આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઈ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઈ
ભગવતીકુમાર શર્મા

કહેવાય નહીં – મકરંદ દવે

આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહીં,
કદાચ મનમાં રમી જાય
તો કહેવાય નહીં.

ઉદાસ,પાંદવિહોણી,બટકણી ડાળ પરે,
દરદી પંખી ધરે પાય, ને ચકરાતું ફરે
તમારી નજરમાં ત્યારે કોણ કોણ શું શું તરે ?
આ ગીત એ જ કહી જાય
તો કહેવાય નહીં,
જરા નયનથી વહી જાય
તો કહેવાય નહીં.

ઉગમણે પંથ હતો સંગ,સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું
પછી મળ્યું, ન મળ્યું, થયું જવાટાણું ?
ખુશી જો ત્યાં જ મળી જાય
તો કહેવાય નહીં,
આ ગીત તમને ફળી જાય
તો કહેવાય નહીં.

કશું કહી ન શકાયું, ન લેખણે દોર્યું,
પરંતુ કાળજે એ ક્યાંક મૌનમાં કોર્યું
શિલાનું ફૂલ ન ખીલ્યું, ખર્યું ન, કે ફોર્યું,
આ ગીત ગુંજ વણી જાય
તો કહેવાય નહીં,
તરી નિકુંજ ભણી જાય
તો કહેવાય નહીં.

                       
શ્રી મકરંદ દવેની એક ખાસિયત છે- શબ્દો પાસેથી ખૂબીપૂર્વક શ્રેષ્ઠ કામ લેવું. ભાગ્યે જ કોઈ શબ્દ જરૂરિયાત વગર છંદ સાચવવા વપરાયો હોય તેમ લાગે. ક્ષ્રરદેહધારી માનવીને (દરદી પંખી) અસ્તિત્વ (બટકણી ડાળ) આકરું લાગે, વિયોગના ભણકારા વાગવા લાગે, અનઅભિવ્યક્ત ભાવનાઓનો જયારે છાતીએ ડચૂરો બાઝે – ત્યારે આત્માનું ગીત એ જ એક સહારો છે…..એ જ એક સુહૃદ છે…..એ જ સુરા છે…..એ જ ગેબી સૂર છે…….

4 Comments »

 1. ધવલ said,

  August 7, 2011 @ 12:23 pm

  કશું કહી ન શકાયું, ન લેખણે દોર્યું,
  પરંતુ કાળજે એ ક્યાંક મૌનમાં કોર્યું
  શિલાનું ફૂલ ન ખીલ્યું, ખર્યું ન, કે ફોર્યું,

  – વાહ !

 2. DHRUTI MODI said,

  August 7, 2011 @ 5:06 pm

  સુંદર મઝાનું ગીત.

 3. વિવેક said,

  August 8, 2011 @ 1:42 am

  સાચે જ ગમી જાય એવું ગીત… ગીત વિશેની ટિપ્પણી પણ ટૂંકી અને કસદાર…

 4. amirali khimani said,

  August 8, 2011 @ 10:41 am

  ખુબ ગમ્યુ જિયનપોન્ચેરવિ તિઆ પોન્ચેકવિ સુન્દર રચ્ના મરા અભિનદન સ્વિકજો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment