં પગ ઝબોળે છે !
    —-
    કાફિયાનું વૈવિધ્ય ખૂબ સુંદર

  12. અમિત વ્યાસ said,

    March 26, 2020 @ 2:25 PM

    આપ સહુની તાર્કિક ચર્ચા મને ખૂબ ઉપકારક બનશે…
    કવિશ્રી વિવેકભાઇ નો કાર્ય કારણનો ખુલાસો લખતી વેળા મને અભિપ્રેત હતો જ…
    શેર ને વિ ગતે ખોલી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment