બુઝાયા જેમ એમ વધુ ઝળહળી ઉઠ્યા;
એક અસ્તની સાથે જ ઉદયમાં હતા/છીએ!
– વિસ્મય લુહાર

ધૂળિયે મારગ-મકરંદ દવે

કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ ?

સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !

કાશ મારામાં એટલું બળ હોતે કે હું આ સંદેશ અનુરૂપ જીવી શકતો હોતે….!

8 Comments »

  1. Rina said,

    June 19, 2011 @ 1:50 AM

    very inspiring….:):)

  2. ધવલ said,

    June 20, 2011 @ 8:44 PM

    માનવી ભાળી અમથું અમથું
    આપણું ફોરે વ્હાલ;
    નોટ ને સિક્કા નાખ નદીમાં,
    ધૂળિયે મારગ ચાલ !

    – સલામ !

  3. વિહંગ વ્યાસ said,

    June 21, 2011 @ 3:10 AM

    સલામ…..

  4. ડેનિશ said,

    June 21, 2011 @ 9:17 AM

    ગુણવન્તી અને ગમતીલી કવિતા!
    આથમા ધોરણથી લઈ બારમા ધોરણ સુધી આ કવિતા અભ્યાસમાં-પદ્યાર્થગ્રહણમાં વાંચી છે,માણી છે .
    કવિશ્રીએ કેટલી સરળ રીતે જીવનનો મર્મ -જીવન જીવવાની પદ્ધતિ સમજાવી દીધી! પણ ,તીર્થેશભાઈએ કહ્યું તેમ આને જીવી બતાવવું બહુ જ કઠિન છે.

    સોનાની તો સાંકડી ગલી,
    હેતું ગણતું હેત,
    દોઢિયાં માટે દોડતાં એમાં
    જીવતાં જોને પ્રેત !
    આ પંક્તિઓમાં પૈસા પાછળની આંધળી દોટ ઉપર કેવો વેધક પ્રહાર કર્યો છે !
    નોટ ને સિક્કા નાખ નદીમાં,
    ધૂળિયે મારગ ચાલ !

  5. rajesh shah said,

    June 28, 2011 @ 10:10 AM

    ઘનુ સરસ

  6. Hitesh Mahavir jain said,

    February 8, 2026 @ 8:56 AM

    આજે બાળપણ ની એ યાદ આવી ગઈ, ગામડાની સવાર અને સવારે સવારે જતાં શાળામાં

    અને પ્રાથના માં આજ અમે ગાતા હતા, I miss my school friends and my school time, I miss everyone, I miss my classmate

  7. Hitesh Mahavir jain said,

    February 8, 2026 @ 8:57 AM

    આજે બાળપણ ની એ યાદ આવી ગઈ, ગામડાની સવાર અને સવારે સવારે જતાં શાળામાં

    અને પ્રાથના માં આજ અમે ગાતા હતા,

  8. Kishor Ahya said,

    February 8, 2026 @ 10:15 PM

    શ્રી મકરંદ દવે ,જેવું ગીત એવુંજ જીવન.,(૧૯૨૨-૨૦૦૫) ૧૯૪૨માં રાજકોટમાં શ્રી ધર્મેન્દ્રસિંહજી કોલેજ માં આઝાદીની લડતમાં ભાગ લેવા ઇન્ટર પછીનો અભ્યાસ છોડ્યો. ૧૯૪૪-૪૫ અનેં તે પછી ‘કુમાર’ અને બીજા પાક્ષિકો અને ‘જય હિન્દ ‘દૈનિકનું સંપાદન કર્યું.

    ૧૯૮૭ માં તેઓશ્રી વલસાડ નજીક ધરમપુર પાસે આદિવાસી કલ્યાણ માટે ‘નંદીગ્રામ ‘ ની સ્થાપના કરી. મુંબઈને કાયમી ધોરણે છોડી જીવનના અંત સુધી તેઓ નંદીગ્રામમાં રહ્યા. સેવા પરમો ધર્મ એ એમના જીવનનું સૂત્ર હતું.જેમાં તેમના વાગ્દાતા- લેખિકા સૂ શ્રી કુન્દનિકા કાપડિયાનો અમૂલ્ય ફાળો રહ્યો. આજે પણ આ સંસ્થા આદિવાસી વિકાસના કામો કરે છે. નંદીગ્રામમાં અભ્યાસ કરીને ઘણા બધા લોકોએ સમાજમાં તેમનું સ્થાન બનાવ્યું છે.

    ધૂળિયે મારગ ચાલ ,ગમતાનો કરીએ ગુલાલ ,એક દિન ઇદ ને એક દિન રોજા, ભોજો ભરવાડ ને દલા શેઠ, હું આજે મરું તો શું થાય ? એવી તો ઘણી બધી શ્રી મકરંદ દવેની કૃતિઓ લોકોએ ખૂબ વખાણી છે .સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપ્યો, જીવનમાં.અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા .

    દુનિયામાં વસતા કેટલાક એવા લોકો છે જેઓને ઈશ્વરે આપેલા આ અમૂલ્ય જીવનની કિંમત નથી અને જીવનમાં પૈસા માટે પ્રેતની જેમ દોડ્યા કરે છે ! મનુષ્યને થોડો બોધ આપવા કવિ આવા ગીતો રચના રહ્યા. ગીતની પંક્તિ કેવી સરસ મૂકી છે !

    “સોનાની તો સાંકડી ગલી,
    હેતુ ગણતું હેત,
    દોધિયાં માટે દોડતાં એમાં
    જીવતા જોને પ્રેત !”

    “માનવી ભાળી અમથું અમથું
    આપણું ફોરે વ્હાલ ;
    નોટ ને સિક્કા નાખ નદીમાં,
    ધૂળિયે મારગ ચાલ !”

    અહીં નોટ ને સિક્કા નદીમાં નાખવાની વાત સાંકેતિક અર્થમાં છે. સાચી વાત ,મનુષ્ય અને મનુષ્ય વચ્ચે ગરીબ છે કે તવંગર એવો ભેદ ન હોવો જોઈએ, બધા માનવી એક સરખા છે, સર્વે જીવો ઇશ્વર ઉત્પન્ન કરે છે ને મૃત્યુ થતા બધાં સમાન બને છે. “માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ” મનુષ્યને એકબીજા માટે કોઈ કારણ વિના પ્રેમની લાગણી થવી જોઈએ એ વાત છે.

    ધૂળિયે મારગ-કે
    શ્રી મકરંદ દવે (સાઈ) ની ખૂબ સરસ રચના અને શ્રી તીર્થેશભાઈએ ટૂંકમાં આસ્વાદમાં લખેલ સમજ સમજવા જેવી છે. આવા આપણે ક્યારે થઈ શકીએ?

    🌹🌹🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment