સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?
ગૌરાંગ ઠાકર

કેરલ કન્યા – સિતાંશુ યશશ્ચન્દ્ર

છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો…
જળ જેવી લીલી લીલી ભોંય પર તરતી શ્યામળા તે રંગની મરાલી જો.

એને બિન્દાસ મ્હેક મ્હેક ફૂટ્યાં છે ચારેગમ ટેકરીનાં સ્તન,
લોચનમાં ડોકાતું એનું અમાસના તારલિયા આભ જેવું મન,
નક્ષત્રો બાંધી શકાય નહીં એનાં એની રોશની ઝલાય નહીં ઝાલી જો.

ભૂરી ભૂરી ઝાંય ભરી ઢેલ એની ચાલમાં ને ઊડે છે આંખોમાં હંસ,
હોય જો નસીબ તો એ આગભરી નાગણ થઈ દઈ જાય અમરતના ડંસ,
ધારદાર ધારિયેથી ફોડી જોવો તો એનું નારિકેલ એકે નથી ખાલી જો.
છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો…

– સિતાંશુ યશશ્ચન્દ્ર

ગયા રવિવારે (11-03-2007)ના રોજ નર્મદ સાહિત્ય સભા દ્વારા શ્રી સિતાંશુભાઈને ‘નર્મદચંદ્રક’ એનાયત થયો ત્યારે લાગલગાટ દોઢ કલાક સુધી એમની વાણી સાંભળવા મળી.’ટેન્કટ…ટેન્કટ…’ કે ‘હો ચી મિહ્ ન’ જેવી કવિતાઓ સાથે પરંપરાગત ગુજરાતી કવિતાના કલેવરને પાયામાંથી હચમચાવી નાંખનાર સિતાંશુભાઈની અસ્ખલિત વાક્ધારા સાંભળવી એ પોતે જ એક લ્હાવો હતો. ‘બુકર પ્રાઈઝ’ તો હું ડાબા હાથે લખું તો પણ મેળવી શકું છું એવો જાહેર ‘હું’કાર એક તરફ એમના ગર્વીલા સ્વભાવ અંગે શંકિત કરતો હતો તો બીજી બાજુ ‘લખતે લખતે અનુભવો અને અનુભવતે અનુભવતે લખો’ની લાખેણી શીખ એમની મૃદુ સર્જક્તાનું શરસંધાન કરતી જણાતી હતી. સામા પ્રવાહે તરવાની છાતી ધરાવતા આ સર્જક પોતાની પરંપરાના પેંગડામાં પણ પગ નાંખીને પડી રહેતા નથી. એમની સરરિયલ કવિતાઓ પોતે એક આંદોલન છે. અહીં એક નાનકડા ગીતમાં કેરળકન્યાનું પ્રતીક લઈ આખા કેરળખંડના કાચા અને અક્ષુણ્ણ સૌંદર્યને એમણે સુંદર રીતે આરાધ્યું છે. (જન્મ: 18-08-1941, કાવ્યસંગ્રહો: ‘ઓડિસ્યૂસનું હલેસું’, ‘જટાયુ’, ‘મોએં-જો-દડો’ (ઑડિયો), ‘લડત’)

(મરાલી = હંસી)

3 Comments »

 1. Jayshree said,

  March 21, 2007 @ 9:37 pm

  કેરલની સુંદરતા વિષે ઘણું સાંભળ્યુ છે, આજે ફરીથી એકવાર જેને God’s Own Country કહેવાય છે ત્યાં જવાની ઇચ્છા થઇ ગઇ..

  વિવેકભાઇ, દરેક કવિતા સાથે એનો આસ્વાદ, કવિ પરિચય, કે પછી આવી કોઇ ‘તાઝા ખબર’ અમને કવિતા કે ગઝલની વધુ નજીક લઇ જાય છે.

 2. Sanket said,

  March 24, 2007 @ 4:55 pm

  In the same function One scen was performed of the play “ek sapnu badu shaitani”, directed by Mr. Kapildev shukla and the new s is yesterday the play won the 1 st prise in Gujarat State Level Full length Drama Competition.

  Conrats Sitanshubhai Once again.

 3. haresh said,

  July 17, 2008 @ 6:57 am

  સારુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment