એટલો પાસે ગયો કે થઈ ગયું-
દાઝવું નક્કી, અડું કે ના અડું.
ભાવિન ગોપાણી

એક ગઝલ, એક પ્રયોગ – ઉદયન ઠક્કર

કમળદળને ભીંજાવીને અમે પણ જોઈ લીધું છે
કોઈને યાદ આવીને અમે પણ જોઈ લીધું છે.

તમારું મુખ કોઈ કિસ્મતની બાબત હોય એ રીતે
હથેળીમાં છુપાવીને અમે પણ જોઈ લીધું છે.

કદી વિદ્યુતપ્રવાહોથી રમત સારી નથી હોતી
જરા નજરો મિલાવીને અમે પણ જોઈ લીધું છે.

કોઈને ક્યારે ક્યારે, કોનું કોનું, આવે છે સપનું
કદીક એમાં જ આવીને અમે પણ જોઈ લીધું છે.

ઉજાસો ઝળહળાવીને તમે જે માંડ જોયું, એ
તિમિરને ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.

જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે.

કયા હોઠોએ તૈયારી કરી છે ફૂંકને માટે
એ દીવો ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.

અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.

– ઉદયન ઠક્કર

લાંબી રદીફની ગઝલની મોટી મુશ્કેલી એ હોય છે કે મોટા ભાગે એ રદીફ ગઝલમાં લટકણિયું બનીને રહી જતી હોય છે. શેરમાંથી રદીફ કાઢીને વાંચીએ એટલે તરત જ અહેસાસ થાય કે કવિએ જે વાત કહેવાની હતી એ તો આગળની દોઢ પંક્તિમાં પૂરી જ થઈ ગઈ છે અને આ રદીફ એમાં કંઈ નવું ઉમેરી શક્તી નથી… પણ ઉ.ઠ.ની આ ગઝલના આઠે આઠ શેર રદીફ ઢાંકી દઈને વાંચો તો રદીફની અનિવાર્યતા અને એના વિના શેરની અધૂરપ તરત જ સમજાય છે…

હા, જો કે આ ગઝલને એમણે એક ગઝલ, એક પ્રયોગ એવું શીર્ષક કેમ આપ્યું હશે એ મને સમજાયું નહીં… Any takers?!

12 Comments »

 1. અનામી said,

  July 23, 2011 @ 8:36 am

  અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
  એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.

  વાહ…

 2. naresh k dodia said,

  July 23, 2011 @ 12:51 pm

  કયા હોઠોએ તૈયારી કરી છે હૂંફને માટે
  એ દીવો ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.

  અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
  એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.

  – ઉદયન ઠક્કર….એક્દમ જકાસ રચના મજો પડી ગયો

 3. મીના છેડા said,

  July 23, 2011 @ 10:56 pm

  સરસ !!!

 4. ડૉ. મહેશ રાવલ said,

  July 24, 2011 @ 12:25 pm

  કવિશ્રીને અહીં જે અભિપ્રેત છે એ પરંપરાને વળગીને,બહુજ સહજ અને સરળતાથી કહેવાયું છે.
  ગઝલ પણ સરસરીતે પ્રવાહિત થઈ રહી જણાઈ….
  ખૂબ ખૂબ અભિનંદન.

 5. Sudhir Patel said,

  July 24, 2011 @ 1:23 pm

  ખૂબ સુંદર લાંબી રદીફને નિભાવતી તાજગીસભર ગઝલ!
  જોકે અહીં કોઈ પ્રયોગ દેખાતો નથી.
  સુધીર પટેલ.

 6. Pinki said,

  July 24, 2011 @ 1:49 pm

  વાહ ! સરસ ગઝલ !

  અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
  એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.

  પ્રયોગો કર્યા બાદ, આપણે તારણ પર આવીએ છીએ અને કહીએ કે –
  અમે પણ જોઈ લીધું છે.

  અને જિંદગીનાં આવાજ કઈક પ્રયોગો નો યોગ કવિ ગઝલમાં ઉતારે છે
  એટલે કદાચ એક ગઝલ, એક પ્રયોગ શિર્ષક આપ્યું હશે ?!!

 7. Maheshchandra Naik said,

  July 24, 2011 @ 4:58 pm

  જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ,
  કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધુ છે
  સરળ જીવન જીવવાની વાત કરતી ગઝલ, થોડી લાંબી લાગે પર્ંતુ શિષર્ક દ્વારા એ વિષે કહેવાય ગયુ છે, કવિશ્રીને અભિનદન…………….

 8. ધવલ said,

  July 25, 2011 @ 9:16 pm

  અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
  એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.

  ઃ-)

 9. Udayan Thakker said,

  November 15, 2011 @ 4:29 am

  Vivek,Navneet-Samarpan ma mari be rachana saathe prakat thayeli-Paheli te aa ghazal, ne bijinu sheershak hatu ‘Prayog'(Laboratory Experiment).Je rite sheershak mukelu tenathi sandigdhata ubhi thai.’Sellara’ pustak ma aa ghazal chhe,ane tene koi sheershak nathi. Udayan

 10. Udayan Thakker said,

  November 15, 2011 @ 4:33 am

  Satmo sher sudharsho? “hunf” nahi pan “foonk” joie. Abhar. Udayan

 11. વિવેક said,

  November 15, 2011 @ 7:43 am

  આભાર, ઉદયનભાઈ…
  ટાઇપિંગની ભૂલ સુધારી લીધી છે. ધ્યાન દોરવા બદલ આભાર…
  શીર્ષક વિશેના ખુલાસાથી મારા મનની શંકાનું સમાધાન થયું.

 12. ingeet said,

  December 6, 2011 @ 10:24 pm

  ગઝલ ખુબ સરસ્
  મુખ કિસ્મત નિ રેખ રુપે હોય્
  વ્યક્તિ નસિબ બને એવાત તો સારિ જ પન એથિ સરિ એ ચ્હુપવિને કહેવનિ રેીત્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment