આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
મહેશ દાવડકર

ગઝલ – પ્રમોદ અહિરે

સિદ્ધિ તને મળી ગઈ,ઈશ્વર મળ્યો કે નહિ?
‘તું કોણ છે?’ આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહિ?

એકાદ મોતી તળથી તું લાવ્યો હશે કદી-
પણ પ્રશ્ન એ જ છે કે સમંદર મળ્યો કે નહિ?

જે કંઈ તને મળ્યું છે, તે અંતિમ ન હોય તો-
અંતિમ જે છે તે પામવા અવસર મળ્યો કે નહિ?

બાહર ભલે તું રોજ મળે લાખ લોકને-
એકાદવાર ખુદને તું ભીતર મળ્યો કે નહિ?

-પ્રમોદ અહિરે

આ ચાર શેર વાંચીએ અને અંદર ખળભળાટ ન થાય તો જ નવાઈ…

14 Comments »

 1. Jayshree said,

  August 11, 2011 @ 3:12 am

  વાહ… દરેક શેર ખૂબ જ મઝાનો…!

 2. Rina said,

  August 11, 2011 @ 3:24 am

  જે કંઈ તને મળ્યું છે, તે અંતિમ ન હોય તો-
  અંતિમ જે છે તે પામવા અવસર મળ્યો કે નહિ?

  બાહર ભલે તું રોજ મળે લાખ લોકને-
  એકાદવાર ખુદને તું ભીતર મળ્યો કે નહિ?

  grt….superb….

 3. Atul Jani (Agantuk) said,

  August 11, 2011 @ 3:51 am

  અંદર ખળભળાટ થયો.

 4. P Shah said,

  August 11, 2011 @ 4:21 am

  એકાદવાર ખુદને તું ભીતર મળ્યો કે નહિ?…
  સુંદર રચના !

  બધા જ શેર લાજવાબ થયા છે.

 5. Labhshankar Bharad said,

  August 11, 2011 @ 6:28 am

  “સિધ્ધિ તને મળી ગઈ….” તથા
  “બાહર ભલે તું રોજ મળે….” આ બન્ને શેર ખૂબ ગમ્યા-
  પરમ તત્વને પામ્યા વગર સિધ્ધિની પ્રાપ્તિ શું કામની ?
  ખુદને મળવું તે ખુદાને મળવા બરાબર છે, જો તે શક્ય ન બન્યુ હોય તો બહાર લાખો લોકોને મળવું વ્યર્થ જ છે.
  ધન્યવાદ- પ્રમોદભાઈ તથા [લ] !

 6. urvashi parekh said,

  August 11, 2011 @ 7:47 am

  સરસ રચના,
  બહાર ભલે તુ રોજ મળે,
  અને તુ કોણ છે એ પ્રશ્ન નો ઉત્તર મળ્યો કે નહી?
  સરસ.

 7. Lata Hirani said,

  August 11, 2011 @ 7:58 am

  બાહર ભલે તું રોજ મળે લાખ લોકને-
  એકાદવાર ખુદને તું ભીતર મળ્યો કે નહિ?

  અત્યઁત અઘરી વાત છે… કેમ કે સ્વની ઓળખ જ નથી હોતી…. મૂળ પદારથની અવગણનાના કેટલા કેટલા પડ જામેલા હોય છે !!

 8. jigar joshi 'prem' said,

  August 11, 2011 @ 11:13 am

  પ્રત્યેક શેરમાઁ મજા આવી.

 9. ડૉ.મહેશ રાવલ said,

  August 11, 2011 @ 12:17 pm

  માત્ર ચાર શેરની આ ગઝલ સણસણતો સવાલ કરી ગઈ…
  જિંદગી આજે માત્ર જીવાઈ રહી છે યંત્રવત.
  ત્યારે, ભીતરસુધી ખળભળાવી મૂકે એવા આત્મમંથન માટે મજબૂર કરે એવી અભિવ્યક્તિ.
  કવિના ‘પાકટ’ કવિકર્મને સલામ અને અભિનંદન.

 10. Kalpana said,

  August 11, 2011 @ 2:37 pm

  જીવન આખું ખળભળ્યો,
  એકાદ સમુદ્ર મળ્યો કે નહિ?
  સુન્દર સવાલો, સરસ રજુઆત. આભાર વિવેકભાઈ.

 11. Dhruti Modi said,

  August 11, 2011 @ 3:17 pm

  આહાહા!! શું સુંદર ગઝલ છે. વિપ્રલંભ તો ખરો પણ કેટલો સહજ. દરેક વ્યક્તિને માટે છે આ ગઝલ. અભિનંદન કવિને.

 12. કિરણસિંહ ચૌહાણ said,

  August 13, 2011 @ 4:17 am

  આખી ગઝલ બહુ જ સુંદર છે એમાં તો કોઇ પ્રશ્ન જ નથી પણ વિશેષતઃ ગઝલના અચ્છા જાણકાર મિત્ર પ્રમોદની ગઝલ ફરી એકવાર મોટા ફલક પર એ જોઇને બહુ આનંદ થયો.

 13. gunvant thakkar said,

  August 13, 2011 @ 9:14 am

  એકાદ મોતી તળથી તું લાવ્યો હશે કદી-
  પણ પ્રશ્ન એ જ છે કે સમંદર મળ્યો કે નહિ?
  મસ્ત શેર, ખુબ સરસ ગઝલ.

 14. Smita Parekh said,

  August 13, 2011 @ 10:04 pm

  વાહ સરસ ગઝલ,
  માત્ર ચાર શેરમા જીવન દર્શન કરાવ્યુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment