અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’
વિવેક મનહર ટેલર

ગઝલ -અદી મિરઝાં

તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

અદી મિરઝાં (જન્મ: ૨૬-૧૦-૧૯૨૮) હવે આપણી વચ્ચે નથી રહ્યા (મૃત્યુ: ૦૧-૦૩-૨૦૦૭). એમની એક લોકપ્રિય ગઝલ અહીં રજૂ કરી લયસ્તરો ટીમ તરફથી એમને શબ્દ-સુમન અર્પણ કરીએ છીએ. એમની અન્ય એક ગઝલ આપ અહીં માણી શકો છો. ગઝલસંગ્રહ: ‘સાદગી’.

3 Comments »

  1. UrmiSaagar said,

    March 10, 2007 @ 3:12 PM

    સુંદર ગઝલ! આ ગઝલ સાંભળેલી છે, કોના અવાજમાં તે ખ્યાલ નથી…

  2. સુરેશ જાની said,

    March 10, 2007 @ 6:50 PM

    મનહર ઉધાસ … આલ્બમ યાદ નથી .

  3. dr.ketan karia said,

    October 24, 2011 @ 9:37 AM

    ખરેખર ….સાદગી ભરી ચોટદાર ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment